રાજકોટમાં ચૂંટણી બાદ ફાયર વિભાગ હરકતમાં આવ્યું છે. આજે સતત બીજા દિવસે સ્કૂલોમાં ફાયર સેફ્ટીના સાધનોને લઇને ચેકિંગ હાથ ધર્યુ છે. ગઇકાલે 60થી 70 જેટલી સ્કૂલમાં સઘન ચેકિંગ કરવામાં આવ્યું હતું. ઓક્ટોબર સુધીમાં 350 જેટલી સ્કૂલોએ ફાયર NOC મેળવી હતી. હાલમાં વધુ 200 જેટલી સ્કૂલોએ ફાયર NOC મેળવી છે. 400 જેટલી સ્કૂલોએ ફાયર NOC બાબતે અરજી કરી છે. 300થી વધુ સ્કૂલોએ ફાયર NOC બાબતે કોઇ અરજી કરી નથી. અરજી કર્યા વગરની સ્કૂલોમાં ફાયર વિભાગે ચેકિંગ હાથ ધર્યુ છે.
રાજકોટમાં 120 સ્કૂલ પાસે જ ફાયરના સેફ્ટીના સાધનો
આ અંગે માહિતી આપતા ફાયર ઓફિસરે જણાવ્યું હતું કે, હાલ શાળાઓ પ્રથમ પ્રાયોરિટી પર રાખવામાં આવી છે. કોમ્પ્લેક્સમાં રહેલી હોસ્પિટલોને પણ NOC લેવી ફરજીયાત છે. અમારા લિસ્ટ મુજબ રાજકોટમાં 450 સ્કૂલ છે. જેમાંથી માત્ર 120 પાસે જ ફાયર સેફ્ટીના સાધનો છે. માટે ખાસ અમે ત્યાં ઇન્સ્પેક્શન કરવા જઈશું. દરેક સ્કૂલમાં સેકન્ડ એક્ઝિટ ગેટ ઈમરજન્સી સમયે તમામ માટે લાભદાયી છે, ત્યારે તે માટે જે પણ ટેકનિકલ ઇસ્યુ હોસ્પિટલ સંચાલકોને થઈ રહ્યાં છે. તે વહેલામાં વહેલી તકે ઉકેલાય તેના માટે મહાનગરપાલિકા પણ પ્રયત્નશીલ છે. આજે ફાયર વિભાગ દ્વારા અલગ અલગ ટીમો બનાવી 50 જેટલી સ્કૂલમાં સંઘન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે.
ફાયર NOC ન ધરાવનાર શાળાઓ સામે તાત્કાલિક પગલાં ભરો- શિક્ષણમંત્રી
આ અંગે શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું હતું કે, સ્કૂલમાં અભ્યાસ કરતા બાળકોની સુરક્ષાની જવાબદારી જે તે સ્કૂલની છે. માટે સ્કૂલોમાં વિદ્યાર્થીઓને પુરતી સુરક્ષા ઉપલબ્ધ કરાવવા માટે સ્કૂલોએ યોગ્ય પગલાં લેવા પડશે. સ્કૂલોએ તકેદારી રાખવાની જરૂર છે કે તમામ ફાયર સેફ્ટીના નિયમોનું યોગ્ય રીતે પાલન થાય છે કે કેમ, એ સુનિશ્ચિત કરવાનું કામ અને ફાયર NOC ન હોય એવી સ્કૂલોને NOC મળી રહે એ જે-તે શહેરની કોર્પોરેશને તાકીદે કામ શરૂ કરવાનો આદેશ ભુપેન્દ્રસિંહએ આપ્યો હતો. વધુમાં તેમણે જણાવ્યું હતું કે, શિક્ષણ વિભાગે પણ બાળકોની સલામતિ માટે સાથે રહીને ફાયર NOC મળી રહે એ માટે પ્રાથમિકતા નક્કી કરી છે અને હાઇકોર્ટે જે આદેશ આપ્યો છે તેનું પણ સખતપણે પાલન થાય તેની અમે તકેદારી રાખીશું.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.