નવરાત્રિનો ગુરુવારથી પ્રારંભ:આ વર્ષે એક નોરતું ઓછું, ત્રીજ-ચોથ સાથે, 7થી 14 ઓક્ટોબર સુધી ભાવિકો આદ્યાશક્તિની આરાધના કરશે

રાજકોટ17 દિવસ પહેલા
  • કૉપી લિંક

આદ્યશક્તિની આરાધનાનો અવસર નવરાત્રિ શ્રાદ્ધ પક્ષ પૂર્ણ થતાં જ શરૂ થઇ જશે. મહાશક્તિની ઉપાસનાનું મહાપર્વ શારદીય નવરાત્રિ 7 ઓક્ટોબરને ગુરુવારથી શરૂ થશે. આસો મહિનાના સુદ પક્ષની એકમથી નોમ સુધી આદ્યશક્તિના નવ સ્વરૂપોની ઉપાસના કરવામાં આવશે. આથી જ નવરાત્રિના નવલા દિવસ તરીકે ઓળખવામાં આવે છે. શાસ્ત્રી રાજદીપ જોષી જણાવે છે કે, આ વર્ષે આસો સુદ ત્રીજ અને અને ચોથ તિથિ ભેગી છે. ચોથની તિથિનો ક્ષય હોવાથી આ વર્ષે નવને બદલે આઠ નોરતા જ છે, એક નોરતું ઓછું છે. આ વખતે તંત્ર દ્વારા શેરી ગરબા, સોસાયટી તથા ફ્લેટમાં 400ની મર્યાદા સાથે ગરબા રમવાની છૂટ આપી છે. ત્યારે પ્રાચીન ગરબીના આયોજકોએ તૈયારીઓ શરૂ કરી દીધી છે. તા.7મીથી નવરાત્રિનો પ્રારંભ અને તા.14મીના ગુરુવારે નવરાત્રી પર્વ સંપન્ન થશે. તા.15ના શુક્રવારે વિજયાદશમી પર્વ ઉજવાશે.

વર્ષમાં ચાર નવરાત્રિ આવે છે, ચૈત્ર, અષાઢ, આસો અને મહા તેમાં આસો નવરાત્રીને મોટી નવરાત્રી ગણવામાં આવે છે. માતાજીનો ગરબો સાક્ષાત નવદુર્ગા માતાજીનું સ્વરૂપ છે. નવ દિવસ સુધી ઘરમાં ગરબો રાખવાથી અને તેની પૂજા અને દીવો કરવાથી તથા નવ દિવસ સુધી ઘરમાં સાંજે ગરબા ગાવાથી નવરાત્રિ દરમિયાન ઘરમાં માતાજીનો વાસ રહે છે. કહેવાય છે કે નવરાત્રી દરમિયાન માતાજી લોકોને કૃપા વરસાવવા વિહાર કરે છે.

ગુરુવારે સવારે 6.41થી ઘટસ્થાપનના શુભ મુહૂર્ત
તા.7મીના ગુરુવારે ઘટસ્થાપન તથા જવારા રોપણનું મુહૂર્ત સવારે 6:41થી 8:10, અભિજિત મુહૂર્ત બપોરે 12:11 થી 12:58, શુભ ચોઘડિયું સાંજે 5થી 6:29 સુધી, અમૃત સાંજે 6.29થી 8 કલાક સુધી, ચલ ચોઘડિયું રાત્રે 8થી9:31 સુધી શુભ છે. પ્રદોષકાળ પ્રમાણે રાત્રે 6:29થી 8:55નું મુહૂર્ત છે. તા.13મીના હવનાષ્ટમી રહેશે.

અન્ય સમાચારો પણ છે...