કોંગી MLA કેસરીયાના મૂડમાં:ધોરાજીના ધારાસભ્ય વસોયા પહેલા કોંગ્રેસના વોટ્સએપ ગ્રુપમાંથી નીકળ્યા, હવે રૂપાણી સાથે ગહન ચર્ચા કરતી તસવીર સ્ટેટસમાં મૂકી

રાજકોટ3 મહિનો પહેલા

ગુજરાત વિધાનસભાની ચૂંટણી ચાલુ વર્ષમાં જ હોય રાજકીય ઉથલપાથલ શરૂ થઈ ગઈ છે. થોડા સમય પહેલા ગુજરાત કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલે કોંગ્રેસમાં નારાજગી વ્યક્ત કરીને પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું હતું. બાદમાં કમલમ ખાતે કેસરીયો ધારણ કરી ભાજપમાં વિધિવત પ્રવેશ કર્યો હતો. ત્યારે હાર્દિકના એક સમયના સાથી અને ધોરાજી-ઉપલેટાના કોંગ્રેસના ધારાસભ્ય લલિત વસોયા પણ કેસરીયો ધારણ કરવાના મૂડમાં હોય તેવી ચર્ચા ઉઠી છે. 11 દિવસ પહેલા જ કોંગ્રેસના અમુક વોટ્સએપ ગ્રુપમાંથી લેફ્ટ થયાના સ્ક્રિનશોટ્સ વાઇરલ થયા હતા. હવે રૂપાણી સાથે ગહન ચર્ચા કરતી તસવીર પોતાના જ વોટ્સએપ સ્ટેટસમાં મૂકતા રાજકારણ ગરમાયું છે.

આ તસવીર 1 જૂને ઉપલેટામાં યોજાયેલા કાર્યક્રમની
ઉપલેટામાં 1 જૂને શહીદ વીર રમેશ જોગલની પ્રતિમા અનાવરણ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં કાર્યક્રમના અધ્યક્ષ તરીકે પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ હાજર રહ્યા હતા. આ સમયે વિજય રૂપાણી અને લલિત વસોયા એકબીજાની પાસે બેઠા હતા અને બન્ને વચ્ચે ગહન ચર્ચા થઈ હોય તેવી તસવીર પણ સામે આવી હતી.

રૂપાણી સાથેની તસવીર વસોયાએ પોતાના વોટ્સએપ સ્ટેટસમાં મૂકી.
રૂપાણી સાથેની તસવીર વસોયાએ પોતાના વોટ્સએપ સ્ટેટસમાં મૂકી.

જયેશ રાદડિયા આયોજીત ભાગવત સપ્તાહમાં હાજરી આપી હતી
તાજેતરમાં જ જામકંડોરણા ખાતે પૂર્વ મંત્રી અને જેતપુરના ધારાસભ્ય જયેશ રાદડિયાએ ભાગવત સપ્તાહનું આયોજન કર્યું હતું. જેમાં લલિત વસોયાએ હાજરી આપી હતી. જયેશ રાદડિયા દ્વારા લલિત વસોયાનું મોમેન્ટો આપી સ્વાગત પણ કરવામાં આવ્યું હતું. તેમજ પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી સાથે એક કાર્યક્રમમાં હાજર રહ્યા હતા. ત્યારે વિજય રૂપાણી અને લલિત વસોયાએ ગહન ચર્ચા કરી હોય તેવી તસવીર સામે આવી હતી. આ જ તસવીર લલિત વસોયાએ પોતાના વોટ્સએપ સ્ટેટસમાં મૂકી છે.

તાજેતરમાં જયેશ રાદડિયા આયોજિત ભાગવત સપ્તાહમાં લલિત વસોયાએ હાજરી આપી હતી.
તાજેતરમાં જયેશ રાદડિયા આયોજિત ભાગવત સપ્તાહમાં લલિત વસોયાએ હાજરી આપી હતી.

વસોયા જાય તો 7 MLA પણ લાઇનમાં હોવાની ચર્ચા
જો લલિત વસોયા ભાજપમાં પ્રવેશ કરે તો સૌરાષ્ટ્ર કોંગ્રેસના 7 ધારાસભ્યો પણ લાઇનમાં છે તેવું પણ સૂત્રોમાંથી જાણવા મળ્યું છે. હાર્દિક પટેલનાં ગ્રુપનાં અનેક ધારાસભ્યો કોંગ્રેસમાંથી રાજીનામું આપી દેવાની તૈયારીમાં છે, પણ જો ભાજપ ટિકિટનું વચન આપે તો. ત્યારે હાલ તો અડધી કોંગ્રેસે ભાજપમાં પ્રવેશ કરી લીધો છે. ત્યારે વર્ષોથી ટિકિટની રાહ જોઇ બેઠેલા ભાજપના હોદ્દેદારો-કાર્યકરો કોંગ્રેસના નેતાઓને જો ભાજપ ટિકિટ આપશે તો સ્વીકારશે નહીં જ. એવી ભાજપમાં અંદરખાને ચર્ચા થઇ રહી છે.

11 દિવસ પહેલા રાજકોટ જિલ્લા કોંગ્રેસ સમિતિ અને જસદણ કોંગ્રેસ પરિવાર નામના વોટ્સએપ ગ્રુપમાંથી લેફ્ટ થયાના સ્ક્રિનશોટ્સ વાઇરલ થયા હતા.
11 દિવસ પહેલા રાજકોટ જિલ્લા કોંગ્રેસ સમિતિ અને જસદણ કોંગ્રેસ પરિવાર નામના વોટ્સએપ ગ્રુપમાંથી લેફ્ટ થયાના સ્ક્રિનશોટ્સ વાઇરલ થયા હતા.

લેફ્ટ થયાના સ્ક્રિનશોટ્સ મામલે કોઇએ ટીખળ કર્યાનું કહ્યું હતું
11 દિવસ પહેલા રાજકોટ જિલ્લા કોંગ્રેસના વ્હોટ્સએપ ગ્રુપમાંથી લલિત વસોયા લેફ્ટ થયાના સ્ક્રિનશોટ વાઇરલ થયા હતા. આ મામલે દિવ્ય ભાસ્કરે લલિત વસોયાનો સંપર્ક કરતા તેમણે જણાવ્યું હતું કે, આ મને બદનામ કરવાનું કાવતરું છે, કોઈએ ટીખળ કરી. હું એક પણ ગ્રુપમાંથી લેફ્ટ થયો નથી. કોઈએ ટીખળ કરી મને બદનામ કરવા ખોટા સ્ક્રિનશોટ વાઇરલ કર્યા છે. હું વ્હોટ્સએપ ગ્રુપમાંથી લેફ્ટ થયો એવું જો કોઈ સાબિત કરી બતાવે તો ધારાસભ્ય પદ છોડવા પણ તૈયાર છું.

શું હતું સ્ક્રિનશોટમાં?
સોશિયલ મીડિયામાં કોંગ્રેસના 3 વ્હોટ્સએપ ગ્રુપના સ્ક્રીનશોટ વાઈરલ થયા હતા. જેમાં જસદણ કોંગ્રેસ પરિવાર, રાજકોટ જિલ્લા કોંગ્રેસ અને રાજકોટ જિલ્લા કોંગ્રેસ સમિતિ 2022ના વ્હોટ્સએપ ગ્રુપમાંથી લલિત વસોયા લેફ્ટ થયા હોય તેવું લખેલું હતું. નોંધનીય છે કે, થોડા દિવસ પહેલા રાજકોટના જામકંડોરણામાં પાંજરાપોળ ખાતે ભાજપના નેતા જયેશ રાદડિયા દ્વારા શ્રીમદ્ ભાગવત સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું હતું. અહીં પૂર્વ CM વિજય રૂપાણી પણ ઉપસ્થિત રહ્યા હતા. આ કથામાં કોંગી MLA લલિત વસોયાએ હાજરી આપી હતી.