તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોર્ટનો ચુકાદો:જેલહવાલે રહેલા આરોપીના જામીન નામંજૂર

રાજકોટ10 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • ધોરાજીમાં બે માસ પહેલાના બનાવમાં કોર્ટનો ચુકાદો
  • અંગત ફોટા વહેતા કરવાની ધમકી દેતો હોવાની રજૂઆત

રાજ્યમાં બનતા લવ જેહાદના કાયદા સામે હાઇકોર્ટે આપેલા સ્ટે વચ્ચે ધોરાજીની સેશન્સ કોર્ટે ફરિયાદપક્ષની ધારદાર રજૂઆતને ધ્યાને રાખી બે મહિના પહેલા બનેલા લવ જેહાદના કેસમાં સંડોવાયેલા આરોપીના જામીન નામંજૂર કર્યા છે. ધોરાજી પોલીસમાં ગત તા.11-7-2021ના રોજ રાધાનગરમાં રહેતા મોહમદ ઉર્ફે દાડો ગની સમા નામના શખ્સ સામે છળકપટથી લગ્ન કર્યાની અને બાદમાં ધર્મપરિવર્તન માટે માનસિક દબાણ કરી ધમકી આપ્યાની ફરિયાદ નોંધાઇ હતી. લવ જેહાદનો બનાવ હોય ફરિયાદ બાદ તપાસ ડીવાય.એસ.પી. સાગર બાગમારને સોંપાઇ હતી. તપાસનીશ અધિકારીએ તપાસ શરૂ કરી આરોપી મોહમદ ઉર્ફે દાડાને ઝડપી લઇ ધરપકડ કરી હતી.

આરોપીની ધરપકડ કરી જેલહવાલે કર્યા બાદ હાઇકોર્ટે લવ જેહાદના કાયદા પર રોક લગાવતો હુકમ કર્યો હતો. જે હુકમને ધ્યાને રાખી જેલહવાલે રહેલા આરોપી મોહમદ ઉર્ફે દાડાએ ધોરાજીની સેશન્સ કોર્ટમાં જામીન પર છૂટવા અરજી કરી હતી. જે અરજીની સુનાવણી એડિ.ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજ રાહુલ શર્માની કોર્ટમાં શરૂ થઇ હતી. ત્યારે ફરિયાદપક્ષે રોકાયેલા એપીપી કાર્તિકેય પારેખે આરોપીની જામીન અરજીનો વિરોધ સાથે રજૂઆત કરી જણાવ્યું કે, ફરિયાદ બાદ આરોપી દ્વારા સામાજિક રીતે બદનામ કરી દેવાની અવારનવાર ધમકી આપવામાં આવે છે. આરોપીએ પોતાની શરીરની ભૂખ સંતોષવા માટે પોતે પરિણીત હોવા છતાં અપરિણીત હોવાનું કહ્યું હતું.

એટલું જ નહિ દલીલને ખાતર માની લેવામાં આવે કે ભોગ બનનાર સાથે તેઓના કોઈ અંગત પળોના ફોટા છે તો તે ફોટા પાડવાની મંજૂરી માત્રને માત્ર અંગત ઉપયોગ માટે હોઈ શકે તેને જાહેર જનતા વચ્ચે વાઇરલ કરવા માટે હોઈ શકે નહીં. ત્યારે આવા સંજોગોમાં આરોપીને જામીન પર છોડવામાં આવે તો તે ન્યાયિક કાર્યવાહી ગણી નહીં શકાય. અદાલતે સરકારી વકીલની રજૂઆતને ધ્યાને રાખી આરોપીના જામીન નામંજૂર કર્યા છે.

હાઇકોર્ટ દ્વારા લવજેહાદના બનાવો સામે રોક લગાવવામાં આવી છે. પરંતુ આ કેસના આરોપી દ્વારા ખોટું જણાવી લગ્ન કર્યા હોય તેમજ લગ્ન બાદ ધર્મ પરિવર્તન કરાવી ધાક-ધમકી આપતો હોવાથી અદાલતે મહત્ત્વનો ચુકાદો આપ્યો છે.

અન્ય સમાચારો પણ છે...