કોરોના રાજકોટ LIVE:સતત બીજા દિવસે ત્રણ કેસ નોંધાતા આરોગ્ય વિભાગ એલર્ટ, એક્ટિવ કેસની સંખ્યા 7 પર પહોંચી

રાજકોટએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર. - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર.
  • કુલ કેસની સંખ્યા 42835 પર પહોંચી

રાજકોટમાં ધીમા પડેલા કોરોનાએ નવરાત્રિના તહેવાર બાદ ફરી માથુ ઉંચક્યું છે. ગઇકાલે ફરી 3 કેસ નોંધાયા હતા. આગલા દિવસે પણ ત્રણ કેસ નોંધાતા બે દિવસમાં 6 કેસ સામે આવ્યા છે. કોરોના કેસની સંખ્યા વધવા લાગતા આરોગ્ય વિભાગ એલર્ટ થયું છે. હાલ એક્ટિવ કેસની સંખ્યા 7 પર પહોંચી છે. ગઇકાલે કોરોના રસીકરણમાં 18 વર્ષથી મોટી ઉંમરના કુલ 6049 નાગરિકોએ રસી લીધી હતી.

ઇન્ડસ્ટ્રીઝ વિસ્તારના કામદારો રસીથી બાકી
રાજકોટ જિલ્લામાં ઇન્ડસ્ટ્રીઝ વિસ્તારમાં કામદારોને રસીકરણ બાકી હોય તો ઇન્ડસ્ટ્રીઝ વિસ્તારના એસોસિએશન અને સંસ્થાઓની મદદ લઈને આ કામગીરી પૂર્ણ કરવા માટે આજે જિલ્લા કલેકટર અરુણ મહેશ બાબુના અધ્યક્ષ સ્થાને બેઠક યોજાઇ હતી.આ બેઠકમાં જો ઇન્ડસ્ટ્રીઝ વિસ્તારના કામદારો રસીથી બાકી હોય તો તમામને આવરી લેવા તેમજ જરૂર પડયે કેમ્પ કરીને પણ કામગીરી પૂર્ણ કરવા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.રીજીયોનલ મ્યુનિસિપલ કમિશનર અરુણ બરનવાલે પણ મ્યુનિસિપલ વિસ્તારમાં વોર્ડ વાઈઝ કામગીરી કરવા તેમજ જિલ્લા વિકાસ અધિકારી દેવ ચૌધરીએ ગામ વાઇઝ બાકી રહેતા લોકોનો સર્વે કરીને સો ટકા કામગીરી કરવા અંગે જણાવ્યું હતું.આ બેઠકમાં વિવિધ ઇન્ડસ્ટ્રીઝ એસોસિયેશનના પ્રમુખ અને પ્રતિનિધિઓ તેમજ આરોગ્ય સંલગ્ન અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

યુથ કોંગ્રેસના નેતાને ડેન્ગ્યુ ભરખી ગયો
ગઇકાલે રાજકોટ જિલ્લા યુથ કોંગ્રેસના લડાયક નેતા વિરેન્દ્રસિંહ જાડેજાનું 39 વર્ષની વયે નિધન થયું હતું. તેઓ ડેન્ગ્યુની સારવાર લઈ રહ્યા હતા ત્યારે ગઇકાલે બપોરે રાજકોટની ખાનગી હોસ્પિટલમાં તેઓએ અંતિમ શ્વાસ લેતા પરિવારમાં શોક છવાયો છે.

શહેરમાં હાલ 7 એક્ટિવ કેસ થયા
રાજકોટ કોર્પોરેશન વિસ્તારમાં નવા 3 કેસ સાથે એક દર્દી ડિસ્ચાર્જ પણ થયો હતો. શહેરમાં હાલ 7 એક્ટિવ કેસ છે, અત્યાર સુધીમાં કુલ સંક્રમિતોની સંખ્યા 42835એ પહોંચી છે. શહેરમાં કોરોનાની સંભવિત ત્રીજી લહેર આવવાની શક્યતાને લઈને હવે રાજકોટ શહેરમાં કોરોનાના કેસ વધવા લાગ્યા છે.

શહેરમાં અત્યાર સુધી 17,66,228 નાગરિકને કોરોનાની રસી અપાઈ
શહેરમાં અત્યાર સુધી 17,66,228 નાગરિકને કોરોનાની રસી અપાઈ ગઈ છે. જેમાં 11,28,819 નાગરિકને પ્રથમ ડોઝ અને 6,37,409 નાગરિકને બીજો ડોઝ અપાઈ ગયો છે. એટલે કે શહેરમાં 98 ટકાથી વધુ લોકોને પ્રથમ ડોઝ અને 55 ટકાથી વધુ લોકોને બીજો ડોઝ અપાઈ ગયો છે. તેમ છતાં કોરોનાના કેસ આવતા હવે તંત્ર દ્વારા આગવું આયોજન કરવામાં આવશે.