દાદાગીરી:20 હજારના 2 લાખ દીધાં છતાં વધુ માગણી કરી વ્યાજખોરે યુવાનને માર માર્યો

રાજકોટ3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ગેરકાયદેસર રીતે તોતિંગ વ્યાજે નાણાં આપતા વ્યાજખોરો સમયાંતરે હુમલો કે ધમકી આપતા હોવાના બનાવોને અંજામ આપતા રહે છે. ત્યારે સંત કબીર રોડ, બ્રાહ્મણિયાપરા-1માં રહેતા કેવિન રમેશભાઇ રાણપરા નામના યુવાનને વ્યાજખોરે માર મારતા સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો છે. બનાવની જાણ થતા બી ડિવિઝન પોલીસ હોસ્પિટલ દોડી ગઇ હતી. ઇજાગ્રસ્ત યુવાનની પૂછપરછમાં તે અગાઉ મોબાઇલ લે-વેચની દુકાન ચલાવતો હતો. દરમિયાન ધંધામાં નાણાંની જરૂરિયાત ઊભી થતા તેને રૂત્વિક ભરવાડ નામના વ્યાજખોર પાસેથી રૂ.20 હજાર વ્યાજે લીધા હતા. જે રકમ તેને સમયસર ચૂકવતો રહ્યો હતો. જેને કારણે રૂત્વિકને અત્યાર સુધીમાં 20 હજારની સામે રૂ.બે લાખ જેટલી રકમ વ્યાજ સાથેની ચૂકવી છે તેમ છતાં તે અવારનવાર વધુ રકમ પડાવવા ફોન તેમજ રૂબરૂ આવી ધમકી દેતો હતો. જે બાબતે સમાધાન પણ થઇ ગયું હતું. ગુરૂવારે રાતે તે ઘર પાસે ઊભો હતો. ત્યારે વ્યાજખોર રૂત્વિક તેની પાસે આવી ફરી એક વખત નાણાંની ઉઘરાણી કરી ઝઘડો કર્યો હતો. મામલો બિચકતા તેને હાથમાં પહેરેલા કડાથી માર માર્યો હતો. પોલીસે ઇજાગ્રસ્ત કેવીનની ફરિયાદ પરથી ગુનો નોંધી વ્યાજખોરને પકડી પાડવા તજવીજ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...