વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને અરબી સમુદ્રમાં સક્રિય થયેલા ટ્રફની અસરથી આગામી ચાર દિવસ દરમિયાન રાજ્યના વાતાવરણમાં પલટો આવશે. જેમાં ખાસ કરીને દક્ષિણ ગુજરાત-ઉત્તર ગુજરાતના સરહદી વિસ્તારો સહિત સૌરાષ્ટ્રમાં 5 માર્ચથી ત્રણ દિવસ ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે. કમોસમી વરસાદની આગાહીથી રાજકોટના ખેડૂતો ચિંતિત બન્યા છે. કારણ કે, હાલ રવિ પાક તૈયાર થઈ ગયો છે અને ખેડૂતો લણી પણ રહ્યા છે. જો કમોસમી વરસાદ થાય તો ઘઉં, જીરૂ, ચણા, ધાણા સહિતના પાકને મોટું નુકસાન પહોંચે તેમ છે. ખેડૂતોએ જણાવ્યું હતું કે, કમોસમી વરસાદ પડે તો રવિ પાક સાવ નિષ્ફળ જાય તેમ છે અને મારી મહેનત પર પાણી ફરી વળશે.
વરસાદ પડે અને નુકસાન જાય તો સરકારે સહાય આપવી જોઈએ
જસદણ પંથકના ખેડૂત ભુપતભાઈ રામાણીએ જણાવ્યું હતું કે, હવામાન ખાતાની બે દિવસની કમોસમી વરસાદની આગાહી છે. ત્યારે હાલ અમારે રવિ પાક એકદમ તૈયાર થવા પર આવી ગયો છે. પરંતુ જો વરસાદ પડશે તો અમારો પાક સંપૂર્ણ રીતે નિષ્ફળ થઈ જશે. જો અમારો પાક નિષ્ફળ જાય તો અમને સરકાર સહાય આપે. સરકાર વળતર ન આપે તો અમે કરેલી મહેનત પર પાણી ફરી વળે તેમ છે.
હાલ પાણી અછત હોવાથી ઘાસચારાનું વાવેતર થઇ શકે તેમ નથી
અન્ય ખેડૂત રસિકભાઈએ જણાવ્યું હતું કે, હવામાન ખાતાની વરસાદની આગાહી છે. જો વરસાદ પડે તો અમે પશુઓ માટે એકત્ર કરેલો ઘાસચારો પલળી જાય તેમ છે. ખેડૂતોની માઠી દશા બેસશે અને પશુઓને શું ખવડાવવું તેવી ચિંતા છે. જો વરસાદ પડે અને નુકસાન થાય તો સરકારે સહાય કરવી જોઇએ. વરસાદ ન પડે તો વધારે સારું, નહીંતર માઠી દશા બેસશે. અત્યારે માંડ માંડ પશુઓ માટે 12 મહિનાનો ઘાસચારો ભેગો કર્યો હોય ત્યારે વરસાદ પડે તો તમામ ઘાસચારો બગડી જશે. હાલ પાણીની અછત છે એટલે બીજા ઘાસચારાનું વાવેતર પણ થઈ શકે તેમ નથી.
પશુઓનો ઘાસચારો ખુલ્લા ખેતરમાં પડ્યો છે
હાલ રવિ પાક ખેતરમાં તૈયાર થઈ ગયો છે, જેને લઈ ખેડૂતોમાં ચિંતાની લાગણી ફેલાઇ ગઇ છે. ઘઉંનો પાક તૈયાર છે અને જો માવઠું પડશે તો પાકમાં નુકસાની ભીતી સેવાઈ રહી છે. ત્યારે પશુ માટે હજુ ઘાસચારો ખેતરમાં પડ્યો હોય વરસાદ પડે તો પશુના ચારામાં પણ નુકસાની ભીતી સેવાઈ રહી છે.
જસદણ યાર્ડે ખેડૂતોને અપીલ કરી
હવામાન વિભાગ તરફથી શનિવારથી ત્રણ દિવસ કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી હોવાથી દરેક ખેડૂત ભાઈઓને ખાસ વિનંતી છે કે, માર્કેટ યાર્ડમાં તૈયાર પાક વેચવા આવો તો તેને ઢાંકવાની વ્યવસ્થા પણ સાથે કરવી. તેમજ ખેડૂતભાઈઓ કે વેપારીભાઈઓએ ખુલ્લામાં પડેલા માલની ઢાંકવાની વ્યવસ્થા પણ કરવી તેમ જસદણ માર્કેટ યાર્ડ દ્વારા જણાવવામાં આવ્યું છે.
3થી 6 માર્ચ વરસાદી છાંટાથી વરસાદની શક્યતા
અરબી સમુદ્રમાં સર્જાયેલા ટ્રફનો છેડો ગુજરાત સુધી લંબાયો છે, સાથોસાથ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પણ સક્રિય થયું છે. જેને કારણે વાતાવરણમાં અપર લેવલે ભેજવાળા પવનો અને નીચલા લેવલે ગરમ સૂકા પવનો ભેગા થશે. જેની અસરોથી 3થી 6 માર્ચ દરમિયાન વાદળિયું વાતાવરણ સર્જાશે. દક્ષિણ-ઉત્તર ગુજરાતના સરહદી વિસ્તારો અને સૌરાષ્ટ્રના કાંઠા વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે. અમદાવાદમાં વાદળિયા વાતાવરણ વચ્ચે 4 અને 5 માર્ચે વરસાદી છાંટા પડી શકે છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.