ધારીના કુબડા ગામના યુવકે ઝેરી દવા પી જીવનનો અંત આણી લીધો હતો, પ્રેમિકા નોકરી કરતી હોય તેને નોકરી કરવાની યુવકે ના કહી પરંતુ તે નહીં માનતા તે બાબતનું માઠું લાગી આવતાં યુવકે પગલું ભરી લીધુું હતું. કુબડા ગામે રહેતા ગોરધન જીણાભાઇ મકવાણા (ઉ.વ.24)એ ગત તા.3ના સવારે ઝેરી દવા પી લેતા તેને રાજકોટ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો પરંતુ સારવાર કારગત નીવડી નહોતી અને રવિવારે રાત્રે તેનું મૃત્યુ થયું હતું.
પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે, બે ભાઇ અને એક બહેનમાં નાનો ગોરધન છૂટક મજૂરી કરતો હતો, તેને એક યુવતી સાથે પ્રેમસંબંધ હતા, પ્રેમિકા કોઇ સ્થળે નોકરી કરતી હતી, જે બાબત ગોરધનને પસંદ નહોતી અને ગોરધને પ્રેમિકાને નોકરી છોડી દેવાનું કહ્યું હતું પરંતુ પ્રેમિકાએ તે વાત માની નહોતી અને નોકરી ચાલુ રાખતા તે બાબતનું માઠું લાગી આવતા યુવકે અંતિમ પગલું ભરી લીધું હતું. ગોરધને ઝેરી દવા પીતા પહેલા એક ચિઠ્ઠી લખી હતી તેમાં પણ પ્રેમપ્રકરણની વાત લખી હતી.
યુવાનનો મોબાઇલ ચોરનાર બેલડી ઝબ્બે
માધાપર ચોકડી પાસે પરાશરપાર્ક 1-2માં રહેતા યશ ભરતભાઇ બુદ્ધદેવ નામનો યુવાન રવિવારે સવારે કેવડાવાડી મેઇન રોડ પર સોડા પીવા ઊભો રહ્યો હતો. સોડા શોપમાં ગિરદી હોવાથી તકનો લાભ લઇ ગઠિયાઓ યુવાનના ખિસ્સામાંથી મોબાઇલ તફડાવી ગયા હતા. ખિસ્સામાંથી મોબાઇલ ચોરાઇ ગયાનું માલૂમ પડતા ભક્તિનગર પોલીસમાં જાણ કરી હતી. જેને પગલે પોલીસ સ્ટાફ તુરંત બનાવ સ્થળે દોડી જઇ તપાસ શરૂ કરી હતી. બનાવ સ્થળ આસપાસના સીસીટીવી ચેક કરતા બે શખ્સ યુવાનના ખિસ્સામાંથી મોબાઇલ સેરવતા જોવા મળ્યા હતા. જેથી પોલીસે લાઇનદોરીમાં સીસીટીવી તપાસી મોબાઇલ ચોરી કરનાર સુધી પહોંચી ગયા હતા. પોલીસે શાપરના અર્જુન ઉર્ફે બરફી ભરત સોલંકી અને મહેશ સોલંકીને ઝડપી લઇ મોબાઇલ કબજે કર્યો છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.