હાલ ચોમાસાની ઋતુ ચાલી રહી છે. આથી મિશ્ર વાતાવરણને કારણે શહેરમાં ડેંગ્યુ, મેલેરિયા, ચિકનગુનિયા, ટાઈફોઈડ, કોલેરા, ઝાડા-ઉલ્ટી, વાયરલ તાવના કેસમાં વધારો થયો છે. રોગચાળાએ માથુ ઉંચકતા જ રાજકોટની સિવિલ હોસ્પિટલ દર્દીઓથી ઉભરાઇ છે. સિવાલમાં દર્દીઓ અને તેમના સગાઓનો મેળાવડો જામ્યો છે. આરોગ્યધામમાં જ સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા જોવા મળ્યા છે. લોકો ત્રીજી લહેરને આમંત્રણ આપતા હોય તેવા દ્રશ્યો આજે સિવિલમાં જોવા મળી રહ્યાં છે.
રાજકોટ સિવિલમાં જુલાઈ મહિનામાં નોંધાયેલા કેસ
ડેંગ્યુ - 8
મેલેરિયા- 6
ચિકનગુનિયા- 3
ટાઈફોઈડ તાવ- 1
કોલેરા- 2
ઝાડા અને ઉલ્ટી- 27
વાયરલ તાવ- 79
પાણી ઉકાળીને પીવો અને વાસી ખોરાક ન ખાવઃ સિવિલ
ચોમાસાની ઋતુમાં મિશ્ર વાતાવરણને કારણે ઋતુજન્ય રોગચાળો વકર્યો છે. લોકોને પાણી ઉકાળીને પીવા અને વાસી ખોરાક ન ખાવા સિવિલ હોસ્પિટલ દ્વારા અપીલ કરવામાં આવી રહી છે. આજે સિવિલ હોસ્પિટલમાં સારવાર લેવા આવી રહેલા દર્દીઓ અને તેમના સગાઓમાં ઘણા માસ્ક વગર પણ જોવા મળ્યા હતા. સિવિલ હોસ્પિટલમાં જ આ રીતે દ્રશ્યો જોવા મળી રહ્યાં છે ત્યારે કોરોનાની ત્રીજી લહેર આવતા વાર નહીં લાગે તેવી ચર્ચા લોકોમાં ઉઠી છે.
તાવના કેસ આવે તો RT-PCR ટેસ્ટ કરાવીએ છીએઃ સુપ્રિટેન્ડેન્ટ
સિવિલ હોસ્પિટલના સુપ્રિટેન્ડેન્ટ આર.એસ. ત્રિવેદીએ જણાવ્યું હતું કે, પાણીજન્ય અને મચ્છરજન્ય રોગનું પ્રમાણ ઓછુ છે. ડેન્ગ્યુ અને મેલેરિયાના કેસો વધ્યા છે. કોલેરાના કેસ ગત મહિના નહોતા પણ આ મહિને નોંધાયા છે. તાવના કેસ આવે તો RT-PCR ટેસ્ટ કરાવીએ છીએ પણ ખુશીની વાત એ છે કે તે દર્દીનો કોરોના રિપોર્ટ નેગેટિવ આવે છે. વાતાવરણ ફરી રહ્યું છે એટલે ઋતુજન્ય રોગ વકરે છે. આથી ચિંતાની વાત નથી. લોકોએ પાણી ગરમ કરીને પીવું જોઇએ. વરસાદ વધુ હોય ત્યારે લોકો બહાર નીકળવાનું ટાળે. સિવિલ હોસ્પિટલ કોઇ પણ પરિસ્થિતિ માટે તૈયાર છે.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.