ફતેપરા પર બાવળિયાનો વળતો પ્રહાર:દિવ્ય ભાસ્કર-દેવજીભાઈ કમલમ કેમ ના આવ્યા?, બાવળિયાએ કહ્યું, મુંજપરા અને સાબરિયાનું મોઢું જોવું નહોતું એટલે

રાજકોટ12 દિવસ પહેલાલેખક: જીગ્નેશ કોટેચા
  • ફતેપરાને પહેલી વખત કોંગ્રેસમાંથી MLA બનાવવામાં મારો હાથ: કુંવરજીભાઈ

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી નજીક આવતાંની સાથે એક પછી એક સમાજ-સંગઠનો સંગઠિત થઈ મીટિંગો યોજી રહ્યાં છે અને પોતાની માગણી ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ સામે રજૂ કરી રહ્યાં છે. કોળી સમાજના અગ્રણી દેવજી ફતેપરા નારાજ થયા છે. તેમણે મીડિયાને જણાવ્યું હતું કે બાવળિયાએ રામ-લક્ષ્મણની જોડી તોડી છે. ત્યારે દિવ્ય ભાસ્કરે કુંવરજી બાવળિયા સાથે વાત કરતાં તેમણે જણાવ્યું હતું કે દેવજીભાઈને સાબરિયા અને મુંજપરા સાથે વાંધો એમાં મારું નામ ઉછાળ્યું છે. સાબરિયા અને મુંજપરા મીટિંગમાં આવવાના હોવાથી ફતેપરાને મને એ બંનેનું મોઢું જોવું નથી, એવું કહી મને પાટીલ સાહબેની મીટિંગમાં આવવાની ના પાડી એમાં હું શું કરી શકું. અમે રામ-લક્ષ્મણની જોડી છીએ જ નહીં.

દિવ્ય ભાસ્કરના સવાલ અને બાવળિયાના જવાબ

દિવ્ય ભાસ્કરઃ દેવજી ફતેપરાએ રામ-લક્ષ્મણની જોડી તોડી એના વિશે શું કહેશો?
બાવળિયાઃ દેવજીભાઇ પહેલા સંસદસભ્ય હતા, પહેલી વખત કોંગ્રેસમાંથી ધારાસભ્ય બનાવવામાં મારો હાથ હતો, મેં તેને બધે ફેરવ્યા હતા. આ બધું તો ઠીક, તેઓ હમણાં સુષુપ્ત હતા, ગત રવિવારે કોળી સમાજની બેઠક બોલાવી હતી. એમાં 5 જાન્યુઆરીએ આપણે પાટીલજીની શુભેચ્છા મુલાકાત માટે જવાનું છે એવી વાત પણ થઈ ગઈ હતી. કોળી અને ઠાકોર સમાજના લોકોએ જવાનું છે એવું નક્કી થયું હતું. આ વાત હું મીડિયા સમક્ષ બોલ્યો હતો.

ગઈકાલે સી.આર.પાટીલ સાથેની કોળી સમાજની બેઠક થઈ હતી, જેમાં કુંવરજી બાવળિયા ઉપસ્થિત થયા હતા.
ગઈકાલે સી.આર.પાટીલ સાથેની કોળી સમાજની બેઠક થઈ હતી, જેમાં કુંવરજી બાવળિયા ઉપસ્થિત થયા હતા.

દિવ્ય ભાસ્કરઃ તો પછી દેવજી ફતેપરા કેમ ન આવ્યા?
બાવળિયાઃ દેવજીભાઈએ મને કહ્યું હતું કે કોણ કોણ આવવાના છે, તો મેં કહ્યું, સમાજના બધા જ આગેવાનો, ત્યારે દેવજીભાઇએ કહ્યું, ડો. મુંજપરા આવવાના છે, તો મેં કહ્યું- હા, ધારાસભ્ય પુરુષોત્તમ સાબરિયા, તો મેં કહ્યું- હા, પછી મને એવું કહ્યું કે તે બધા આવવાના છે, તો હું નથી આવવાનો, એટલે મેં કહ્યું- શું કામ આવવું નથી, તો તેણે કહ્યું હતું કે આ બધા મારા વિશે ગમે તેમ બોલે, એટલે હું આવવાનો જ નથી. આવી રીતે તેણે ના પાડી હતી.

દિવ્ય ભાસ્કરઃ દેવજીભાઇ કહે કે રામ-લક્ષ્મણની જોડી તૂટી ગઈ?
બાવળિયાઃ ના ના, રામ-લક્ષ્મણની જોડી છે જ નહીં.

4 દિવસ પહેલાં દેવજી ફતેપરા અને કુંવરજી બાવળિયા રાજકોટ ખાતે સાથે જોવા મળ્યા હતા.
4 દિવસ પહેલાં દેવજી ફતેપરા અને કુંવરજી બાવળિયા રાજકોટ ખાતે સાથે જોવા મળ્યા હતા.

દિવ્ય ભાસ્કરઃ આજે પાટીલ સાહેબ સાથે ખાસ કંઈ ખાસ ચર્ચા થઈ?
બાવળિયાઃ નહીં, આખા ગુજરાતમાં કોળી અને ઠાકોર સમાજના લોકો એકસાથે ભેગા મળીને મળ્યા એ કમલમમાં ઇતિહાસ બન્યો.

દિવ્ય ભાસ્કરઃ તમે માનો છો કે તમારા સમાજ સાથે અન્યાય થાય છે?
બાવળિયાઃ સંગઠન ન હોય તો અન્યાય થાય છે. આવનારા દિવસોમાં પાર્ટીએ જ આ લોકોને ક્યાંક ને ક્યાંક લેવા પડશે. દેવજીભાઇ આડાઅવળા ફર્યા કરતા હોય, પણ શાખ હોય, કામ કર્યું હોય તો પાર્ટી મહત્ત્વ આપે. સંગઠન જ ન હોય સમાજનું તો પાર્ટી શું આપે.

દિવ્ય ભાસ્કરઃ તમને શું લાગે છે, ટિકિટ તમને ન મળે તો ભાજપ સાથે રહેશો?
બાવળિયાઃ જો એવું કંઈ નથી, પાર્ટી જે નક્કી કરે એ થાય, મેં અન્યાય થાય છે એવું ક્યાં કહ્યું છે, કામ કરે એટલે ન્યાય મળે જ. એમાં પછી હું હોવ કે બીજું કોઈ હોય.

દિવ્ય ભાસ્કરઃ તો ડો.મુંજપરાને કારણે દેવજીભાઈ ન આવ્યા એવું કહી શકાય ને?
બાવળિયાઃ મુંજપરા અને પુરુષોત્તમ સાબરિયાને કારણે ન આવ્યા. પુરુષોત્તમ સાબરિયા અને દેવજીભાઈ વચ્ચે અંદરોઅંદર વાંધો છે અને પછી એમ કે કુંવરજીભાઇએ આવું કર્યું. 27 જિલ્લામાંથી સમસ્ત કોળી સમાજ અને ઉત્તર ગુજરાતના ચારેય જિલ્લામાંથી ઠાકોર સમાજના મહત્ત્વના આગેવાનો આવ્યા હતા. લગભગ 36થી વધારે આગેવાનો પાટીલ સાહેબને મળવા આવ્યા હતા. પછી દેવજીભાઈ કહે કે મને નથી કહ્યું, તો આ બધા આગેવાનો કહ્યા વગર આવ્યા હશે. પાટીલ સાહેબ પાસે સમય માગ્યો હતો અને અમને સમય આપ્યો હતો. ઠાકોર સમાજે શિક્ષણક્ષેત્રે અમારા સમાજના છોકરાવને વધારે લાભ અપાવી શકાય એવી રજૂઆત કરી હતી. પાટીલ સાહેબે સહાય કરીશ એવું કહ્યું હતું.