છોટુનગર-4માં રહેતા અને પેલેસ રોડ પર મંગલમ જ્વેલર્સનો શો રૂમ ધરાવતા અતુલભાઇ ત્રિભુવનદાસ રાજપરાએ નાનામવા સર્કલ પાસે સિલ્વર હાઇટ્સમાં રહેતા વ્યાજખોર પ્રવીણ મોહન લુણાગરિયા સામે ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ મુજબ, ધંધાના વિકાસ માટે 2021માં વ્યાજે નાણાં આપતા મિત્ર પ્રવીણ લુણાગરિયા પાસેથી 5 ટકાના વ્યાજે રૂ.1 કરોડ લીધા હતા. જેની સામે પોતાના બેંક ખાતાનો ચેક આપ્યો હતો. દરમિયાન પોતાને નાણાંની વ્યવસ્થા થઇ જતા એક મહિનામાં જ રૂ.1 કરોડ પરત કરી દીધા હતા.
અને એક મહિનાનું 5 ટકા વ્યાજ લેખે રૂ.5 લાખ રોકડા પ્રવીણને ચૂકવી આપ્યા હતા. નાણાં ચૂકવ્યા બાદ પોતે આપેલો એક કરોડની રકમનો ચેક પરત માગતા પ્રવીણે આપણે જૂના મિત્રો છીએ હું તારો ચેક ફાડી નાખવાની વાત કરતા પોતે ચેક પરત લીધો ન હતો. બાદમાં પ્રવીણ અવારનવાર શો રૂમ પર આવી તારે મને વ્યાજ પેટેના રૂ.50 લાખ આપવા પડશે. તું એ રકમ આપીશ પછી જ તારો ચેક અને પ્રોમિસરી નોટ પાછી આપીશ. અને જો આ રકમ તું મને નહિ આપે તો તારા ટાંટિયા એવી રીતે ભાંગી નાંખીશ કે તું કાયમ માટે અપંગ થઇ જાઇશની ધમકી આપી હતી.
જેથી પ્રવીણની ધમકીથી ગભરાઇને તેને ત્રણ ચેક આપ્યા હતા. એટલું જ નહિ તેને કટકે કટકે રૂ.20 લાખ રોકડેથી આપ્યા હતા. બાદમાં શો રૂમમાં ઓફિસ બોય તરીકે અગાઉ નોકરી કરતા વૈભવની કાર પણ વ્યાજ પેટે બળજબરીથી પડાવી લઇ ગયા હતા. ગાંધીગ્રામ પોલીસે ગુનો નોંધી વ્યાજખોરને સકંજામાં લેવા તજવીજ હાથ ધરી છે.
ખેડૂતને વ્યાજખોરે આપી ધમકી
સંતકબીર રોડ, કનકનગર સોસાયટીમાં રહેતા હેમંતભાઇ હરિભાઇ ટુડિયા નામના પ્રૌઢે પિન્ટુ કવા રાઠોડ નામના વ્યાજખોર સામે ફરિયાદ નોંધાવી છે. પ્રૌઢને ધંધાના તેમજ બીમારીની સારવારના ખર્ચ માટે નાણાંની જરૂરિયાત થતા પિન્ટુ પાસેથી કટકે કટકે 5 ટકાના વ્યાજે રૂ.17.50 લાખ વ્યાજે લીધા હતા. થોડા સમય વ્યાજખોરને રકમ ચૂકવ્યા બાદ પોતે પૈસા ચૂકવી નહિ શકતા વ્યાજખોરે પઠાણી ઉઘરાણી કરી પૈસા નહિ આપે તો મારી નાખવાની ધમકી આપતો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.