ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે, ત્યારે ભાજપે કેન્દ્ર સરકારના 8 વર્ષના શાસન પૂરા થતાં તેની કામગીરીની યશગાથા વર્ણવા રાજ્યમાં જિલ્લાદીઠ સાંસદોને જવાબદારી સોંપી લોકો સુધી મીડિયાના માધ્યમથી સરકારની કામગીરી પહોંચાડવાના ભાગરૂપે રાજકોટમાં બે સાંસદોએ પત્રકાર પરિષદ યોજી હતી. બંને નેતાઓએ સરકારની વિવિધ ક્ષેત્રની કામગીરીના ગુણગાન ગાયા હતા પરંતુ રાજકોટ શહેરના આજી રિવર ફ્રન્ટ તથા સિવિલ હોસ્પિટલની કથળેલી હાલત અંગે પૂછાયેલા પ્રશ્નોમાં વિસ્તૃત ચર્ચા કરવાને બદલે તેને સ્થાનિક ગણાવ્યા હતા.
રાજકોટના સાંસદ મોહનભાઇ કુંડારિયા અને રાજ્યસભાના સાંસદ રામભાઇ મોકરિયાએ જણાવ્યું હતું કે, 2016માં પીએમ આવાસ યોજનાની શરૂઆત કરી 58.59 લાખ ઘરોનું કામ પૂર્ણ કરી લોકોને આવાસ સોંપવામાં આવ્યા છે. કિસાન કલ્યાણ સન્માનનિધિ અંતર્ગત 11.3 કરોડ ખેડૂત પરિવારોને રૂ.1.82 કરોડ ચૂકવવામાં આવ્યા છે અને મેડિકલ કોલેજોની બેઠકમાં 80 ટકાનો વધારો કરાયો છે.
કોરોનામાં દેશમાં 190 કરોડથી વધુ રસીના ડોઝ અપાયા, 18 કરોડ ભારતીયોને આયુષ્માન કાર્ડ અપાયાની અને કિસાન યોજના અંતર્ગત 12 કરોડ ખેડૂતોના ખાતામાં વર્ષે 6 હજાર રૂપિયા જમા કરાવવામાં આવ્યાની તેમજ ગરીબ કલ્યાણ યોજના અંતર્ગત 12 કરોડ માતા બહેનોને વિનામૂલ્યે ગેસ સિલિન્ડર અપાયાની વાતો ઉપરાંત રામમંદિર નિર્માણમાં સરકારની ભૂમિકા વિષે વાતો કરી હતી.
શહેરના મુખ્ય પ્રોજેક્ટ આજી રિવરફ્રન્ટની વર્ષો પૂર્વે થયેલી જાહેરાતમાં કોઇ નોંધનીય કામગીરી થઇ નથી અને આજી નદીમાં કચરાના ઢગથી ચોમાસામાં વરસાદી પાણી ભરાવાની દહેશત ભાજપના જ ધારાસભ્ય ગોવિંદભાઇ પટેલે વ્યક્ત કરી હતી ત્યારે મીડિયાએ સાંસદ રામભાઇને આ અંગે પ્રશ્ન પૂછતાં જ મોકરિયાએ તેને સ્થાનિક પ્રશ્ન ગણાવી મનપા કાર્યવાહી કરશે તેવો જવાબ આપી વાત ટુંકાવી હતી, સિવિલ હોસ્પિટલના પાણી અને એસી મુદ્ે કહ્યું કે, બે દિવસ બાદ મુલાકાત બંધ એસી રિપેર કરાવશુ અને જરૂર પડ્યે ગ્રાન્ટમાંથી નવા એસી ઉપલબ્ધ કરાવશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.