માત્ર ચાર પ્રશ્ન આવ્યા:જિલ્લા પંચાયતનો વધુ એક લોકદરબાર નિરસ બાંધકામ સહિતના ચાર પ્રશ્ન જ આવ્યા!

રાજકોટ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જસદણમાં સફળતા બાદ તાલુકાસ્તરે યોજવાનું નક્કી કરાયું હતું

રાજકોટ જિલ્લા પંચાયત દ્વારા સાપ્તાહિક ધોરણે દર સોમવારે યોજવામાં આવતો લોકદરબાર વધુ એક વખત નિરસ સાબિત થયો હતો. આ વખતે પણ એવું બન્યું હતું કે, સાંભળવાવાળા છથી સાત પદાધિકારીઓ બેઠા હતા અને પ્રશ્નો લઇને અરજદારો માત્ર ચાર જ આવ્યા હતા! જિલ્લામાં 591થી વધુ ગામડાંઓ છે, સમયાંતરે વિકાસના મુદ્દાઓ - વણઉકેલ્યા પ્રશ્નોના મુદ્દાઓ પણ ઉઠતા જ રહેતા હોય છતાં લોકદરબારમાં પ્રશ્નો આવતા નથી તેની પાછળ ક્યાંકને ક્યાંક જાગરૂકતાનો અભાવ તેમજ ગ્રામજનો સુધી રજૂઆતના આ પ્લેટફોર્મ અંગે સંપૂર્ણ માહિતી ન પહોંચી રહી હોવા સહિતનાં કારણો ચર્ચાને એરણે ગણાવાઇ રહ્યા છે.

રાજકોટમાં પાંચમો લોકદરબાર નિરસ રહ્યો છે. તાજેતરમાં જસદણ ખાતે લોકદરબાર યોજાયો અને તેમાં 100થી વધુ પ્રશ્ન આવ્યા ત્યારે તે કાર્યક્રમ સફળ રહ્યો હોવાનો દાવો કરી તંત્રે હવે સાપ્તાહિક ધોરણે તાલુકાસ્તરે લોકદરબાર યોજવાનું નક્કી કર્યાની જાહેરાતો કરાઇ હતી, છતાં આ અંગે હજુ સત્તાવાર કાર્યક્રમ જાહેર કરાયો નથી.

સોમવારે 11 કલાકે યોજાયેલા લોકદરબારમાં માત્ર ચાર પ્રશ્ન આવ્યા હતા. જેમાં મહેકમ શાખાનો જામકંડોરણાના દડવી ગામે તલાટી કમ મંત્રીની બદલી કરવાનો પ્રશ્ન, શિક્ષણ વિભાગનો શિક્ષકની ફરિયાદ સંલગ્ન ખાતાકીય તપાસનો પ્રશ્ન, બાંધકામખાતાનો ગઢકામાં પાણી,રોડનો પ્રશ્ન, રૂડા સંલગ્ન મહિકા માંડાડુંગર વિસ્તારનો પાણી-રોડનો પ્રશ્ન લઇને ચાર અરજદારો આવ્યા હતા.

પ્રમુખ ભૂપતભાઇ બોદર, ઉપપ્રમુખ સવિતાબેન વાસાણી, કારોબારી ચેરમેન સહદેવસિંહ જાડેજા, હોદ્દેદારો પી.જી.ક્યાડા, જેન્તીભાઇ બરોચિયા, મોહનભાઇ દાફડા, મહિલા સદસ્યોના પતિદેવો જનકભાઇ ડોબરિયા, ધર્મેન્દ્રભાઇ ટીલાળા, રાજેશભાઇ ચાવડા, સુભાષચંદ્ર બાંભરોલિયા હાજર રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...