યુવાને લોહીથી CMને પત્ર લખ્યો:ગુજરાત લાઇવલીહૂડ પ્રમોશન કંપનીએ અધવચ્ચે છોડેલી ભરતીપ્રક્રિયા પૂર્ણ કરાવા ધોરાજીના યુવકની માગ

રાજકોટ20 દિવસ પહેલા
  • કૉપી લિંક
યુવાને પોતાના લોહીથી મુખ્યમંત્રીને પત્ર લખ્યો. - Divya Bhaskar
યુવાને પોતાના લોહીથી મુખ્યમંત્રીને પત્ર લખ્યો.
  • 2021માં પરીક્ષા યોજાઇ, ડોક્યુમેન્ટ ચકાસણીની તારીખ જાહેર કરી ને અચાનક આ પ્રક્રિયા બંધ કરી

રાજકોટના ધોરાજી શહેરના જમનાવડ રોડ પર રહેતા સંકેત મકવાણા નામનો યુવક ગુજરાત લાઇવલીહૂડ પ્રમોશન કંપની દ્વારા કરવામાં આવેલી ભરતી પ્રક્રિયા અચાનક અધવચ્ચે બંધ થઇ જતા રોષે ભરાયો છે. આથી તેણે ગુજરાતના મુખ્યમંત્રીને પોતાના લોહીથી પત્ર લખીને પોતાની રજુઆત કરી છે. જેમાં તેણે સરકાર તાત્કાલિક નિરાકરણ લાવીને સમગ્ર પ્રક્રિયા પૂર્ણ કરવા માટેની કાર્યવાહી કરાવે તેવી માગ કરી છે.

2021માં પરીક્ષા લેવાઇ હતી
આ અંગે પત્ર લખનાર યુવાન સંકેત મકવાણાએ મીડિયા સાથે વાત કરતા જણાવ્યું હતું કે, ગુજરાત લાઇવલીહુડ પ્રમોશન કંપની દ્વારા 7 એપ્રિલ 2021ના રોજ જિલ્લા અને તાલુકા કક્ષાની અલગ-અલગ પોસ્ટ માટેની જાહેરાત બહાર પાડવામાં આવી હતી અને ઓજસ વેબસાઇટ દ્વારા અરજીઓ મંગાવી હતી. ત્યારે આ સમગ્ર જાહેરાત બાદ 13 અને 14 ઓગસ્ટ 2021નાં રોજ તેની પરીક્ષા પણ લેવામાં આવી હતી અને આન્સર કી પણ જાહેર કરી છે. ઉપરાંત મેરિટ લિસ્ટ પણ જાહેર કર્યું છે. પરંતુ ત્યારબાદ 6 ડિસેમ્બર 2021થી 18 ડિસેમ્બર 2021 સુધી સિલેક્શન થયેલા ઉમેદવારોને ગ્રુપ ડિસ્કશન અને ફાઇનલ ઇન્ટરવ્યૂ માટે અમદાવાદ બોલાવ્યા હતા.

ડોક્યુમેન્ટ ચકાસણીની તારીખ જાહેર કરી બાદમાં
સમગ્ર બાબતે પરિણામ જાહેર કરીને જે સિલેક્શન થયા તેને 23 ફેબ્રુઆરી 2022ના રોજ ડોક્યુમેન્ટ ચકાસણી માટેની જાહેરાત પણ ઓજસની વેબસાઇટ પર મુકવામાં આવી હતી. બાદમાં 1 માર્ચ 2022ના રોજ ડોક્યુમેન્ટ ચકાસણી પ્રક્રિયા અગમ્ય કારણોસર બંધ રાખી છે પરંતુ તેની જાહેરાત પણ ઓજસની વેબસાઇટ અને મીડિયામાં કરવામાં આવી હતી. આથી સંકેતે આ પ્રક્રિયાથી નારાજ થઇને ગુજરાતના મુખ્યમંત્રીને પોતાના લોહીથી પત્ર લખ્યો હોવાનું જણાવ્યું છે.

અગાઉ એક દિવસના મુખ્યમંત્રી બનાવા માગ કરી હતી
ઉલ્લેખનીય છે કે, સંકેત મકવાણાએ આગાઉ પણ મોંઘવારી મુદ્દે રાષ્ટ્રપતિને ગેસ સિલિન્ડર, પેટ્રોલ-ડીઝલ હપ્તે આપવાની માગ કરી હતી. તેમજ એક દિવસનો મુખ્યમંત્રી બનાવવામાં આવે તેવી પણ માગ કરી ચૂક્યો છે. ત્યારે હાલ સંકેતે ભરતી પ્રક્રિયાથી નારાજ થઇને મુખ્યમંત્રીને પોતાના લોહીથી પત્ર લખીને ધોરાજી પ્રાંત અધિકારી મારફત રજુઆત કરી છે. ત્યારે જોવાનું એ રહ્યું કે સરકાર આ બાબતે કેટલી સક્રિયતા દાખવે છે અને ન્યાય અપાવવા માટે ખરી ઉતરશે તે તો આવનારો સમય જ બતાવશે.

અન્ય સમાચારો પણ છે...