ગુજરાત સરકારે રાજકોટની ઐતિહાસીક ધર્મેન્દ્રસિંહજી કોલેજ, જૂનાગઢની રાજાશાહી વખતની બહાઉદીન કોલેજ સહિત પાંચ કોલેજોના બિલ્ડીંગને હેરિટેજ તરીકે જાહેર કરી છે. આથી આ કોલેજોની ઇમારતો હવે નવા રૂપરંગ ધારણ કરશે. ઉલ્લેખનીય છે કે, રાજકોટની ધર્મેન્દ્રસિંહ કોલેજના બિલ્ડીંગનું નિર્માણ આઝાદી પહેલા 1937માં કરવામાં આવ્યું હતું.
તાજેતરમાં રાજકોટની બે સ્કૂલને હેરીટેજ તરીકે જાહેર કરી હતી
1937માં સ્થપાયેલી રાજકોટની ઐતિહાસિક ધર્મેન્દ્રસિંહજી કોલેજ ઉપરાંત જુનાગઢની બહાઉદીન કોલેજના બિલ્ડીંગને સરકારે હેરિટેજ ઇમારત તરીકે જાહેર કરી છે. રાજકોટ શહેરની રાજાશાહી સમયની બે સ્કૂલો બાદ વધુ એક સરકારી કોલેજની ઇમારતનો હેરિટેજમાં સમાવેશ કરવામાં આવ્યો છે. તાજેતરમાં રાજકોટની કરણસિંહજી હાઇસ્કૂલ અને બાઇ સાહેબબા હાઇસ્કૂલનાં રાજાશાહી સમયકાળના બિલ્ડીંગોને હેરીટેજ તરીકે જાહેર કરવામાં આવ્યા હતા.
બિલ્ડીંગના રિનોવેશન માટેની દરખાસ્ત ટૂંક સમયમાં મંજૂરી માટે સરકારને મોકલાશે
આ ઐતિહાસિક વારસાને સાચવવા અને તેના મજબૂતીકરણ માટેના પ્લાન, એસ્ટીમેટ સરકારમાં મંજૂરી માટે મોકલવામાં આવ્યા બાદ રાજ્યના શિક્ષણ વિભાગ બાદ રાજ્યની પાંચ કોલેજોના બિલ્ડીંગને હેરીટેજ બિલ્ડીંગ તરીકે જાહેર કરવામાં આવ્યા છે. જેમાં રાજકોટની ધર્મેન્દ્રસિંહજી કોલેજ ઉપરાંત જુનાગઢની બહાઉદીન કોલેજનું આર્ટસનું અને સાયન્સ વિભાગનું બિલ્ડીંગ ઉપરાંત અમદાવાદની ગુજરાત કોલેજ અને વીસનગરની એમ.એન. કોલેજનો સમાવેશ થાય છે. આ પાંચે પાંચ સરકારી કોલેજના હેરીટેજ બિલ્ડીંગના રિનોવેશન માટેની દરખાસ્ત ટૂંક સમયમાં મંજૂરી માટે સરકારમાં મોકલાશે.
ધર્મેન્દ્રસિંહજી કોલેજમાં કોટક સાયન્સ અને એ.એમ.પી. લો કોલેજ કાર્યરત
રાજકોટની ધર્મેન્દ્રસિંહજી કોલેજમાં અત્યારે કોટક સાયન્સ કોલેજ અને એ.એમ.પી. કોલેજ કાર્યરત છે. આ બન્ને કોલેજના વિદ્યાર્થીઓ અત્યારે ધર્મેન્દ્રસિંહ કોલેજના બિલ્ડીંગમાં અભ્યાસ કરે છે. આ પૈકી એ.એમ.પી. લો કોલેજનું નવું બિલ્ડીંગ તૈયાર થઇ ગયું હોવાથી ટૂંક સમયમાં અહીંથી સરકારી લો કોલેજનું સ્થળાંતર થશે. જ્યારે કોટક સાયન્સ કોલેજના જૂના બિલ્ડીંગનું નવીનીકરણ થઇ રહ્યું હોવાથી છ મહિના બાદ તેનું સ્થળાંતર થશે. અલબત ધર્મેન્દ્રસિંહજી કોલેજમાં તાજેતરમાં નેક કમિટીના આગમન પૂર્વે રિનોવેશન અને રંગરોગાન કરવામાં આવ્યું હતું. અહીં ભૂગોળના અનુસ્નાતક ભવનનું સ્વતંત્ર બિલ્ડીંગ ઉભું કરવામાં આવનાર હોવાનું જાણવા મળ્યું છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.