પત્રકારત્વને લોકશાહીના ચોથા આધારસ્તંભ એટલે કે ચોથી જાગીર તરીકે ઓળખવામાં આવે છે અને ચોથી જાગીરના પત્રકારો તૈયાર કરવાનું કામ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનું પત્રકારત્વ ભવન કરી રહ્યું છે. ટેક્નોલોજીના યુગમાં હાલ પ્રિન્ટની સાથે ઈલેક્ટ્રોનિક પત્રકારત્વ ક્ષેત્રમાં કારકિર્દી ઘડવા ઈચ્છતા વિદ્યાર્થીઓને સુચારું માર્ગદર્શન અને પ્રેક્ટિકલ જ્ઞાન મળી શકે તે માટે વર્ષ 2011માં ભવનમાં ઓડિયો-વિઝ્યુઅલ રૂમ મંજૂર કરાયો હતો, પત્રકારત્વ ભવનની બાજુમાં આવેલી ખાલી જગ્યામાં તેનું ભૂમિપૂજન પણ કરી દેવાયું હતું પરંતુ આજે 10 વર્ષનો સમય વીતી જવા છતાં એ.વી રૂમ માત્ર કાગળ પર જ રહ્યો છે, 10 વર્ષમાં ચાર કુલપતિ બદલી ગયા, દરેક કુલપતિએ પત્રકારત્વ ભવનમાં એવી રૂમ બનાવવામાં પોકળ વાયદાઓ કર્યા પરંતુ કોઈ નક્કર કામગીરી ન કરી શક્યું. જેથી અત્યાર સુધીમાં પત્રકારત્વ ભવનમાં પ્રવેશ લેનારા એક હજારથી વધુ વિદ્યાર્થીને પ્રેક્ટિકલ બાબતનું જ્ઞાન મળ્યું નથી. ઓડિયો-વિઝ્યુઅલ રૂમમાં વિદ્યાર્થીઓને ફિલ્મ, ડોક્યુમેન્ટરી અને રેડિયો સંબંધિત શિક્ષણ અને પ્રેક્ટિકલ જ્ઞાન આપી શકાય છે.
1.20 કરોડની ગ્રાન્ટ ત્રણ વર્ષથી પડી છે!
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પત્રકારત્વ ભવનમાં એવી રૂમ બનાવવા માટે અગાઉ રાજ્ય સરકારમાંથી વર્ષ 2018માં અંદાજિત રૂ. 60 લાખની ગ્રાન્ટ આવી હતી, ત્યારબાદ બજેટ વધી જતા ફરી રૂ.60 લાખની ગ્રાન્ટ મળી છે. આમ યુનિવર્સિટીમાં કુલ 1.20 કરોડની ગ્રાન્ટ એવી રૂમ માટે પડી હોવા છતાં સત્તાધીશો વિદ્યાર્થીઓના હિતમાં સુવિધા ઉપલબ્ધ કરાવવા માટે હજુ કોઈ સારા મુહૂર્તની રાહ જોઈ રહ્યા હોય એમ કામ શરૂ કરી રહ્યા નથી. ઉપકુલપતિ ડો. વિજય દેશાણીએ જણાવ્યું હતું કે, હાલ હિન્દી અને પત્રકારત્વ ભવન સાથે જ છે. જેથી પત્રકારત્વ ભવનનું અલગ બિલ્ડિંગ ફાળવવામાં આવે ત્યારબાદ એવી રૂમ બનાવવાનું આયોજન છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.