રાજકોટ કોંગ્રેસના બે કોર્પોરેટર વશરામ સાગઠીયા અને કોમલ ભરાઈ ‘આપ’માં જોડાઇ જતા આ બંને સભ્યને પદ છોડવા પાર્ટીએ નોટીસ આપી હતી. જેની મુદ્દત પૂરી થતા આજે રાજકોટ શહેર કોંગ્રેસ પ્રમુખ પ્રદીપ ત્રિવેદીએ કમિશ્નરને પત્ર પાઠવી બંને સભ્યને હોદ્દા પરથી ગેરલાયક ઠેરવવાની સત્તાવાર માંગણી કરી છે.
રાજીનામુ આપ્યા બાદ જ અન્ય પાર્ટીમાં જોડાવવું જોઇએ
શહેર કોંગ્રેસે આજે મ્યુનિ.કમિશ્નર અને મેયર ઉપરાંત રાજયના મુખ્ય સચિવને લખેલા પત્રમાં જણાવ્યું છે કે 2021માં કોંગ્રેસના ચાર કોર્પોરેટર ચૂંટાયા બાદ પક્ષના મેન્ડેટ પર ચૂંટાયેલા વશરામ સાગઠીયા અને કોમલ ભારાઇ આમ આદમી પાર્ટીમાં જોડાઇ ગયા છે. તેઓએ પ્રથમ કોર્પોરેટર પદેથી લેખિતમાં રાજીનામુ આપ્યા બાદ જ અન્ય પાર્ટીમાં જોડાવવું જોઇએ. જેથી તેઓ સામે ચૂંટણી પંચના કાયદાની જોગવાઇ મુજબ કાર્યવાહી થઇ શકે છે. તા.15ના રોજ આ મામલે બંને કોર્પોરેટરને નોટીસ આપી છે.
કોર્પોરેટર પદની સુવિધા બંધ કરવા કોંગ્રેસે માંગ કરી
પક્ષ દ્વારા તેઓને ગેરલાયક ઠેરવવા માટે કાર્યવાહી કરવામાં આવી રહી છે. તો સત્તાની રૂએ કમિશ્નરે પણ તેઓને ગેરલાયક ઠેરવવા જોઇએ. કોર્પોરેટર તરીકે તેઓની તમામ સવલતો અને સુવિધાઓ બંધ કરી દેવી જોઇએ તેવો કાયદાનો અભિપ્રાય છે. આ સ્થિતિમાં જો તેઓ પોતે ગેરલાયક ન ઠરે તેવું કહેતા હોય તો જયાં સુધી આ અંગેનો હુકમ સરકારમાંથી ન લાવે ત્યાં સુધી પદની સુવિધા બંધ કરવા પણ કોંગ્રેસે માંગ કરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.