ગુજરાત વિધાનસભાની ચૂંટણી ચાલુ વર્ષમાં જ હોય રાજકીય ઉથલપાથલ શરૂ થઈ ગઈ છે. થોડા સમય પહેલા ગુજરાત કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલે કોંગ્રેસમાં નારાજગી વ્યક્ત કરીને પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું હતું. બાદમાં કમલમ ખાતે કેસરીયો ધારણ કરી ભાજપમાં વિધિવત પ્રવેશ કર્યો હતો. ત્યારે હાર્દિકના એક સમયના સાથી અને ધોરાજી-ઉપલેટાના કોંગ્રેસના ધારાસભ્ય લલિત વસોયા પણ કેસરીયો ધારણ કરવાના મૂડમાં હોય તેવી ચર્ચા ઉઠી છે. એક મહિના પહેલા પૂર્વ CM રૂપાણી સાથે ગહન ચર્ચા કરતી તસવીર પોતાના જ વોટ્સએપ સ્ટેટસ મુક્યા બાદ આજે તેઓ જયેશ રાદડિયા સાથે જોવા મળતા રાજકારણ ગરમાયું છે.
બન્નેએ સાથે ફોટા પણ પડાવ્યા હતા
ધોરાજીમાં આજે સ્વ. વિઠ્ઠલભાઈ રાદડીયાની તૃતીય વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો હતો. જેમાં ધોરાજી-ઉપલેટા વિસ્તારના કોગ્રેસના ધારાસભ્ય લલિતભાઈ વસોયા તથા જેતપુર-જામકંડોરણા ભાજપના ધારાસભ્ય જયેશભાઇ રાદડીયા એક સાથે જોવા મળ્યા હતા. બન્નેએ સાથે દીપ પ્રાગટ્ય પણ કર્યું હતું અને તેમની સાથે ફોટા પણ પડાવ્યા હતા. આ પૂર્વે પણ જ જામકંડોરણા ખાતે પૂર્વ મંત્રી અને જેતપુરના ધારાસભ્ય જયેશ રાદડિયાએ ભાગવત સપ્તાહનું આયોજન કર્યું હતું. જેમાં લલિત વસોયાએ હાજરી આપી હતી. જયેશ રાદડિયા દ્વારા લલિત વસોયાનું મોમેન્ટો આપી સ્વાગત પણ કરવામાં આવ્યું હતું
વસોયા જાય તો 7 MLA પણ લાઇનમાં હોવાની ચર્ચા
જો લલિત વસોયા ભાજપમાં પ્રવેશ કરે તો સૌરાષ્ટ્ર કોંગ્રેસના 7 ધારાસભ્યો પણ લાઇનમાં છે તેવું પણ સૂત્રોમાંથી જાણવા મળ્યું છે. હાર્દિક પટેલનાં ગ્રુપનાં અનેક ધારાસભ્યો કોંગ્રેસમાંથી રાજીનામું આપી દેવાની તૈયારીમાં છે, પણ જો ભાજપ ટિકિટનું વચન આપે તો. ત્યારે હાલ તો અડધી કોંગ્રેસે ભાજપમાં પ્રવેશ કરી લીધો છે. ત્યારે વર્ષોથી ટિકિટની રાહ જોઇ બેઠેલા ભાજપના હોદ્દેદારો-કાર્યકરો કોંગ્રેસના નેતાઓને જો ભાજપ ટિકિટ આપશે તો સ્વીકારશે નહીં જ. એવી ભાજપમાં અંદરખાને ચર્ચા થઇ રહી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.