બોર્ડની પરીક્ષાની તૈયારી:રાજકોટમાં DEOએ કહ્યું: પરીક્ષાર્થીઓને મનોવૈજ્ઞાનિક તાલીમ અપાશે, આચાર્યો-વાલીઓનું કાઉન્સિલિંગ થશે

રાજકોટએક મહિનો પહેલા
જિલ્લા શિક્ષણાધિકારી બી.એસ.કૈલા

ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓની આગામી 14 માર્ચથી લેવાનારી બોર્ડની પરીક્ષાની તૈયારીઓ શિક્ષણ વિભાગે શરૂ કરી દીધી છે. તાજેતરમાં જ રાજકોટ જિલ્લામાં શાળાઓની સંખ્યા, બ્લોક, વર્ગખંડ, ઝોન, અધિકારીઓની વિગતો, કંટ્રોલરૂમ સહિતની તમામ બાબતોનું લિસ્ટ જિલ્લા શિક્ષણાધિકારી બી.એસ.કૈલા દ્વારા શિક્ષણ બોર્ડને મોકલી દેવાયું છે. આ અંગે તેમણે મીડિયાને જણાવ્યું હતું કે, ધોરણ 10 અને 12 માટે પાંચ પાંચ ઝોન બનાવવામાં આવ્યા દરેક ઝોનમાં પરીક્ષા કેન્દ્રની યાદી તૈયારકરવામાં આવી છે. આ વર્ષે વિદ્યાર્થીઓને કોઈ અગવડતા ન પડે એ પરીક્ષાર્થીઓને મનોવૈજ્ઞાનિક તાલીમ અપાશે જેમાં આચાર્યો-વાલીઓનું પણ કાઉન્સિલિંગ થશે. જેથી પરીક્ષા સમયે કોઈ તકલીદ ઉત્પન્ન ન થાય.

80 હજાર થી વધુ છાત્રો પરીક્ષા આપશે
વધુમાં તેમણે જણાવ્યું હતું કે, જિલ્લામાં ધોરણ 10નાં 40 હજર ધોરણ 12નાં સાયન્સ અને સામાન્ય પ્રવાહ માટે 40 હજાર મળી કુલ 80 હજાર થી વધુ છાત્રો ભાગ લેશે. 300 બિલ્ડિંગ ખાતે પરીક્ષા કેન્દ્ર સીસીટીવીથી સજ્જ કરવામાં આવ્યા. આગામી તારીખ 4થી 7 જાન્યુઆરી દરમિયાન રાજકોટ સહિત રાજ્યભરના જિલ્લા શિક્ષણાધિકારીઓની બોર્ડના અધિકારીઓ સાથે મહત્ત્વની બેઠક મળવાની હોવાનું જાણવા મળ્યું છે જેમાં બોર્ડની પરીક્ષાની તૈયારીઓ સંબંધિત જુદી જુદી બાબતોની ચર્ચા કરવામાં આવશે.

સીસીટીવીની વિગતોનો એક્શન પ્લાન મગાવ્યો
ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાના ફોર્મ ભરવાની પ્રક્રિયા હજુ ચાલુ છે ત્યારે બોર્ડના વિદ્યાર્થીઓની સંખ્યા ફાઈનલ થાય તે પહેલા શિક્ષણ બોર્ડે પરીક્ષાના સુચારુ આયોજન માટેની તૈયારીઓ શરૂ કરી દીધી છે. જેમાં રાજ્યના તમામ જિલ્લા શિક્ષણાધિકારીઓ પાસેથી તેમના જિલ્લાની શાળાઓનું લિસ્ટ, ઝોન, બિલ્ડિંગ, ક્લાસરૂમ, બ્લોક, શાળામાં સીસીટીવીની વિગતોનો એક્શન પ્લાન મગાવ્યો હતો.

રાજ્યના DEOની બેઠક મળશે
રાજકોટ જિલ્લા શિક્ષણાધિકારીએ આ તમામ વિગતો સાથેનો અહેવાલ બોર્ડમાં મોકલી દીધો છે. બોર્ડની આ પરીક્ષામાં ગેરરીતિ અને પરીક્ષા ચોરીના બનાવોને ડામવા માટે દર વર્ષે ખાસ પ્રબંધો કરી એક્શન પ્લાન અમલી બનાવવામાં આવે છે. તેના ભાગરૂપે જ આગામી તારીખ 4થી 7 જાન્યુઆરી દરમિયાન રાજ્યના DEOની બેઠક મળશે.

ધો.10ના પરીક્ષા ફોર્મ 7મી સુધી ભરી શકાશે
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા પરિપત્ર જાહેર કર્યો છે કે, ધોરણ 10ની માર્ચ-2023ની પરીક્ષાના આવેદનપત્રો ભરવાની અંતિમ તારીખ 7 જાન્યુઆરી સુધી લંબાવવામાં આવી છે. દરેક શાળા સંચાલકો અને વિદ્યાર્થીઓ 7મી જાન્યુઆરી સુધીમાં ઓનલાઈન પરીક્ષા ફોર્મ ભરી શકશે. 7મીએ રાત્રે 12 કલાક સુધીમાં પ્રિન્સિપાલે આ ફોર્મનું એપ્રૂવલ બાકી હોય તો કરી દેવાનું રહેશે.

અન્ય સમાચારો પણ છે...