મચ્છરજન્ય રોગચાળાને નાથવા પ્રયાસ:રાજકોટના શાસ્ત્રીનગર, નાનામોવામાં ડેન્ગ્યુના કેસ નોંધાયા, મ્યુનિ.એ પાણીમાં પોરા મળતા 12 ઘરને નોટિસ આપી

રાજકોટ9 દિવસ પહેલા
 • કૉપી લિંક
લોકોના ઘરમાંથી મચ્છરના પોરા મળી આવ્યા. - Divya Bhaskar
લોકોના ઘરમાંથી મચ્છરના પોરા મળી આવ્યા.

રાજકોટના વોર્ડ નં. 11માં શાસ્ત્રીનગર, અજમેરા, નાનામોવા વિસ્તારમાં ડેન્ગ્યુના પોઝિટીવ કેસ મળી આવતા નાયબ આરોગ્ય અધિકારી પી.પી. રાઠોડના માર્ગદર્શન હેઠળ આજે પોરાનાશક, ફોગિંગ અને આરોગ્ય શિક્ષણની કામગીરી કરવામાં આવી હતી.. આ કામગીરી હેઠળ 153 ઘરમાં લોકોના ઘરોની અંદર પાણી ભરવાના તમામ પાત્રો ચકાસીને દવા છંટકાવની કામગીરી, ઇન્ડોર ફોગિંગની કામગીરી કરી હતી. તેમજ ટાયર, છોડના કુંડા, પક્ષીકુંજ, વોટરકુલર, ખાલી પ્લાસ્ટિક બોટલ, પ્લાસ્ટિકની ખુરશી વગેરેમાં જમા રહેલા પાણીમાં પોરા મળી આવતા 12 ઘરને નોટિસ આપવામાં આવી હતી.

આ ઉ૫રાંત રાજકોટ શહેરમાં ડેન્ગ્યુ, મેલેરિયા, ચિકુનગુનિયા નિયંત્રણ કામગીર હેઠળ 18 વોર્ડમાં 18 ટીમોમાં 18 સુપિરીયર ફિલ્ડવર્કર, 68 ફિલ્ડવર્કર, 90 વી.બી.ડી. વોલેન્ટીયરની ટીમ દ્વારા હાઈ રિસ્ક વિસ્તારમાં પોરાનાશક, ફોગિંગ, ખાડામાં દવા છંટકાવ, આરોગ્ય શિક્ષણની કામગીરી સઘન બનાવવામાં આવી છે. ચોમાસાની ઋતુમાં ઠેર ઠેર પાણી ભરાવાથી મચ્છરનો વધુ ઉપદ્રવ રહે છે. આથી મેલેરિયા, ડેન્ગ્યુ જેવા રોગો ફેલાવવાની સંભાવના રહે છે.

લોકોના ઘરમાં પોરાનાશક દવાની કામગીરી કરવામાં આવી.
લોકોના ઘરમાં પોરાનાશક દવાની કામગીરી કરવામાં આવી.

ડેન્ગ્યુથી બચવા આટલું જરૂર કરીએ

 • નાના બાળકો અને ગર્ભવતી મહિલાઓએ દિવસ દરમિયાન પણ મચ્‍છરદાનીમાં સૂવું
 • પાણી ભરવાના તમામ પાત્ર સિન્‍ટેક્ષની ટાંકી, બેરલ, કેરબા, અન્‍ય પાણી સંગ્રહના પાત્રો બંધ રાખો.
 • ટાયર, ભંગાર વગેરેનો નિકાલ કરો.
 • અગાશી અને છજ્જાના આઉટલેટ ખુલ્‍લા કરો.
 • ખૂબ જ તાવ, સાંધામાં દુ:ખાવો, માથામાં દુ:ખાવો લાગે તો તરત જ ડોક્ટરનો સંપર્ક કરો.
 • આરામ કરો, ખૂબ જ પ્રમાણમાં પ્રવાહી લો, સાદો ખોરાક લો તાવ હોય તો પેરાસીટામોલ લો.
 • ડેન્ગ્યુના મચ્છર ઉત્પન્ન થતા અટકાવવા પાણીના પાત્રો અને ટાંકાઓને ઢાંકણથી બંધ રાખો.
 • વોટરકુલર, એસી, ફ્રિજની ટ્રે, ફુલદાનીને નિયમિત સાફ કરો.
 • પ્રાણીઓના પાણી પીવાના પાત્રો તથા પક્ષીકુંજ નિયમિત સાફ કરવા.
 • બાંધકામના સ્થળોએ તથા છજા, છાપરા, અગાશીમાં પાણી ભરાય ન રહે તેની તકેદારી રાખવી.
 • મચ્છરને ઘરમાં પ્રવેશતા અટકાવવા બારણા અને બારીઓમાં મચ્છર જાળી લગાવો.
 • તાવ સાથે ડેન્‍ગ્‍યુના અન્‍ય લક્ષણોની રાહ ન જોવો.
 • ડેન્ગ્યુના તાવ માટે કોઈ ખાસ દવા નથી જેથી જાતે ઉપચાર ન કરવો.
 • એસ્‍પીરીન કે બ્રુફેન જેવી દવા ન લો.
 • એન્‍ટી બાયોટીક્સ ન લો.
 • તૂટેલા વાસણો, બિન ઉપયોગી બોટલો, ટીન, જૂના ટાયરો, ડિસ્પોઝેબલ ડબ્બા, કપ, ડીશ ગમે ત્યાં ન ફેંકવા કારણ કે આવા પાત્રોમાં પાણી જમા થવાથી એડીસ મચ્છર ઉત્પન્ન થાય છે. ડેન્ગ્યુ નિદાન માટે ફક્ત પ્લેટલેટની સંખ્યા ઉપર જ આધાર રાખવો નહીં.
 • ડેન્ગ્યુના તાવમાં ડોક્ટરની સલાહ સિવાય હોસ્પિટલમાં દાખલ થવાનો આગ્રહ રાખવો નહી, સામાન્ય રીતે ડેન્ગ્યુના દર્દીઓને હોસ્પિટલમાં દાખલ કરવાની જરૂરી હોતી નથી.
અન્ય સમાચારો પણ છે...