રાજકોટમાં સતત વરસાદી માહોલ વચ્ચે વરસાદી પાણી ભરાવા સહિતના કારણોએ ઠેર ઠેર મચ્છરોનો ઉપદ્રવ વધતા રોગચાળો પ્રસર્યો હોય તે રીતે પ્રવર્તમાન સપ્તાહે લાંબા સમયે મેલેરિયાના 3, ડેન્ગ્યુના 4 અને ચિકનગુનિયાના 1 એમ કુલ આઠ નવા કેસ જોવા મળ્યા છે. જ્યારે શરદી-ઉધરસના 307, ઝાડા-ઊલટીના 87 અને સામાન્ય તાવના 74 કેસ નોંધાયા છે.
મહાપાલિકાના આરોગ્ય તંત્ર દ્વારા ડેન્ગ્યુ, મેલેરિયા અને ચિકનગુનિયા સહિતના રોગોને નિયંત્રિત કરવા માટે સતત પ્રયાસો થઈ રહ્યા છે. સાપ્તાહિક રિપોર્ટ મુજબ મેલેરિયાના વધુ 3 કેસ જોવા મળતા કુલ આંક 13, ડેન્ગ્યુના 4 કેસ દેખાતા કુલ આંક 23 અને ચિકનગુનિયાનો વધુ એક કેસ જોવા મળતા કુલ આંક 10 સુધી પહોંચ્યો છે.
અન્ય રોગચાળામાં શરદી-ઉધરસના 307, સામાન્ય તાવના 74 અને ઝાડા -ઊલટીના 87 કેસ જોવા મળ્યા હતા. તંત્ર દ્વારા પોરાનાશક કામગીરી હેઠળ 16,341 ઘરમાં પોરાનાશક કામગીરી સાથે 991 ઘરમાં ફોગિંગ કરવામાં આવ્યું હતું. મચ્છર ઉત્પત્તિ સબબ તપાસ અંતર્ગત 656 આસામીને નોટિસ અપાઈ હતી અને અનેક વિસ્તારમાં ફોગિંગ કરાયું હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.