ફી માટે ખાનગી સ્કૂલ સંચાલકોની શિયાળવૃત્તિ જગજાહેર છે તેમાંય રાજકોટમાં બે કિસ્સામાં સામે આવ્યા હતા. જ્યાં વિદ્યાથીઓના વાલીઓને ફી ભરવા માટે દબાણ કરવામાં આવતું હતું. આ મુદ્દે DPEOડી.આર.સરવડાએ આકરા પગલાં લીધા છે. ફી મામલે ઉઘરાણી કરતી સરદાર અને નીલરાજ સ્કૂલને DPEOએ રૂ.10 હજારનો દંડ ફટકાર્યો હતો અને બીજી વખત આવી શાળા આવી ભૂલ કરે તો રૂ.25 હજારનો દંડ ફટકરાવાનું જણાવામાં આવ્યું હતું.
ત્રીજી વખત શાળાની માન્યતા રદ સુધીના પગલા લેવાશે: DEPO
આ અંગે DEPO ડી.આર.સરડવાએ જણાવ્યું કે, કુવાડવાના સતાડાની શાળામાં ધો.8 ના વિદ્યાર્થીની ફી બાકી હોવાથી ગણિતનું પેપર આપવા ન્હોતું દીધું. જેમાં વાલીનો આક્ષેપ હતો કે ફી નો ચેક સ્વીકારવાને બદલે રોકડા માંગ્યા. જો કે શાળા સંચાલકનું નિવેદન છે કે, વાલી ચેક લઇને જ નહોતા આવ્યા. જો કે સ્કૂલને 10,000નો દંડનો આદેશ કર્યો છે. જયારે મહિકાની નીલરાજ સ્કૂલ દ્વારા પણ ફી ન ભરી હોવાથી 4 વિદ્યાર્થીને પરીક્ષા ન આપવા દેવાઈ હોવાનો ઓડિયો વાયરલ થયો હતો. જે કિસ્સામાં તપાસ બાદ શાળાને રૂ.10,000 નો દંડ કર્યો છે. બીજી વખત આવી ભૂલ કરે તો રૂ.25,000 અને ત્રીજી વખત શાળાની માન્યતા રદ સુધીના પગલા લેવાશે.
શું હતો સમગ્ર બનાવ
પ્રથમ કિસ્સાની વાત કરીએ તો રાજકોટમાં મહીકા ગામની નીલરાજ સ્કુલમાં ધો.2થી 10ના 6 વિદ્યાર્થીઓના વાલીઓ ચેકથી ફી જમા કરવા ગયા હતા છતાં શાળા સંચાલકે રોકડથી ફીની માંગ કરી હતી. આ અંગેની એક ઓડિયો કલીપ પણ સામે આવી હતી. જેમાં ખુલ્લેઆમ ફીના વાંકે વિધાર્થીઓને ફાઈનલ પરીક્ષા નહીં આપવાનું જણાવવામાં આવે છે. જેમાં ધોરણ 10ની વિદ્યાર્થીની ડેરોત્રા ધારા, ધોરણ 6નો વિદ્યાર્થી જાદવ રીધુ, ધોરણ 3ની વિદ્યાર્થીની ડેરોત્રા વીધી,ધોરણ 2નો વિદ્યાર્થી જાદવ નૈતિક,ધોરણ 6નો વિદ્યાર્થી જાદવ પરસોતમ અને ધોરણ 10ની વિદ્યાર્થીની જાદવ વૈશાલીને ફી અંગેનું દબાણ કરવામાં આવ્યું હોવાનો વિદ્યાર્થીઓ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો હતો.
પુત્રએ પિતાને કહ્યું - હું આપઘાત કરવા જાવ છું
બીજા કિસ્સામાં રાજકોટ શહેરની નજીક આવેલા સાતડા ગામના રહેવાસી અનુભાઈ ચાવડા નામના વાલીએ જિલ્લા કલેક્ટર તેમજ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી પાસે આવેદન દેવા ગયા હતા અને આ રજૂઆતમાં કહ્યુ છે કે, તેમનો પુત્ર ધ્રુવ સાતડા ગામમાં આવેલી સરદાર સ્કૂલમાં ધો. 8માં અભ્યાસ કરે છે. સ્કૂલની ફી બાકી હોવાથી ફી લઈ આવવા માટે કહ્યું હતું જેથી અનુભાઈએ 16000 રૂપિયાનો ચેક લખી આપ્યો હતો અને પુત્ર સાથે મોકલાવ્યો હતો. પુત્ર 22 તારીખે ચેક લઈને પહોંચ્યો હતો અને ત્યારે ગણિતની પરીક્ષા હતી અને ચેક આપતા શાળાના સંચાલકોએ ચેક સ્વીકારવાની ના પાડી રોકડા લઈ આવવા કહ્યું હતું અને પરીક્ષા પણ આપવા દીધી ન હતી. જેનું પુત્રને લાગી આવતા તેણે ‘હું કૂવામાં પડી આપઘાત કરવા જાઉ છું’ આ ગંભીર આક્ષેપો સાથેની રજૂઆત થતા તંત્રમાં પણ દોડધામ મચી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.