તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ફરી તપાસનો આદેશ:લેન્ડ ગ્રેબિંગના કેસમાં અલગ અલગ અભિપ્રાય

રાજકોટ6 મહિનો પહેલા
 • કૉપી લિંક
પ્રતિકારત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતિકારત્મક તસ્વીર
 • કમિટીની બેઠકમાં જમીન દબાણની ચર્ચા થઈ પણ ફરિયાદ કરવા સુધીનો નિર્ણય ન લેવાયો

લેન્ડ ગ્રેબિંગ પ્રોહિબિશન એક્ટ અમલી બન્યા બાદ સરકારના આદેશ મુજબ સમયાંતરે જિલ્લા કલેક્ટરના અધ્યક્ષ સ્થાને બેઠક મળે છે. શુક્રવારે મળેલી આ બેઠકમાં આવેલી અરજીઓ પર ચર્ચા તો થઈ હતી પણ હજુ સુધી એકપણ કેસમાં ફરિયાદ કરવા માટે નિર્ણય લેવાયો નથી. ઉપરાંત એક કેસમાં પોલીસ અને વહીવટી તંત્રના અલગ અલગ અભિપ્રાય નીકળતા ફરીથી તપાસનો આદેશ અપાયો છે. અત્યાર સુધીમાં લેન્ડ ગ્રેબિંગમાં ગુનો દાખલ કરવા 55 અરજીઓ આવી ચૂકી છે જેમાંથી મોટાભાગની દફ્તરે કરી દેવાઈ છે.

લેન્ડ ગ્રેબિંગ એક્ટમાં ફરિયાદ માટે જે અરજીઓ આવે તેમાં પોલીસ અને વહીવટી તંત્ર બંને તપાસ કરે છે અને બંનેના અભિપ્રાય લેવાય છે. આ બંને અભિપ્રાય સાથે કમિટીની બેઠક મળે છે અને તેમાં જિલ્લા કલેક્ટર, પોલીસ કમિશનર, એસ.પી. સહિતના ઉચ્ચ અધિકારીઓ ચર્ચા કરી કેસ દાખલ કરવા નિર્ણય કરે છે. મોટાભાગના કેસમાં અભિપ્રાય સમાન નીકળે છે પણ રાજકોટ જિલ્લાના એક કેસમાં પોલીસે કરેલી તપાસમાં લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ ગુનો બને છે તેથી ફરિયાદ કરવી જોઇએ તેવો અભિપ્રાય આપ્યો હતો જ્યારે વહીવટી તંત્રના અધિકારીએ ગુનો નથી બનતો તેવો અભિપ્રાય આપ્યો હતો.

આ મામલે ચર્ચા થતા એક કલમ અંગે તપાસ ન થયાનું જાણવા મળ્યું હતું તેથી ફરીથી તપાસ કરવા કહેવાયું છે અને બાદમાં કમિટીમાં નિર્ણય લેવાશે. આ કેસ ક્યા વિસ્તારનો છે તે જાહેર કરાયું નથી કારણ કે તેનાથી તપાસમાં અસર આવી શકે છે.

આ રીતે કરવામાં આવે છે આખી પ્રક્રિયા

 • અરજદારે 2000 રૂપિયા ફી ભરીને અરજી કરવાની હોય છે
 • આ અરજી કલેક્ટર તંત્ર અને પોલીસ તંત્ર બંને પાસે જાય છે
 • રેવન્યૂ વિભાગ દસ્તાવેજની પ્રોસિજર, જમીનના સરવે સહિતની વિગતો જૂએ
 • પોલીસ કોઇ ગુનાહિત પ્રવૃત્તિ અને ધાક ધમકી પર તપાસ કરશે
 • આ બંને પોતપોતાની તપાસનો એક અભિપ્રાય તૈયાર કરશે કે કેસ શક્ય છે કે નહિ
 • આ અભિપ્રાય પર કમિટી ચર્ચા કરીને નિર્ણય કરે છે ફરિયાદ કરવી કે નહિ
 • ફરિયાદ કરવાની હોય તો કમિટી નિર્ણય લ્યે ત્યારથી સપ્તાહમાં પોલીસ ફરિયાદ થાય છે
 • જે અરજીમાં કેસ ન હોય તેમાં અરજદારને તંત્ર તરફથી જવાબ આપી દેવાય છે
 • આ જવાબમાં તેમના કેસની વિગતો લઈને શા માટે કેસ દાખલ થઈ શકે નહિ તે જણાવાય છે

જેમાં ગેરકાયદે કબજો હોય તેને આવરી લેવાય છે
રાજકોટમાં ઘણી અરજીઓ આવી છે તેમાંથી 4 જ ગુના દાખલ થયા છે. તેથી કમિટી ક્યા આધારે નિર્ણય લ્યે છે તે મામલે જિલ્લા કલેક્ટર રેમ્યા મોહન અને પોલીસ કમિશનર મનોજ અગ્રવાલને પ્રશ્ન કરાતા તે બંનેએ એક જ વાત કરી હતી કે, જે કેસમાં સ્પષ્ટ રીતે લેન્ડ ગ્રેબિંગ હોય, દસ્તાવેજમાં ફોર્જરી હોય કે પછી ધરાર કબજો હોય, માથાભારે તત્ત્વો સામાન્ય નાગરિકને પરેશાન કરી જમીન પર અડ્ડો જમાવે તેમને પ્રાથમિકતા અપાય છે. ભાઈઓ વચ્ચે જમીનની હદનો વિવાદ કે પછી કોઇ જમીનમાં તકરાર ઊભી કરવા જેવા પ્રશ્નોમાં ગુનો દાખલ કરાતો નથી.

અન્ય સમાચારો પણ છે...