રાજકોટ મહાનગરપાલિકા દ્વારા રાજકોટ શહેરને સ્માર્ટ સિટી અંતર્ગત મૂવમેન્ટ સરળ થાય તથા રાહદારીઓને થતી મુશ્કેલીઓના નિવારણ માટે શહેરમાં આવેલા મુખ્ય 48 માર્ગો પર વન વીક, વન રોડ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. જેમાં આજે સેન્ટ્રલ ઝોનના ઢેબરભાઈ રોડ ખાતે અલગ અલગ શાખા દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી હતી. જેમાં ટાઉન પ્લાનિગ શાખાએ ડિમોલિશન હાથ ધરી 970 ચોરસ ફૂટ પાર્કિંગની જગ્યા ખુલ્લી કરાવી હતી. વેરા વસુલાત શાખાએ 106 આસામીઓ પાસેથી 35,15,000 રૂપિયાનો વેરો વસૂલ્યો હતો.
ટાઉન પ્લાનિંગ શાખાની કામગીરી
શહેરના સેન્ટ્રલ વિસ્તારના વોર્ડ નં. 7, 14 અને 17માં સમાવિષ્ટ આર.એમ.સી. ચોકથી નારાયણનગર આરોગ્ય કેન્દ્ર સુધીના રોડ પરના પાર્કિંગ તથા માર્જીનમાં થયેલા દબાણો, ગેરકાયદેસર બાંધકામ દૂર કરવા ડિમોલિશન હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં 4 સ્થળ મેસોનિક હોલ, સિલ્વર પમ્પસ એન્ડ મોટર્સ, કોઠારી એન્ડ કંપની અને શ્યામ રેસ્ટોરન્ટમાં દબાણ દૂર કરી અંદાજે 970 ચોરસ ફૂટ પાર્કિંગની જગ્યા ખુલ્લી કરવામાં આવી હતી.
વેરા વસુલાત શાખાની કામગીરી
વેરા-વસુલાત શાખા દ્વારા વોર્ડ નં. 7, 17 અને 17માં વૃંદા આર્કેડ, સદગુરુ કોમ્પલેક્સ, નવકાર કોમ્પલેક્સ, ગોકુલ ચેમ્બર, લાભ ચેમ્બર, પારેખ ચેમ્બર, વી.વી. કોમ્પલેક્સ, સહજાનંદ કોમ્પલેક્સ, શ્રીમદ ભવન, ઢેબર કોલોની, વગેરેમાંથી કુલ 71 મિલકતો પાસેથી કુલ રૂ. 34 લાખ 14 હજાર રૂપિયાના મિલકત વેરાની વસુલાત કરવામાં આવી હતી. તેમજ કુલ 113 મિલકતોને રિક્વિઝેશન નોટિસ આપવામાં આવી હતી. તેમજ 35 આસામીઓ પાસેથી કુલ રૂ.1 લાખ 1 હજારની વ્યવસાય વેરાની વસુલાત કરવામાં આવી હતી. જ્યારે વ્યવસાય વેરા માટે કુલ 135 આસામીઓને સુનાવણી નોટિસ આપવામાં આવી છે. આમ કુલ 106 આસામીઓ પાસેથી કુલ 35 લાખ 15 હજાર રૂપિયાના વેરાની વસુલાત કરવામાં આવી હતી.
ફૂડ શાખાની કામગીરી
ઢેબરભાઈ રોડ પર ખાદ્યચીજોની ચકાસણી હાથ ધરવામાં આવી હતી. જેમાં કુલ 28 ફુડ બિઝનેસ ઓપરેટરની ચકાસણી કરવામાં આવી હતી. ચકાસણી દરમિયાન વાસી પ્રિપેર્ડ ફૂડ, બાંધેલ વાસી લોટ મળી કુલ 12 કિલો જેટલો જથ્થો સ્થળ પર નાશ કરવામાં આવ્યો હતો અને 10 પેઢીને લાયસન્સ તેમજ હાઇજીન બાબતે નોટિસ આપી હતી. આ ઉપરાંત ઢેબર રોડ પર આવેલી શ્રીજી પ્રસાદમ નામની દુકાનમાંથી ચણા મસાલા, શ્યામ રેસ્ટોરન્ટમાંથી ઉંધીયાનો નમૂનો લેવામાં આવ્યો હતો. ગુરૂનાનક અનાજ ભંડારમાંથી તીન એક્કા રિફાઇન્ડ સોયાબીન તેલના લેવામાં આવેલા નમૂના ફેલ જાહેર કરવામાં આવ્યા છે.
દબાણ હટાવ શાખાની કામગીરી
દબાણ હટાવ શાખા દ્વારા ઢેબરભાઈ મેઈન રોડ પરથી નડતરરૂપ અને અનધિકૃત દબાણો દૂર કરવામાં આવ્યા હતા. જેમાં 1 કેબિન જપ્ત કરવામાં આવી હતી. તેમજ 10 પરચુરણ સામાન જપ્ત કરાયો હતો. આ ઉપરાંત 118 બોર્ડ-બેનર અને 25 ઝંડી જપ્ત કરવામાં આવી હતી.
સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ શાખાની કામગીરી
ઢેબરભાઈ મેઈન રોડ પર જાહેરમાં કચરો ફેકનાર કે ગંદકી કરવા અંગે 8 આસામી પાસેથી 2000, કચરાપેટી કે ડસ્ટબીન ન રાખવા અંગે 4 આસામી પાસેથી 2000, પ્રતિબંધિત પ્લાસ્ટિક રાખવા કે ઉપયોગ કરવા અંગે 11 આસામી પાસેથી 4000નો વહીવટી ચાર્જ વસુલવામાં આવ્યો હતો અને 2.25 કિલો પ્રતિબંધિત પ્લાસ્ટિક જપ્ત કરવામાં આવ્યું હતું. વેસ્ટ નાખવા અંગે 1 આસામી પાસેથી 1000નો વહીવટી ચાર્જ વસુલવામાં આવ્યો હતો. તેમજ વોર્ડના 2 પબ્લિક ટોઇલેટની સફાઈ, 1 વોંકળાની સફાઈ તેમજ 2000 મીટર જેટલા રોડ ડીવાઈડરની સફાઈ કરવામાં આવી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.