નવું જોખમ:રાજકોટમાં ડેન્ગ્યુ અને મલેરિયાએ માથું ઊંચક્યું, 6 માસમાં 17 જેટલા કેસ નોંધાયા, રોગચાળો અટકાવવા આરોગ્યની ટીમ શહેરમાં કાર્યરત થશે

રાજકોટ2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • આરોગ્યની ટીમ બેદરકારી બદલ શહેરીજનોને નોટીસ પણ આપશે
  • ચોમાસાની ઋતુમાં મિશ્ર વાતાવરણને કારણે ઋતુજન્ય રોગચાળો વકર્યો

હાલ ચોમાસાની ઋતુ ચાલી રહી છે. આથી મિશ્ર વાતાવરણને કારણે શહેરમાં ડેન્ગ્યુ, મેલેરિયા, ચિકનગુનિયા, ટાઈફોઈડ, કોલેરા, ઝાડા-ઉલ્ટી, વાયરલ તાવના કેસમાં વધારો થયો છે. જુલાઇ મહિનામાં ડેન્ગ્યુ, મેલેરીયા અને ચીકનગુનીયાના દોઢ ડઝન કેસ સત્તાવાર રીતે ચોપડા પર ચડયા છે. શહેરના ખાનગી દવાખાનાઓમાં પણ વાયરલ રોગચાળાના દર્દીઓની ભીડ દેખાઇ રહી છે તો મચ્છર તો દરેક વિસ્તારમાં અને ઘરે ઘરે દેખાતા હોય, ચાલુ મહિનામાં રોગચાળો વધુ માથુ ઉંચકે તેવી તંત્રને ભીતિ છે.

બેદરકારી બદલ નોટીસ પણ આપવામાં આવી રહી છે
મહાપાલિકાની આરોગ્ય અને મેલેરીયા શાખા દ્વારા ગત મહિનાથી મચ્છર પ્રતિરોધક કામગીરી શરૂ કરવામાં આવી છે. અલગ અલગ વિસ્તારમાં સર્વે કરીને લોકોને માર્ગદર્શન આપવા સાથે બેદરકારી બદલ નોટીસ પણ આપવામાં આવી રહી છે. જાન્યુઆરીથી ચાલુ ઓગષ્ટ મહિના સુધીમાં ડેંગ્યુના 19, મેલેરીયાના 16 અને ચીકનગુનીયાના એક દર્દીની નોંધ તંત્રના ચોપડે છે.

રોગચાળો અટકાવવા આરોગ્યની ટીમ શહેરમાં કાર્યરત થશે (ફાઈલ તસ્વીર)
રોગચાળો અટકાવવા આરોગ્યની ટીમ શહેરમાં કાર્યરત થશે (ફાઈલ તસ્વીર)

સિઝનલ રોગચાળાના કેસમાં પણ મોટો ઉછાળો આવ્યો
તેમાંથી જુલાઇ માસમાં જ ડેંગ્યુના 9, મેલેરીયાના 7 અને ચીકનગુનીયાના એક કેસ આવ્યા છે. એટલે કે પ્રથમ છ મહિનામાં જેટલા દર્દી નોંધાયા હતા તેના અડધા દર્દી જુલાઇમાં વધી ગયા છે. સાથોસાથ સિઝનલ રોગચાળાના કેસમાં પણ મોટો ઉછાળો આવ્યો છે. ચાલુ મહિનાના જ એક અઠવાડિયામાં શરદી,ઉધરસ, તાવના 573 કેસ આવી ગયા છે. છેલ્લા પખવાડીયાથી આ આંકડા પણ મોટા થઇ રહ્યા છે.

ખોરાકજન્ય રોગના કેસ પણ વધી રહ્યા છે
એક તરફ મનપાની ફૂડ શાખા વાસી ખાણીપીણીનો નાશ કરવા પણ તંત્ર કામે લાગ્યુ છે ત્યારે બીજી તરફ ખોરાકજન્ય રોગના કેસ પણ વધી રહ્યા છે. શહેરના જાણીતા ખાનગી ફિઝીશ્યનથી માંડી હોસ્પિટલોમાં પણ ઓપીડી વધી ગઇ છે. સરકારી હોસ્પિટલમાં ઓપીડી વધ્યાના અહેવાલ તાજેતરમાં જ બહાર આવ્યા હતા.

રોગચાળો અટકાવવા આરોગ્યની ટીમ શહેરમાં કાર્યરત થશે (ફાઈલ તસ્વીર)
રોગચાળો અટકાવવા આરોગ્યની ટીમ શહેરમાં કાર્યરત થશે (ફાઈલ તસ્વીર)

ડેંગ્યુની સાયકલ ફરી શરૂ થવાના અણસાર
આમ તો છેલ્લા દોઢ વર્ષથી કોરોનાની હાજરી વચ્ચે અન્ય રોગચાળો લગભગ નાબુદ જેવો થઇ ગયો છે. લોકો ખુબ તકેદારી રાખતા હોય અને લોકડાઉન, કફર્યુ સહિતના નિયમોમાં બંધાયેલા હોય, તે કારણે પણ આ સ્થિતિ સુધરી છે. બહારના ભોજનીયા અને ફરવાની પ્રવૃતિ ઓછી થતા લોકો ઘરનું ખાઇને બિમાર પણ ઓછા પડી રહ્યા છે. છતાં ચોમાસા વચ્ચે ચાલુ વર્ષે ડેંગ્યુની સાયકલ ફરી શરૂ થવાના અણસાર ગત મહિનેથી મળ્યા છે.

મચ્છર કરડયા બાદ 7 થી 10 દિવસમાં ડેંગ્યુના લક્ષણો દેખાય છે
આરોગ્ય અને મેલેરીયા વિભાગની ટીમ દ્વારા લોકોને સતત માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે. વરસાદ અટકે તે બાદ સ્વચ્છ પાણીમાં એડીસ મચ્છર ઇંડા મુકે છે. 7 થી 10 દિવસમાં આ મચ્છરના વાયરસ માનવ શરીરમાં વિકસતા જાય છે. મચ્છર કરડયા બાદ 7 થી 10 દિવસમાં ડેંગ્યુના લક્ષણો દેખાય છે. સામાન્ય રીતે વરસાદના 14 થી 20 દિવસ બાદ ડેંગ્યુનો ફેલાવો શરૂ થાય છે. આ ભય એટલે પણ વધ્યો છે કે તમામ વિસ્તારમાં હાલ મચ્છરનો ઉપદ્રવ હોય છે.

તમામ જગ્યા સાફ રાખવા કમિશનરે અપીલ કરી
પક્ષીકુંજ, કુંડા, ટાયર, સીમેન્ટની ટાંકી, ટ્રે, ભંગાર, નળની કુંડી, અગાસી, છજજા, સીડી નીચેના ટાંકામાં મચ્છરો જન્મ લેતા હોય, આ તમામ જગ્યા સાફ રાખવા કમિશનર અમિત અરોરા અને નાયબ કમિશનર આશિષકુમારે લોકોને અપીલ કરી છે. દર રવિવારે સવારે 10 કલાકે માત્ર 10 મિનિટ ઘરની આસપાસના 10 મીટરના વિસ્તારમાં આવી સફાઇ કરવાથી લોકો વાહકજન્ય રોગથી બચશે તેમ જણાવ્યું છે.

ડેંગ્યુના લક્ષણો

  • સખત તાવ
  • માથા અને કમરમાં દુ:ખાવો
  • સ્નાયુ અને સાંધાનો દુ:ખાવો
  • છાતી અને હાથ પર ઓરી જેવા દાણા
  • ઉબકા-ઉલ્ટી