ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને મળેલી ઐતિહાસિક જીત બાદ હવે આવતીકાલે મુખ્યમંત્રી શપથ લેશે અને ત્યારબાદ નવી સરકારનું આખું માળખું તૈયાર કરી નવા મંત્રીમંડળની રચના કરવામાં આવશે. જો કે આ નવી સરકારના નવા માળખામાં કોને ક્યાં સ્થાન મળશે તે અતિ મહત્વનું છે ત્યારે નવા શિક્ષણમંત્રી સામે એક મોટો પડકાર પણ સામે ઉભો જોવા મળી રહ્યો છે જે છે વિવાદોના ઘેરામાં સપડાયેલ રહેતી રાજકીય અખાડા સમાન સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો વહીવટ. પેપરલીક ઘટનામાં બે મહિના થવા છતાં હજુ સુધી પોલીસ ફરિયાદ નોંધાઇ નથી પોલીસ અને યુનિવર્સિટી એક બીજા પર દોષનો ટોપલો ઢોળી રહી છે પરંતુ વિદ્યાર્થીઓ ન્યાય માંગી રહ્યા છે.
કોઈ કડક કાર્યવાહી કરવામાં આવી નથી
એક સમયે એ ગ્રેડ ગણાતી સૌરાષ્ટ્ર યુનિવર્સીટીને જાણે વિદ્યાના ધામના બદલે રાજકીય અખાડો બનાવી દેવામાં આવી હોય તેવું લાગી રહ્યું છે. બે મહિના પૂર્વે ફરી B.B.A. સેમ 5 અને B.COM સેમ 5નું પ્રશ્નપત્ર લીક થવા પામ્યું હતુ જો કે આ મામલે યુનિવર્સિટીએ ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં માત્ર અરજી નોંધાવી હતી અને આ પછી અરજીના આધારે FSL તપાસ પણ કરવામાં આવી જે રિપોર્ટ આવી ગયા બાદ પણ કોઈ કડક કાર્યવાહી કરવામાં આવી નથી. વિદ્યાર્થી સંગઠનો દ્વારા વારંવાર આ મામલે ઉગ્ર રજુઆત કરી પોલીસ ફરિયાદ કરવા માંગ કરાઈ છે પરંતુ આમ છતાં હજુ સુધી સત્તાધીશોના પેટનું પાણી હલતું નથી અને જવાબદારો સામે કાર્યવાહી કરતા ચોક્કસ અચકાઈ રહ્યાનું સ્પષ્ટ થઇ રહ્યું છે.
ફરિયાદ વગર પોલીસ કોઈ કાર્યવાહી કરે!
વિધાનસભાની ચૂંટણી પૂર્વે સૌરાષ્ટ્ર યુનિવર્સીટીના કાર્યકારી કુલપતિ ડો. ગિરીશ ભીમાણીએ જણાવ્યું હતું કે, પેપર લીક થયા હોવાની ઘટનામાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીને જાણ થતાની સાથે રાત્રીના 12:30 વાગ્યે પરીક્ષા વિભાગ દ્વારા ભક્તિનગર પોલીસ સ્ટેશન ખાતે અરજી કરવામાં આવી હતી. અરજી આધારે પોલીસ તપાસ કરી રહી છે જો કે ફરિયાદ વગર કોઈ કાર્યવાહી પોલીસ કરે તે વાત માનવી પણ અશક્ય છે ત્યારે ચૂંટણી પૂર્વે પોલીસ ફરિયાદ યુનિવર્સિટી કરશે તેવી ખાતરી આપી હતી પરંતુ આજ દિવસ સુધી કોઈ ફરિયાદ થવા પામી નથી અને તપાસ ચાલુ હોવાનું બહાનું ધરી યુનિવર્સીટી અને પોલીસ બન્ને એક બીજા પર તુ-તુ મેં-મેંનો ખેલ ખેલી રહ્યા હોવાનું સ્પષ્ટ થઇ રહ્યું છે.
શું વિદ્યાર્થીઓને ન્યાય મળશે?
ઉલ્લેખનીય છે કે FSL રિપોર્ટમાં સામે આવ્યા મુજબ પેપર લીક મામલે ભાજપના જ એક યુવા નેતા અને પૂર્વ સિન્ડિકેટ સભ્યની સંડોવણી હોવાનું ચર્ચાઈ રહ્યું છે ત્યારે ચૂંટણી સમયે કોઈ કાર્યવાહી થતી ન હતી પરંતુ હવે નવા શિક્ષણ મંત્રી અને નવા ગૃહમંત્રી આવ્યા બાદ શું સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના વિદ્યાર્થીઓને ન્યાય મળશે કે કેમ તે પણ જોવું મહત્વનું રહેશે.
B.COMની પરીક્ષા રદ કરી
B.B.A. સેમેસ્ટર-5માં ડાયરેક્ટ ટેક્સ(નવો કોર્સ) અને B.COM સેમેસ્ટર-5માં ઓડિટિંગ એન્ડ કોર્પોરેટ ગવર્નન્સ-1ના પેપર લેવાના હતા તેના એક દિવસ અગાઉ એટલે કે 12 ઓક્ટોબર ના રોજ લીક થઇ જતા B.B.A.નું નવું પ્રશ્નપત્ર તૈયાર કરી એ જ સમયે પરીક્ષા લેવામાં આવી હતી જયારે B.COMની પરીક્ષા રદ કરી પાછળથી લેવામાં આવી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.