આજથી શિવને અતિપ્રિય પવિત્ર શ્રાવણ મહિનાની શરૂઆત થઈ રહી છે. આ એક મહિના દરમિયાન દરેક શિવ મંદિરમાં અને ખાસ કરીને બારેય જ્યોતિર્લિંગમાં ભક્તોની ભીડ જોવા મળે છે. ત્યારે રાજકોટની આજી નદીના મધ્યમાં બિરાજતા રામનાથ મહાદેવને મનાવવા ભક્તોનું ઘોડાપૂર ઉમટી પડ્યું હોય એ પ્રકારના દૃશ્યો સામે આવ્યા છે. તેમજ વહેલી સવારથી ભગવાન ભોળાનાથના દર્શન અને પૂજા માટે ભાવિકોની લાંબી લાઈન લાગી છે.
શિવલિંગ પર દૂધ, જળ, ઘી, દહીનો અભિષેક
ભક્તો પોતાની આસ્થા અને શક્તિ પ્રમાણે દેવાધિદેવ મહાદેવ ભોળાનાથ પર દૂધ, દહીં, ઘી, ગંગાજળ, નાગકેસર સહિતનાં દૃવ્યોથી ભગવાન ભોળાનાથનો અભિષેક કરી રહ્યા છે. સાથે જ લોકો બિલ્વપત્ર તેમજ ધતુરાના ફૂલ પણ ચડાવી રહ્યા છે. આજે રાજકોટ શહેર શિવમય બની મહાદેવની ભક્તિમાં લીન થઇ ગયું છે. શિવાલયો હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યા છે.
550 વર્ષ પહેલા સ્વયંભૂ રીતે મહાદેવ અહીં પ્રગટ થયા
આજથી લગભગ 550 વર્ષ પહેલા સ્વયંભૂ રીતે મહાદેવ અહીં પ્રગટ થયા ને જે ‘રામનાથ’ મહાદેવના નામથી સુવિખ્યાત થયા. રાજકોટ વસ્યા પહેલાનો આ ઘાટ મંદિર હોવાથી તે ગ્રામ્ય મંદિર તરીકે પણ જાણીતું છે. આજી નદીનાં બંને વહણો વચ્ચે સુંદર વાતાવરણ વચ્ચે બિરાજેલ દેવોના દેવ મહાદેવ મંદિરે કરોડો ભાવીકો સાથે રાજકોટનું આસ્થા બિંદુ છે. જયારે આજી નદીમાં પૂર આવે ત્યારે આ મંદિર પાણીમાં ગરકાવ થઈ જાય છે. ભકતો દ્વારા જલાભિષેક સાથે ચોમાસે કુદરત દ્વારા પણ જલાભિષેક થાય છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.