આવકાર:ડિજિટલ સેવા સેતુની સેવાને સૌરાષ્ટ્રના ગામડાઓએ આવકારી, કહ્યું તાલુકા મથકોએ ધક્કા ખાવા પડતા હતા તે બંધ થશે

2 વર્ષ પહેલા
ગોંડલના લીલાખા ગામમાં ડિજિટલ સેવા સેતુના કાર્યક્રમમાં ગ્રામજનને જરૂરી સર્ટિફિકેટ આપવામાં આવ્યું - Divya Bhaskar
ગોંડલના લીલાખા ગામમાં ડિજિટલ સેવા સેતુના કાર્યક્રમમાં ગ્રામજનને જરૂરી સર્ટિફિકેટ આપવામાં આવ્યું
  • રેશનકાર્ડ, જાતિના દાખલા, એફિડેવિટ સહિતની સર્ટિફિકેટ ઘર આંગણે ગ્રામ પંચાયતમાં જ મળી રહેશે

રાજ્ય સરકાર દ્વારા આજે ગામડાઓમાં ડિજિટલ સેવા સેતુનો પ્રારંભ કર્યો છે. મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા આજથી આ સેવાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. એફિડેવિટ, જાતિના દાખલા, રેશનકાર્ડ સહિતની 22 સેવાઓ હવે ગામડાઓની ગ્રામ પંચાયતમાં જ ઉપલબ્ધ થશે. આ સેવાને સૌરાષ્ટ્રના ગામડાઓએ આવકારી છે. ગામડાના લોકો કહી રહ્યા છે કે તાલુકા મથકે જે ધક્કા ખાવા પડતા હતા તે હવે ઘર આંગણે ગામમાં જ ઉપલબ્ધ થશે.

તાલુકા મથક સુધી ગ્રામજનોને ધક્કો ખાવો મટ્યોઃ શિવરાજપુર ગામના આગેવાન
જસદણ તાલુકાના શિવરાજપુર ગામના આગેવાન ગોવિંદભાઈ ટીબડીયાએ જણાવ્યું હતું કે, આજથી ડિજિટલ સેવા સેતુનો પ્રારંભ થયો છે તેને હું આવકારૂ છું. જસદણ તાલુકાના શિવરાજપુર ગામનો આ સેવામાં સમાવેશ કરવાથી મને ખુશીની લાગણી છે. જાતિના દાખલા, રેશનકાર્ડ સહિત 22 પ્રકારની સેવા હવે અમારા ગામમાં જ ઉપલબ્ધ થઈ છે. આથી મારા ગામના લોકોએ હવે જસદણ સુધી ધક્કો ખાવો પડશે નહીં.

હવે ગ્રામ પંચાયતમાં જ 22 પ્રકારની સેવા ઉપલબ્ધઃ VCE
શિવરાજપુર ગ્રામ પંચાયતમાં VCE તરીકે ફરજ બજાવતા ભાવેશભાઈ ઝાપડીયાએ જણાવ્યું હતું કે, આજથી મુખ્યમંત્રીના હસ્તે ડિજિટલ સેવા સેતુનો પ્રારંભ થયો છે. હવે એફિડેવિટ, જાતિના દાખલા, રેશનકાર્ડમાં નામ સુધારવું, રેશનકાર્ડ સનવુ કાઢવું અને રેશનકાર્ડમાંથી નામ કમી કરવા સહિત 22 પ્રકારની સુવિધા શિવરાજપુર ગ્રામ પંચાયતમાં જ ઉપલબ્ધ થઈ છે. આ સેવાસેતુને અમે આવકારીએ છીએ. રાજકોટ જિલ્લાનાં 200 ગામનો આ સેવામાં સમાવેશ કરાયો છે.

ગોંડલના લીલાખા ગામમાં ડિજિટલ સેવા સેતુનો કાર્યક્રમ યોજાયો
ગોંડલના લીલાખા ગામમાં પણ આજે ડિજિટલ સેવા સેતુનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ગોંડલના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં ગ્રામજનોને જરૂરી દાખલા કાઢી આપવામાં આવ્યા હતા. તેમજ આ ગામના લોકો સાથે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ વાત પણ કરી હતી.

તાલુકા અને શહેર સુધીનો ધક્કો અને નાણાં બંને બચશેઃ ભાવનગરના મીઠાપરના સરપંચ ભાવનગર તાલુકાના મીઠાપર ગામના સરપંચ ઘનશ્યામભાઈ અને ગણેશગઢ ગામના સરપંચ નાથાભાઈએ જણાવ્યુ હતું કે, સેવાસેતુ અન્વયે રેશનકાર્ડમાં નામ ઉમેરવા, કમી કરવા, સરનામું બદલાવવું, રેશનકાર્ડ અલગ કરવું, ભાષાકીય લઘુમતીનો દાખલો, ધાર્મિક લઘુમતીનો દાખલો, આવકનો દાખલો, સિનિયર સિટીઝન પ્રમાણપત્ર, વિધવા પ્રમાણપત્ર, મુખ્યમંત્રી કૃષિ સહાય માટેનો દાખલો વગેરે જેવી 22 જેટલી સેવાઓ હવે ડિજિટલી સેવાસેતુ અન્વયે હવે ગ્રામ્ય વિસ્તારમાં ઉપલબ્ધ બનશે. જેના કારણે તાલુકા અને શહેર સુધીનો ધક્કો અને નાણાં બંને બચશે.

ડિજિટલ સેવાસેતુ હેઠળ ભાવનગર જિલ્લાના 10 તાલુકાના 104 ગામડાઓનો સમાવેશ
રાજ્યના જરૂરિયાતમંદ લોકોને મળતી સરકારી સહાય યોજના માટે જરૂરી આનુષંગિક દસ્તાવેજો અને દાખલાઓ માટે તાલુકા કે શહેર કક્ષાએ આવેલી કચેરીઓની મુલાકાત લેવી ન પડે અને એક જ સ્થળે તેઓના તમામ મુશ્કેલીઓનું નિવારણ થાય તે માટે નિર્ણાયક અને પારદર્શક વહીવટની અમલી બનાવવા તબક્કાવાર સેવાસેતુનો પ્રારંભ થયો છે. આ સફળ અને પરિણામલક્ષી યોજનાને આગળ વધારતા હાલની આધુનિક ડિજિટલ ક્રાંતિનો વિનયોગ વંચિતોને સહાયરૂપ બનવા કરાયો છે. આ આયોજન અન્વયે ભાવનગર જિલ્લાના 10 તાલુકાઓના 104 ગામડાઓનો સમાવેશ કરાયો છે.

(ભરત વ્યાસ, ભાવનગર/દેવાંગ ભોજાણી, ગોંડલ/કરસન બામટા, આટકોટ)