એક તરફ કોરોના વાઇરસનો કહેર બીજી તરફ કોરોના વાઇરસ જેવાં જ લક્ષણો ધરાવતા ફ્લૂએ માથું ઊંચક્યું હોય તેમ રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં સામાન્ય શરદી, ઉધરસ, તાવ અને ગળામાં બળતરા થાય તેવાં લક્ષણોવાળા દર્દીઓની સંખ્યામાં વધારો જોવા મળી રહ્યો છે. જો કે રાજકોટ એઇમ્સના ડિરેક્ટર સી.ડી.એસ.કટોચે મહત્ત્વપૂર્ણ નિવેદન આપતા જણાવ્યું હતું કે, H3N2 કોઇ ગંભીર વાઈરસ નથી સામાન્ય ફ્લૂ જેવો છે તેનાથી ડરવાની જરૂર નથી માત્ર સાવચેત રહેવું જરૂરી છે.
કોરોના જેવી સાવચેતી રાખો
કોરોનાની ઘાતક બીજી લહેર હજુ પણ લોકો ભૂલી શક્યા નથી તેવામાં હવે ગુજરાતમાં કોરોના બાદ H3N2 નામના નવા વાઈરસની શરૂઆત થવા પામી છે. આ બધા વચ્ચે રાજકોટ એઇમ્સના ડાયરેક્ટર સી.ડી.એસ.કટોચે મહત્ત્વનું નિવેદન આપતાં જણાવ્યું હતું કે આ વાઈરસ પણ અન્ય વાઈરસની જેમ સામાન્ય વાઈરસ જ છે. લોકોએ ડરવાની કોઈ જરૂર નથી. કોરોના સમયે જેવી રીતે સાવચેતી રાખવામાં આવતી હતી તેવી જ સાવચેતી લોકોએ રાખવી પડશે, પરંતુ વાઇરસથી ડરવાની જરૂર નથી.
સ્વાઇન ફ્લૂથી મ્યુટેટ થયેલો H3N2 વાઈરસ
રાજકોટ એઇમ્સના ડાયરેક્ટર સી.ડી.એસ.કટોચે વધુમાં જણાવ્યું કે, H1N1 એટલે કે સ્વાઇન ફ્લૂથી મ્યુટેટ થયેલા H3N2 વાઈરસ. આ વાઈરસથી ગભરાવવાની કોઈ જરૂર નથી. આ ફ્લૂના કારણે દર્દીઓ 3-4 સપ્તાહ સુધી શરદી-ઉધરસની બીમારીઓથી પીડાતા હોય છે. આવા સંજોગોમાં ફરી કોવિડ ગાઇડ લાઇનના નિયમોનું પાલન અને સાવચેતી જ બધા લોકોને વાઈરસના બમણા એટેકથી બચાવી શકશે.
સિવિલમાં આઇસોલેશન વોર્ડ તૈયાર
H3N2 વાયરસને લઈ રાજકોટનું સિવિલ તંત્ર પણ તૈયાર હોવાનું સિવિલ અધિક્ષક ડોક્ટર રાધેશ્યામ ત્રિવેદી દ્વારા જણાવવામાં આવ્યું છે. રાધેશ્યામ ત્રિવેદીએ જણાવ્યું છે કે, હાઇરિસ્કમાં રહેલા તબીબોને H1N1 ફ્લુની રસી આપવામાં આવશે. ગત વર્ષની સરખામણી આ વર્ષે ફ્લૂના કેસોમાં 30થી 40% નો વધારો થવા પામ્યો છે. સિવિલ હોસ્પિટલ ખાતે બાળકો તેમજ મોટી ઉંમરના લોકો માટે ખાસ ઓપીડી તેમજ આઇસોલેશન વોર્ડ પણ ઉભો કરવામાં આવ્યો છે. લોકોએ ગભરાવાની જરૂર નથી પરંતુ સાવચેતી રાખવી જરૂરી છે. વાયરસને લઈ સિવિલ હોસ્પિટલ તંત્ર દ્વારા 500 જેટલી ટેસ્ટિંગ કીટ ની પણ માંગણી સરકાર પાસે કરવામાં આવી છે.
કોરોનાના કેસ વધ્યા
ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં કોરોનાના કેસોની સંખ્યામાં પણ વધારો જોવા મળી રહ્યો છે અને છેલ્લા 24 કલાકમાં ગુજરાત રાજ્યની અંદર કોરોનાના 58 કેસ નોંધાયા છે. જેની સામે 23 દર્દીઓ સાજા થયા છે. આ સાથે રાજ્યમાં 1052 દર્દીઓનું રસીકરણ પણ કરવામાં આવ્યું છે.
H3N2 વાઇરસ શું છે?
H3N2 વાઈરસ એક પ્રકારનો ઈન્ફ્લ્યૂએન્ઝા વાઈરસ છે જેને ઈન્ફલ્યૂએન્ઝા એ વાઈરસ પણ કહેવામાં આવે છે. આ એક શ્વાસ સંબંધિત વાઇરલ ઇન્ફેક્શન છે જે દર વર્ષે રોગોનું કારણ બને છે. ઈન્ફ્લ્યૂએન્ઝા એ વાઈરસનો પેટા પ્રકાર છે જે 1968માં શોધવામાં આવ્યો હતો.
તાવ કેટલા દિવસ સુધી રહે છે?
ઇન્ડિયન મેડિકલ એસોસિયેશન ((IMA)નું માનવું છે કે ઇન્ફેક્શનનાં લક્ષણો પાંચથી સાત દિવસ સુધી ચાલુ રહી શકે છે. H3N2થી તાવ ત્રણ દિવસ સુધી રહે છે. પરંતુ ઉધરસ ત્રણ અઠવાડિયાથી વધુ સમય સુધી ચાલુ રહે છે.
H3N2 ઈન્ફ્લ્યૂએન્ઝા છે?
લક્ષણો જોઈને કન્ફર્મ ન કહી શકાય. બ્લડ સેમ્પલ અને બીજા ટેસ્ટ કર્યા બાદ જ ખબર પડે છે કે, H3N2 કે પછી બીજી કોઈ બીમારી છે.
ક્યારે ખબર પડે છે?
મોટાભાગના કિસ્સાઓમાં ઈન્ફ્લ્યૂએન્ઝા માત્ર મેડિકલ કેર અને કાઉન્ટર દવા પર જ મટાડવામાં આવે છે. માથાનો દુખાવો અને તાવની દવા મેડિકલમાંથી લેવામાં કોઈ નુકસાન નથી. તે જ સમયે, જો તમે ડૉક્ટરની સલાહ લીધા વિના એન્ટિબાયોટિક્સ ખાઓ છો, તો જોખમ અનેકગણું વધી જાય છે. કેટલાક કિસ્સાઓમાં તે જીવલેણ પણ બની શકે છે. પરંતુ દર્દીને જોયા પછી અને તેની યોગ્ય તપાસ કર્યા પછી પણ જાણ કરી શકાય છે.
H3N2થી બેનાં મોત?
નોંધનીય છે કે છેલ્લા 3 દિવસમાં સુરત અને વડોદરામાં શરદી, ખાસી-કફથી પીડિત બે મહિલાઓનાં મોત નીપજ્યાં છે. બન્ને ઘટનામાં દર્દીઓના H3N2થી મોત થયું હોવાની શંકા સેવાઇ રહી છે. ત્યારે સુરતના ડીંડોલી વિસ્તારમાં રહેતી 31 વર્ષીય પરિણીતા અને વડોદરાની સયાજી હોસ્પિટલમાં દાખલ થયેલ 58 વર્ષીય મહિલાનું ખરેખર H3N2થી મોત થયું છે કે કેમ? તે જાણવા માટે તેના બ્લડ સેમ્પલો ગાંધીનગર ખાતે મોકલી આપવામાં આવ્યાં છે. તેના રિપોર્ટ આવ્યા બાદ જ કારણ જાણી શકાશે.
ઈન્ફલ્યુએન્ઝા A H3N2થી બચવા માટે તકેદારી રાખવા સૂચના
ભારતમાં જોવા મળતા H3N2 વાઇરસનો ફેલાવો અટકાવવા અને તેનાથી બચવા બાબતે જાહેર જનતા માટે ભારત સરકારે માર્ગદર્શિકા જાહેર કરી છે. જેમાં H3N2ની બીમારી 3થી5 દિવસ સુધી રહે છે, જેમાં તાવ અને ત્રણ અઠવાડિયા સુધી લાંબી ઉધરસ અને શરદી જોવા મળી શકે છે. H3N2 ઈન્ફલ્યુએન્ઝાના લક્ષણોમાં સતત ઉધરસ, માથાનો દુખાવો, તાવ અને સાઇનસ સંબંધિત લક્ષણોનો સમાવેશ થાય છે. લક્ષણો મોસમી ફ્લૂના વાયરસ જેવા જ હોય છે અને તેમાં તાવ અને શ્વસન સંબંધી લક્ષણો જેમ કે ઉધરસ અને વહેતું નાક અને સંભવતઃ અન્ય લક્ષણો, જેમાં શરીરમાં દુખાવો, ઉબકા, ઊલટી અથવા ઝાડા સામેલ હોઈ શકે છે.
H3N2 શ્વાસોચ્છવાસની બીમારીનું મુખ્ય કારણ
H3N2 એ વર્તમાન શ્વાસોચ્છવાસની બીમારીનું મુખ્ય કારણ છે. જેમાં સીવિયર એક્યુટ રેસ્પિરેટરી ઇન્ફેક્શન (SARI)ના લક્ષણો જોવા મળે છે. આ રોગની ગંભીર પરિસ્થિતિમાં દર્દીઓને ઓક્સિજનની અને ICUની જરૂર જણાય શકે છે. ત્યારે આ રોગના ચેપથી બચવા સાબુ અને પાણીથી હાથ ધોવા, જો લક્ષણો હોય તો માસ્ક પહેરવું અને ભીડવાળી જગ્યાઓ જવાનું ટાળવું. છીંક અને ઉધરસ આવે ત્યારે મોં અને નાક ઢાંકવું, પુષ્કળ પ્રવાહી પીવું, આંખો અને નાકને સ્પર્શ કરવાનું ટાળવું, તાવ અને શરીરના દુખાવા માટે માત્ર પેરાસીટામોલ લેવી. કોઈ સાથે હાથ ન મિલાવવો અથવા અન્ય રીતે સંપર્ક ન કરવો, જાહેરમાં થૂંકવું નહીં, ડોક્ટરની સલાહ લીધા વિના એન્ટિબાયોટિક્સ અથવા અન્ય દવાઓ ન લેવી, બીજાની નજીક બેસીને સાથે ભોજન કરવું નહીં.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.