તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રાજકોટનું હીર યુરોપમાં ઝળક્યું:F1 કારરેસમાં 10 વર્ષનો જાગ્રત દેત્રોજા યુરોપમાં ડંકો વગાડે છે, ફોર્મ્યુલા કાર રેસિંગમાં 120ની સ્પીડે કાર ચલાવે છે

રાજકોટ25 દિવસ પહેલા
જાગ્રત દેત્રોજા.
  • પિતાનું સ્વપ્ન સાકાર કરવા 7 વર્ષની ઉંમરથી જ પ્રેક્ટિસ શરૂ કરી
  • વર્ષનાં 42 અઠવાડિયાં રેસિંગ સર્કિંટ પર જ રહે છે

રાજકોટ શહેરનું નામ હવે માત્ર ભારત દેશમાં જ નહિ, પરંતુ સમગ્ર વિશ્વમાં પ્રસ્થાપિત થઇ રહ્યું છે, ત્યારે વધુ એક કિસ્સો સામે આવ્યો છે, જેમાં રાજકોટના 10 વર્ષના જાગ્રત દેત્રોજાએ ભારત દેશનું નામ યુરોપમાં ફોર્મ્યુલા કાર રેસિંગમાં રોશન કર્યું છે. મૂળ મોરબીમાં જન્મેલો અને હાલ રાજકોટમાં રહેતો જાગ્રત ફોર્મ્યુલા કાર રેસિંગમાં 120ની સ્પીડે કાર ચલાવે છે અને વર્ષનાં 42 અઠવાડિયાં રેસિંગ સર્કિંટ પર જ રહે છે.

જાગ્રત યુરોપમાં નંબર વન ફોર્મ્યુલા કાર રેસર બનવા માગે છે
જાગ્રત વર્ષ 2020થી જાગ્રત સ્પેનમાં ફોર્મ્યુલા વન કાર રેસિંગમાં ભાગ લે છે અને અલગ-અલગ ચેમ્પિયનશિપમાં ચેમ્પિયન બનીને યુરોપમાં ભારતનો એકમાત્ર ફોર્મ્યુલા વન કારનો ડ્રાઇવર બન્યો છે. 7 વર્ષની ઉંમરે જ જાગ્રતે કાર રેસિંગની શરૂઆત કરી હતી. પહેલાં ઇલેક્ટ્રિક કાર લીધી, ત્યાર બાદ વડોદરામાં પ્રેક્ટિસ કરી, જેમાં તેને સારી સફળતા મળ્યા બાદ બેંગલુરુ અને હૈદરાબાદમાં નેશનલ ચેમ્પિયનશિપમાં ભાગ લઇ સારું પ્રદર્શન કર્યું. યુરોપમાં ફોર્મ્યુલા વન રેસિંગમાં ભવિષ્ય હોવાથી માતા-પિતા સ્પેનમાં સ્થાયી થયાં અને આજે વર્ષ 2020 અને 2021ની અલગ-અલગ ચેમ્પિયનશિપમાં જાગ્રતે ભારતનું નામ રોશન કર્યું છે. જાગ્રત યુરોપમાં નંબર વન ફોર્મ્યુલા કાર રેસર બનવા માગે છે અને એ માટે તનતોડ મહેનત પણ કરે છે.

વર્ષ 2020 અને 2021ની અલગ-અલગ ચેમ્પિયનશિપમાં જાગ્રતે ભારતનું નામ રોશન કર્યું.
વર્ષ 2020 અને 2021ની અલગ-અલગ ચેમ્પિયનશિપમાં જાગ્રતે ભારતનું નામ રોશન કર્યું.

પિતાનું સ્વપ્ન સાકાર કરવા 7 વર્ષની ઉંમરથી જ પ્રેક્ટિસ શરૂ કરી
જાગ્રતના પિતા મયૂર દેત્રોજા એક બિઝનેસમેન છે. પોતાના બિઝનેસ માટે ઓસ્ટ્રેલિયા રહેતા હતા ત્યારે તેમને ફોર્મ્યુલા કાર રેસિંગ જોવાનો શોખ હતો. જાગ્રત પણ તેના પિતા સાથે આ કાર રેસિંગ નિહાળતો હતો અને તેને પણ આ કાર રેસિંગમાં રસ જાગ્યો હતો, જેથી પિતાના શોખને પૂરા કરવા માટે જાગ્રતે તનતોડ મહેનત કરી અને આજે તે કાર રેસિંગ માટે દુનિયાના સૌથી શ્રેષ્ઠ ગણાતા સ્પેનમાં કાર રેસિંગમાં ભાગ લઈ રહ્યો છે. પિતાની ઈચ્છા જાગ્રત ચેમ્પિયન બનીને દેશનું નામ રોશન કરે એવી છે.

રેસમાં અકસ્માત થવાનો ભય સતત રહે છે.
રેસમાં અકસ્માત થવાનો ભય સતત રહે છે.

પિતા રેસિંગક્ષેત્રે આગળ વધારવા માટે સતત પ્રોત્સાહિત કરી રહ્યા છે
આ અંગે જાગ્રતના પિતા મયૂર દેત્રોજાએ જણાવ્યું હતું કે જાગ્રતને 7 વર્ષની ઉંમરથી જ રેસિંગમાં રસ પડતાં તેને સ્પેનના વેલેન્સિયામાં સ્થાયી કર્યો અને સાથે સમગ્ર પરિવાર પણ તેમની સાથે સ્પેન રવાના થયો હતો. તેણે 7મા વર્ષે નેશનલ રોટેક્સ કાર રેસિંગમાં ભાગ લીધો હતો અને ઉત્કૃષ્ટ પદ પ્રાપ્ત કર્યું હતું. હાલ સમગ્ર યુરોપમાં જાગ્રત એકમાત્ર ભારતીય કાર્ટ ડ્રાઈવર છે અને યોજાતી દરેક ચેમ્પિયનશિપમાં ભાગ લઇ રહ્યો છે. વધુમાં તેના પિતાએ કહ્યું હતું કે બાળક રેસિંગ અંગે લગાવ જોવા મળતાં તેને રેસિંગક્ષેત્રે આગળ વધારવા માટે સતત પ્રોત્સાહિત કરી રહ્યા છે.

જાગ્રત સ્પેનમાં કાર રેસિંગમાં ભાગ લઈ રહ્યો છે.
જાગ્રત સ્પેનમાં કાર રેસિંગમાં ભાગ લઈ રહ્યો છે.

આ રેસમાં અકસ્માત થવાનો ભય સતત રહે છે
પિતાના જણાવ્યા મુજબ, જાગ્રત હર-હંમેશ કહે છે કે જ્યાં પેસન અને શોખ જોડાયેલો હોઈ, ત્યાં કોઈ પ્રકારનું રિસ્ક રહેતું નથી અને જો રિસ્ક પણ હોય તો એની સાથે જીવવાની મજા પણ અલગ જ હોય છે. દરેક રેસ ઓછામાં ઓછા 35 પ્રતિદ્વંદ્વી સાથે યોજાઈ છે, જેમાં અકસ્માત થવાનો ભય સતત રહે છે, પરંતુ રેસિંગને પોતાનું કર્મ બનાવી લેતાં તે દરેક રેસમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી રહ્યો છે. 10 વર્ષની ઉંમર હોવા છતાં પણ તે કાર્ટ 120 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ચલાવી શકે છે. ભારત દેશમાં કાર રેસિંગ અંગે ખૂબ જ ઓછી જાગૃતિ જોવા મળી રહી છે અને જે પ્રકારે ટ્રેકનું નિર્માણ થવું જોઈએ એ પણ યોગ્ય રીતે જોવા મળતું નથી.

F1 રેસમાં ચેમ્પિયન બને એવી પિતાની ઇચ્છા
જાગ્રતને સ્પેનમાં અલગ-અલગ ચેમ્પિયનશિપ માટે ફરવું પડે છે, જે માટે તેની માતા સખત મહેનત કરે છે અને યુરોપના અલગ અલગ પ્રદેશોમાં જઇ ચેમ્પિયનશિપમાં ભાગ લે છે. માત્ર દસ વર્ષની ઉંમરે એફ વન કાર રેસિંગમાં પ્રાપ્ત કરીને જાગ્રત દેશનું નામ રોશન કર્યું છે અને F1 રેસમાં ચેમ્પિયન બને એવી ઇચ્છા છે.