તંત્રની પોલ ખોલી:ન થયો વિકાસ માટે 12 ઈંચમાં રકાસ, શહેરમાં 500 લોકોનું સ્થળાતંર, તણાઈ જતા એકનું મોત

રાજકોટ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
માધાપર ચોકડીએ પાણી ભરાતા 5 કિ.મી.નો ટ્રાફિકજામ - Divya Bhaskar
માધાપર ચોકડીએ પાણી ભરાતા 5 કિ.મી.નો ટ્રાફિકજામ
  • 65 જગ્યાએ પાણી ભરાયાં, જર્જરિત મકાન ધરાશાયી થતા એકને ઈજા, 10 સ્થળે વૃક્ષ પડ્યા
  • માંડા ડુંગર પાસે ત્રણ વર્ષ પહેલા જ બનાવેલો પુલ તૂટતાં બે સોસાયટીના લોકોનો સંપર્ક તૂટ્યો

રાજકોટમાં સોમવારે આખો દિવસ વરસાદ રહ્યા બાદ રાત્રે 12 કલાકે વરસાદ શરૂ થયો હતો. રાત્રે શરૂ થયેલો વરસાદ મંગળવારે આખો દિવસ ચાલુ રહ્યો હતો. સાંજે 5 વાગ્યા બાદ વિરામ લીધો હતો. 24 કલાકમાં 12 ઈંચ વરસાદ વરસી ગયો હતો. 12 ઈંચ વરસાદે તંત્રની કામગીરીની પોલ પણ ખોલી હતી. ફાયર બ્રિગેડના જણાવ્યાનુસાર લલૂડી વોંકળીમાં પાણી ભરાઈ જતા ત્યાંથી 500 લોકોનું સ્થળાતંર કર્યું હતું. આનંદનગર કોલોની, જિલ્લા ગાર્ડનમાં શ્રમ ક્વાર્ટર પાસે સહિત શહેરમાં 65 સ્થળે પાણી ભરાયાં હતાં.

ઘરમાં પાણી ભરાઈ જતા લોકોને જીવન જરૂરિયાત અને કિંમતી ચીજવસ્તુ ઊંચાઈ પર મૂકવી પડી હતી. તંત્ર સમયસર પહોંચી ન શકતા લોકોએ જાતે પાણી ઉલેચવા પડ્યા હતા. આજી નદીમાં એક વ્યક્તિ તણાઈ જતા તેનું મોત નીપજ્યું હતું. તેમજ રામનાથપરામાં જર્જરિત મકાન ધરાશાયી થતા એક વ્યક્તિને ઈજા થઇ હતી. જ્યારે ધર્મેન્દ્ર રોડ પર મનહર લોજનું મકાન ધરાશાયી થવાની તૈયારી હોય ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને આજુબાજુની 7 દુકાન ખાલી કરાવી હતી. પંચવટી મેઈન રોડ, બંસી સોસાયટી, ગીતાનગર સહિત 10 સ્થળે વૃક્ષ ધરાશાયી થયા હતા.

માર્કેટિંગ યાર્ડ નજીક કાર પાણી ભરેલા ખાડામાં પડી હતી અને તેમાં ત્રણ વ્યક્તિ ફસાઇ હતી. જેને સહીસલામત રીતે બહાર કાઢવામાં આવી હતી. 24 કલાકમાં સૌથી વધુ વરસાદ મંગળવારે રાત્રે 2થી સવારે 8 કલાક સુધી પડ્યો હતો. 6 કલાકમાં 7 ઈંચ વરસાદ પડ્યો હતો. ત્યારબાદ સવારે 10 થી 11ની વચ્ચે એક ઈંચ વરસાદ આવ્યો હતો. આ સાથે સિઝનનો કુલ વરસાદ 24.9 ઈંચ પડ્યો હતો. બચાવ કામગીરીમાં ફાયર બ્રિગેડના 250 લોકોની ટીમ કામે લાગી હતી. બાપા સીતારામ ચોક પાસે ગાડી તણાઇ હતી. નંદા હોલ પાસે ગાય તણાઇ હતી.

મંગળવારે રાત્રિના 12થી લઇને સાંજના 4 સુધીમાં સેન્ટ્રલ ઝોનમાં 12 ઈંચ, ઈસ્ટ ઝોનમાં 9.24 ઈંચ,વેસ્ટ ઝોનમાં 6.92 ઈંચ વરસાદ પડ્યો હતો. જ્યારે સિઝનનો વરસાદ અનુક્રમે સેન્ટ્રલ ઝોનમાં 24.9, ઈસ્ટ ઝોનમાં 20.4 ઈંચ અને વેસ્ટ ઝોનમાં 22 ઈંચ પડ્યો છે. હવામાન ખાતાના જણાવ્યાનુસાર જે લો પ્રેશર હતું તે મજબૂત બનીને વેલ માર્ક લો પ્રેશરમાં પરિવર્તિત થયું છે. જો હવે તે ડિપ્રેશનમાં પરિવર્તિત થશે તો 15 તારીખ બાદ હજુ ભારે વરસાદ પડી શકે છે. આજથી શાળા-કોલેજ રાબેતા મુજબ ચાલુ રહેશે.

વાહનવ્યવહાર ખોરવાયો : પાણી ભરાઈ જતા એસટીની 30 બસ રદ કરવામાં આવી
મંગળવારે રાજકોટ સહિત આજુબાજુના ગ્રામ્ય વિસ્તાર અને સૌરાષ્ટ્રભરમાં વરસાદ હતો. જેને કારણે રાજકોટ એસટી ડિવિઝને ગોંડલ-જામકંડોરણા, ગોંડલ-માંગરોળ, ખરેડી ઉપરાંત જામનગર, અમદાવાદ સહિત જ્યાં પાણી વધુ ભરાઈ ગયા હોય તેવા રૂટની બસ રદ કરી હતી. રાજકોટ એસટી વિભાગના નિયામક જે.બી. કલોતરાના જણાવ્યાનુસાર આજે જો પાણી નહિ ભરાયા હોય કે વાતાવરણ ચોખ્ખું થઈ જશે તો બધા રૂટ રાબેતા મુજબ ચાલુ રાખવામાં આવશે. ચોમાસાની સિઝનને કારણે સામાન્ય કરતા ઓછો ટ્રાફિક મળે છે એવા રૂટ પણ લો ટ્રાફિકના કારણે રદ કરવામાં આવ્યા છે.

વેપાર- ઉદ્યોગ પ્રભાવિત : સોની બજાર આખો દિવસ બંધ રહી, અન્ય બજારોમાં ખરીદી ઘટી
મંગળવારે ભારે વરસાદને કારણે સોની બજાર આખો દિવસ બંધ રહી હતી. આ સિવાય ધર્મેન્દ્ર રોડ, દાણાપીઠ, ઘી કાંટા રોડ, બંગડી બજાર, કડિયા નવલાઈન, દીવાનપરા, ગુંદાવાડી સહિતની બજારોમાં પાણી ભરાઈ ગયા હતા. કેટલાક વિસ્તારોની દુકાનમાં અંદર પાણી આવી ગયા હતા. જેથી દુકાનદારોને પાણી ઉલેચવા પડ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...