મેઘકહેર:રાજકોટ જિલ્લામાં મુશળધાર મેઘથી આફત અનરાધાર, 25 ગામ સંપર્કવિહોણા, 2નાં મોત, 1433 લોકોનું સ્થળાંતર

રાજકોટએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મેઘરાજાને રિઝવવા પ્રાર્થના કરતા લોકો કહે છે, હવે ખમૈયા કરો
  • અરણી ગામમાં યુવક તણાયો, પડધરીમાં 4 વર્ષનું બાળક પાણીના વહેણમાં તણાયું

મેઘરાજાને વરસવા માટે બે દિવસ પહેલા લોકો પ્રાર્થના કરી રહ્યાં હતાં, પરંતુ એક સાથે ત્રાટકેલા મુશળધાર મેઘથી હવે લોકો ખમૈયા કરવા પ્રાર્થના કરી રહ્યાં છે. રાજકોટ જિલ્લામાં અનરાધાર વરસાદથી અનેક વિસ્તારોમાં તારાજીના દૃશ્યો સર્જી દીધા છે. ઘરોમાં પાણી ઘૂસતા કુલ1433 લોકોનું સ્થળાંતર કરવાની ફરજ પડી છે. જ્યારે 2 લોકોનાં મોત થયા છે. બીજી તરફ હજુ પણ ભારેથી અતિભારે વરસાદની આગાહીના પગલે જિલ્લાભરમાં તંત્ર એલર્ટ થયું છે.

જિલ્લામાં 24 કલાક અવિરત વરસાદથી નદીઓ ગાંડીતૂર બની છે. ત્યારે ગામડાંઓ તેમજ ખેતર વિસ્તાર બેટમાં ફેરવાતા 1433 જેટલા લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. જિલ્લા કંટ્રોલ વિભાગના જણાવ્યા મુજબ જામકંડોરણા તાલુકાના ચિત્રાવડ અને મોજ ખીજડિયા ગામ બેટમાં ફેરવાતા અહીંથી 350 લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. તમામ લોકોને ગામની સ્કૂલમાં આશરો આપવામાં આવ્યો છે. ગોંડલના વેજાગામ અને ત્રાકુડાના વાડી વિસ્તારમાં ફસાયેલા 50 શ્રમિકને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યાં છે. એક સાથે તૂટી પડેલા વરસાદથી કેટલીક જગ્યાએ લોકો પાણીના ધસમસતા પ્રવાહમાં તણાયા હતાં. જેમાં 2 લોકોનાં મોત થયા છે અને બે લોકોની શોધખોળ શરૂ છે. લોધિકા નજીક કારમાં ત્રણ લોકો તણાયા હતાં. જેમાંથી એકનો બચાવ થયો છે. જ્યારે 2 લોકોની હજુ સુધી કોઈ ભાળ મળી નથી. નગરપીપળિયા પાસે પણ એક ઈકો કાર તણાઈ હતી. ઉપલેટાના અરણી ગામમાં બાઈકમાં જતાં ત્રણ લોકો તણાયા હતાં. જેમાંથી બેનો આબાદ બચાવ થયો હતો. જ્યારે એક યુવાન પાણીમાં તણાવા લાગતાં તેનું મોત થયું છે. જ્યારે રાજકોટ નજીક કાગદડીમાં કારમાં સવાર 4 લોકો તણાયા હતાં. જેમાંથી 3 લોકોનો બચાવ થયો હતો. જ્યારે એક મહિલાનું મોત થયું છે.

સૌરાષ્ટ્રના 5 જિલ્લાના 38 ડેમ ઓવરફ્લો, ભાદર ડેમ ઓવરફ્લો થવામાં 5 ફૂટ બાકી
રાજકોટ સહિત સૌરાષ્ટ્રના 5 જિલ્લાના 38 ડેમ ઓવરફ્લો થયા છે. રાજકોટ માટે જીવાદોરી સમાન ભાદર ડેમ ઓવરફ્લો થવામાં 5 ફૂટ જ બાકી છે. જ્યારે આજી-1 ડેમ ઓવરફ્લો થવાની તૈયારીમાં છે. રાજકોટ જિલ્લાના 17 ડેમ ઓવરફ્લો થયા છે. ભાદર-2, ન્યારી-1, ન્યારી-2, આજી-2, આજી-3, છાપરવાડી-1, છાપરવાડી-2, વેરી, ફોફળ મોતીસર, ડોંડી, ઈશ્વરિયા, ખોડાપીપર, લાલપરી, મોજ, વેણુ-2 તેમજ સોડવદર-2 ડેમ ઓવરફ્લો થયો છે. ભાદર ડેમમાં 5 ફૂટની આવક થતાં હાલ સપાટી 28 ફૂટને પાર થઈ છે. જેથી ડેમ છલકાવામાં માત્ર 5 ફૂટ જેટલો જ બાકી છે. આજી ડેમ પણ 90 ટકાથી વધુ ભરાયો છે, જેથી ગમે ત્યારે છલકાઈ તેમ હોવાથી નીચાણવાળા ગામોને એલર્ટ કરાયા છે. જ્યારે જામનગરનો ઊંડ-1, ઊંડ-2, ઊંડ-3, ઉમિયાસાગર, ફૂલઝર કોબા, રંગમતી, વોડીસંગ, વીજરખી, રૂપારેલ, કંકાવટી, આજી-2, ફૂલઝર-1, ફૂલઝર-2, ફોફળ-2 અને પન્ના ડેમ ઓવરફ્લો થયો છે. જ્યારે દ્વારકાનો વર્તુ-1, સોનમતી તેમજ કબરડા અને પોરબંદરનો સોરઠી તેમજ મોરબીનો બંગાવાડી ડેમ ઓવરફ્લો થયો છે.

37 રસ્તા બંધ કરાતા વાહન વ્યવહાર ખોરવાયો
એકાએક પડેલા વરસાદથી જિલ્લાના અનેક વિસ્તારોમાં સ્થિતિ વણસી છે. પાણીની સ્થિતિ જોતા સ્ટેટ હાઈવેથી લઈ ગ્રામ્ય વિસ્તારના રસ્તાઓ બંધ કરવામાં આવ્યાં છે. જિલ્લા માર્ગ અને મકાન વિભાગના કાર્યપાલક ઈજનેરના જણાવ્યા મુજબ કુલ 37 રસ્તા બંધ કરવામાં આવ્યાં છે. જેમાં રાજકોટ નજીક સ્ટેટ હાઈવેથી કણકોટ રામનગર રોડ ઓવર ટોપ થવાને કારણે બંધ કરવામાં આવ્યો છે. જ્યારે કુવાડવા- ગુંદા રોડ, ખોખડદળ- પડવલા, ગવરીદળ- રતનપર રોડ પણ બંધ કરાયો છે. જિલ્લામાં સૌથી વધુ ઉપલેટાના 8 માર્ગ બંધ કરી દેવાયા છે. જેમાં પાનેલી- સાતડી રોડ તેમજ ભાયાવદર- પડવલા રોડ વચ્ચેના કોઝવે પર પાણી ફરી વળતા બંધ કરાયો છે, તો ખીરસરા- પડવલા રોડ પણ કોઝવેની સ્થિતિ જોતા બંધ કરવામાં આવ્યો છે. ગોંડલથી વોરાકોટડા જતો રોડ બંધ કરાયો છે.

ગોંડલ- શાપર-ધોરાજીમાં 68નું રેસ્ક્યૂ
ગોંડલના ડૈયા ગામે 20 પરપ્રાંતીય લોકો ધોધમાર વરસાદમાં ફસાયા હોવાની જાણ થતાં બચાવ ટીમ દોડી ગઈ હતી. પાણીની સ્થિતિ જોતા હેલિકોપ્ટર દ્વારા રેસ્ક્યૂ કરવું પડે તેવી સ્થિતિ ઊભી થઇ હતી, પરંતુ સ્થાનિક લોકો અને તંત્રની મદદથી હેલિકોપ્ટર વિના તમામને બચાવી લેવામાં આવ્યાં હતાં. જ્યારે કોલીથડમાં 30 લોકો ફસાયા હોવાની જાણ થતાં જિલ્લા કારોબારી અધ્યક્ષ સહદેવસિંહે તંત્રને જાણ કરતાં બચાવ ટીમ રેસ્ક્યૂ માટે દોડી હતી. બીજી તરફ શાપરમાં પીએસઆઈ કુલદીપસિંહ ગોહિલની ટીમ દ્વારા 15 લોકોનું જીવના જોખમે રેસ્ક્યૂ કરવામાં આવ્યું હતું. જ્યારે ધોરાજીના દાદર પાસે 3 લોકોને તંત્ર દ્વારા બચાવી લેવામાં આવ્યાં હતાં.

પડધરી તાલુકામાં 382નું સ્થળાંતર
રાજકોટ જિલ્લામાં શહેરમાં વહેલી સવારથી અવિરત વરસાદ વરસતા આસપાસના ડેમોમાં પાણીની આવક થતાં ન્યારી-1, આજી-2, આજી-3 સહિતના ડેમ ભરાયા હતા. જેના કારણે પડધરી તાલુકામાં આવેલા ગામોને એલર્ટ કરી દેવામાં આવ્યા હતા. પાણીનો પ્રવાહ વધતા પડધરી તાલુકામાં 382 જેટલા લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું હતું. સાલ પીપળિયા ગામમાં વીજળી પડી હતી. સદનસીબે કોઈ જાનહાનિ થઈ ન હતી. તેમજ મોટા ખીજડિયા ગામે ખેતમજૂરનો 4 વર્ષનો બાળક પાણીમાં તણાયો હતો. આ ઉપરાંત પડધરીના CHC સેન્ટરમાં પાણી ભરાયું હતું.

ક્યાં કેટલો વરસાદ

તાલુકોવરસાદ(ઇંચમાં)
ઉપલેટા4
કોટડા સાંગાણી7.6
ગોંડલ7
જેતપુર2.76
જસદણ0.25
જામકંડોરણા7.28
ધોરાજી10
પડધરી7.08
લોધીકા20.64

​​​​​​​

અન્ય સમાચારો પણ છે...