રાજકોટ જિલ્લાના ધોરાજી પોલીસ મથકે પરિણીતાએ જૂનાગઢના આર.ટી.ઓ. રોડ પર મધનીનગર સીદીપીરના ટેકરા પાસે રહેતા પતિ એઝાઝ કટારીયા, સસરા સલીમ જુમા, સાસુ કુલ્સમબેન, જેઠ મોહસીન અને કાકીજી સાસુ હશીનાબેન હનીફભાઇ કટારીયા સામે ફરિયાદ નોંધાવી છે.
બે માસથી મારા પિયરમાં રહે છે
પરિણીતાએ પોલીસ ફરિયાદમાં જણાવ્યું હતું કે, મારા લગ્ન આજથી આશરે નવેક વર્ષ પહેલા જુનાગઢના એઝાંઝ કટારીયા સાથે થયેલા. મારે સંતાનમાં બે બાળકો છે જેમા દીકરો અસદારજા (ઉ.વ.3) તથા દિકરી આયત (6 માસ) છે જે બંને મારી સાથે રહે છે અને હું બે માસથી મારા પિયરમાં રહું છું.
કપડા ઘરની બહાર ફેંકી દીધા
વધુમાં તેમણે જણાવ્યું હતું કે, મારા પિતા અલીભાઈ ગનીભાઈ માંડલીયા હયાત નથી. ગઈ તા.12/01/2023 ના બપોરના એકાદ વાગ્યે હું મારા સાસરીયામાં હતી ત્યારે મેં મારા પતિ પાસે ઘરની ચીજવસ્તુ લેવા માટે પૈસા માંગતા મારા પતિ મને જેમ તેમ બોલી ઢીકા પાટુથી માર મારેલ તેમજ મારા સાસુ સસરા જેઠ મોહસીનભાઇ આ ત્રણેય પણ મને જેમ ફાવે તેમ ગાળો બોલી મારા સાસુએ મને થપડો મારેલ અને મારા તથા મારા દિકરાના કપડા ઘરની બહાર ફેંકી દીધા હતા. જેથી મેં મારા માતાને ધોરાજી તેડી જવા માટે ફોન ઉપર વાત કરી કહેતા જેથી મારા મમ્મી અને મારા મોટાભાઇ આવીને મને ધોરાજી તેડી ગયા હતા.
ઘરની બહાર કાઢી મૂકી
વધુમાં તેમણે જણાવ્યું હતું કેમને માર માર્યો હોવાથી સારવાર માટે હું ધોરાજી સરકારી દવાખાનામાં દાખલ થઈ હતી. તા.13/1ના રોજ હોસ્પિટલમાં ધોરાજી પોલીસે નિવેદન લેતા મેં મારા પતિ તથા સાસુ સસરા તથા મારા જેઠ વિરૂધ્ધ ફરિયાદ લખાવેલ. મારા કાકીજી સાસુ હશીનાબેન હનીફભાઈ પણ મને હેરાન કરે છે અને તે મારા કાકીજી સાસુ મારા પતિ તથા મારા સસરાને મારા વિરૂધ્ધ ચડામણી કરતા હોય જેથી તે દિવસે વધારે ઝગડો થયેલ છે અને તેમના કહેવાથી મારા પતિએ મને મારેલ અને ઘરની બહાર કાઢી મૂકી હતી.
પાંચેય વિરુદ્ધ ફરિયાદ નોંધાવી
વધુમાં તેમણે જણાવ્યું હતું કે આમ આ બધા ભેગા મળી શારીરિક અને માનસીક ત્રાસ દુ:ખ અને મારકુટ કરેલ હોય જેથી મારા પતિ તથા સાસુ સસરા તથા જેઠ અને કાકીજી સાસુ છેલ્લા ત્રણેક વર્ષથી મને એનકેન પ્રકારે શારીરિક તથા માનસિક ત્રાસ આપતા હોય અને અગાઉ ત્રણેક વખત મને માર મારતા માવતરેથી મારા મમ્મી તથા મારો ભાઈ હુંશેનભાઇ જુનાગઢ આવતા અને સમાધાન કરી જતા અને મારા પતિ જુગાર રમવાની ટેવ વાળા હોય જેથી અવાર નવાર માવતરેથી પૈસા લાવવાનુ કહેતા તો આ પાંચેય વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.