તહેવારોમાં રોગચાળો વકર્યો:ડેન્ગ્યુના ગત વર્ષ કરતા 3 ગણા કેસ વધ્યા, ડેન્ગ્યુ પણ કોરોનાની જેમ એસિમ્પ્ટોમેટિક, ઈમ્યુનિટી ઘટાડી દર્દીને પથારીવશ કરે છે

રાજકોટ23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ગત સપ્તાહે શહેરમાં ડેન્ગ્યુના 49, મેલેરિયાના 1 અને ચિકનગુનિયાના 2 કેસ નોંધાયા
  • 2020માં ડેન્ગ્યુના 62 કેસ નોંધાયા હતા જયારે 2021માં અત્યારસુધીમાં કુલ 273 કેસ નોંધાયા છે

ગુજરાતમાં હાલ કોરોનાનો ખતરો નહીવત્ થયો છે. જેને પગલે દિવાળીના તહેવારો દરમિયાન તંત્ર દ્વારા ઘણી છૂટછાટ આપવામાં આવી છે. હાલ દેશમાં વેક્સિનેશન પણ પુરપાટ વેગે થઈ રહ્યું છે. મોટાભાગના લોકો કોરોના રસીથી સુરક્ષિત થયા છે ત્યારે હવે ભલે મૃત્યુનુ જોખમ ઓછુ પણ કોરોના જેટલા કે તેથી પણ વધારે બિમાર પાડી દેતા ડેન્ગ્યુએ ભરડો લીધો છે. રાજકોટમાં ચાલુ વર્ષના નવ માસમાં ગત આખા વર્ષ કરતા ત્રણ ગણા કેસો મનપાના ચોપડે નોંધાઈ ચૂક્યા છે. ડેન્ગ્યુ પણ કોરોનાની જેમ એસિમ્પ્ટોમેટિક અર્થાત્ તંદુરસ્ત માણસને થાય તો લક્ષણ ન દેખાય તેવો છે પણ આ જ તંદુરસ્ત માણસને કરડેલું મચ્છર અન્યને કરડે તો તેને ગંભીર રીતે બિમાર પાડી શકે છે.

કેટલાક કેસ મનપાના ચોપડે ચડતા નથી
રાજકોટમાં વર્ષ 2019માં ડેન્ગ્યુના રેકોર્ડબ્રેક 1062 કેસો નોંધાયા હતા. જયારે ગત વર્ષે 2020માં કોરોના વાયરસે વિકરાળ મોં ફાડતા ડેન્ગ્યુ વાયરસ નબળો પડયો હતો અને ડેન્ગ્યુ કેસો ગત વર્ષ એટલે કે 2020 માં માત્ર 62 નોંધાયા હતા. પરંતુ, હવે કોરોના હળવો થતા ડેન્ગ્યુને જાણે મોકળુ મેદાન મળ્યું હોય તેમ 31 ઓક્ટોબર સુધીમાં જ રાજકોટમાં 273 કેસો નોંધાઈ ચૂક્યા છે. જયારે કેટલાક કેસ મનપાના ચોપડે ચડતા ન હોવાનું પણ સામે આવી રહ્યું છે.

ડેંગ્યુની કોઈ રસી હજુ શોધાઈ નથી
કોરોનાની જેમ જ ડેન્ગ્યુની કોઈ ચોક્કસ દવા કે સારવાર નથી. દર્દીને એસ્પિરિન સિવાયની દર્દશામક દવા અપાય છે અને મુખ્ય બે સલાહ તબીબો અચૂક આપતા હોય છે, (1) દર્દીએ મહત્તમ પ્રવાહી લેવું, પાણી પીવું અને (2) પૂરતો આરામ કરવો. આ સિવાય દુખાવો થાય તો તેની અને તાવ આવે તો પેરાસિટામોલ જેવી દવા જ અપાતી હોય છે. ગંભીર સ્થિતિમાં પણ લક્ષણો મૂજબ હોસ્પિટલમાં સારવાર કરાય છે.

આ વાયરસ મહત્તમ પ્રસરતો હોય છે
કોરોના ન થાય કે થાય તો ગંભીર લક્ષણો ન થાય તે માટે રસી શોધાઈ ગઈ અને રાજકોટ સહિત રાજ્યના અનેક શહેરોમાં 100 ટકાને અપાઈ ગઈ છે પરંતુ,ડેન્ગ્યુની કોઈ રસી હજુ શોધાઈ નથી. મચ્છર ન કરડે અને ઈમ્યુનિટી સારી રહે એ જ તેનો ઉપાય છે. નોંધપાત્ર એ છે કે ડેન્ગ્યુના મચ્છર દિવસે કરડતા હોય છે અને આ મચ્છર ઘરે,ઓફિસમાં વધુ વસતા હોય છે. ખુદ તબીબી સૂત્રો જણાવે છે કે વરસાદ પછીના બે માસ આ વાયરસ મહત્તમ પ્રસરતો હોય છે.

કોઈને ડેંગ્યુ થયાનું અનુમાન ક્યારે થાય?
(1) ખૂબ તાવ આવે, 103 થી 105 સુધીનો
(2) સ્નાયુ,સાંધામાં દુખાવો થાય, માથાના આગળના ભાગે અને કમરમાં દુખાવો
(3) કોઈને ઓરી જેવા દાણાં શરીર પર નીકળે
(4) કોઈને ઉલ્ટી-ઉબકાં થાય
(5) આંખના ડોળા પાછળ દુખાવો થાય જે આંખ હલાવતા દુખે
(6) મોટાભાગનાને નબળાઈ, કળતરના લક્ષણો હોય આવા દર્દીના લોહીનો સાદો સીબીસી રિપોર્ટ કરાવતા પ્લેટલેટ્સ,વ્હાઈટ બ્લડ સેલ ઘટે તેના પરથી નિદાન થાય છે.

74,186 ઘરોમાં પોરાનાશક કામગીરી કરી
શહેર ભરમાં માથાના દુખાવા સમાન રોગચાળા દ્વારા ઉભા થતા જાહેર આરોગ્ય પડકારને પહોચી વળવા માટે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા તમામ સ્તરે પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. વાહક નિયંત્રણની કામગીરી હેઠળ 25થી 31 ઓક્ટોબર દરમિયાન પોરાનાશક કામગીરી હેઠળ 74,186 ઘરોમાં પોરાનાશક કામગીરી કરી છે તથા 6,143 ઘરોમાં ફોગિંગની કામગીરી કરી છે. રહેણાંક સહિત મચ્છર ઉત્પતિ સબબ 1141 આસામીને નોટિસ આપી રૂ.40,200નો વહિવટી ચાર્જ વસૂલાતની કામગીરી કરવામાં આવી છે.

મચ્છર જન્ય રોગો

રોગનું નામઅઠવાડિક પોઝિટિવ કેસચાલુ વર્ષમાં નોંધાયેલા કેસ
ડેન્ગ્યુ49273
મેલેરિયા145
ચિકનગુનિયા221