રાજકોટ જિલ્લા કલેક્ટર અરુણ મહેશ બાબુના માર્ગદર્શન હેઠળ સરકારી ખરાબાની જમીન ઉપર ગેરકાયદે બાંધકામ કરાયેલા કોમર્શિયલ બાંધકામોનું ડિમોલીસન કરીને જગ્યાઓ દબાણમુક્ત કરવામાં આવી રહી છે. આજ રોજ રાજકોટના સાધુ વાસવાણી રોડ પર સરવે નં. 318માં પ્લોટ નં. 697ની 200 ચોરસ મીટર કોમર્શિયલ બાંધકામ, પ્લોટ નં. 698ની 245 ચોરસ મીટર કોમર્શિયલ બાંધકામ અને પ્લોટ નં. 697ની 150 ચોરસ મીટર જમીનની સરકારી ખરાબાની કિંમતી જગ્યા ઉપર ગેરકાયદે બાંધકામ કરાયેલા ગેરેજ અને અન્ય બાંધકામો એમ થઈને 4 જેટલી ઓરડીઓનું ડિમોલિશન કરવામાં આવ્યું હતું. અંદાજિત 4 કરોડની કિંમતની 600 ચોરસ મીટર જેટલી સરકારી જમીન ખાલી કરાવવામાં આવી છે.
દબાણકર્તાઓને અગાઉ નોટિસ પાઠવવામાં આવી હતી
આ તકે પશ્ચિમ મામલતદાર જાનકી પટેલે જણાવ્યું હતું કે, આ જગ્યાના દબાણકર્તાઓને અગાઉ પણ નોટિસ પાઠવવામાં આવી હતી. પરંતુ તેઓએ ધ્યાને ન દેતા ગેરકાયદે થયેલા બાંધકામોને ખાલી કરવા ડિમોલિશન હાથ ધરવામાં આવ્યું છે. ખાલી કરાયેલી જમીન પર ફરીવાર દબાણ થાય તો દબાણકર્તા વિરૂદ્ધ ગુજરાત લેન્ડ ગ્રેબિંગ એક્ટ-2020 અન્વયે કાર્યવાહી કરવામાં આવશે.
શહેરની 8 હોસ્પિટલમાં મોકડ્રીલ યોજાઈ
રાજકોટ મહાનગરપાલિકાની ફાયર એન્ડ ઈમરજન્સી શાખા દ્વારા ગઇકાલે ચીફ ફાયર ઓફિસર આઇ.વી.ખેર અને ડે.ચીફ ફાયર ઓફિસર બી.જે. ઠેબાના માર્ગદર્શન હેઠળ શહેરની 8 હોસ્પિટલો ખાતે ફાયર સેફ્ટી અંગે મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં આશુતોષ હોસ્પિટલ, પ્રભુ કૃપા હોસ્પિટલ, દેવ હોસ્પિટલ, ઈશા હોસ્પિટલ, સિનર્જી હોસ્પિટલ, વિનસ હોસ્પિટલ, વ્રજ હોસ્પિટલ અને જીનેસીસ હોસ્પિટલનો સમાવેશ થાય છે.
હોસ્પિટલ સ્ટાફને આગ બૂઝાવવા અંગે માહિતી આપી
મોકડ્રીલ દરમિયાન હોસ્પિટલોમાં ડોક્ટર તથા નર્સિંગ સ્ટાફ અને અન્ય સ્ટાફને ફાયર એન્ડ ઈમરજન્સી વિભાગના સ્ટાફ દ્વારા હોસ્પિટલમાં આગ લાગે ત્યારે શું કરવું અને શું ન કરવું જોઇએ તેમજ આગ બૂઝાવવા માટેનાં સાધનો તથા ફાયરના સાધનોનો ઉપયોગ કેવી રીતે કરવો અને દર્દીઓને કઈ રીતે બચાવવા તે અંગે મોકડ્રીલનું આયોજન કરવામા આવ્યું હતું.
વેરા વસુલાત શાખાની વર્ષ 2022-23ની રિકવરી ઝુંબેશ
રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનની વેરા વસુલાત શાખા દ્વારા વર્ષ 2022-23ની રિકવરી ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. જેમાં સેન્ટ્રલ ઝોન દ્વારા કુલ 6 મિલ્કતો સીલ કરવામાં આવી છે અને 23 મિલ્કતોને ટાંચ જપ્તી નોટિસ આપી છે. તેમજ 8.02 લાખની રિકવરી કરવામાં આવી છે. વેસ્ટ ઝોન દ્વારા 28 મિલ્કતોને ટાંચ જપ્તી નોટિસ આપવામાં આવી છે અને 9.27 લાખ રિકવરી કરવામાં આવી છે. ઇસ્ટ ઝોન દ્વારા 2 મિલ્કતોને સીલ કરવામાં આવી છે. તેમજ 22 મિલ્કતોને ટાંચ જપ્તી નોટીસ આપીને 12.74 લાખની રિકવરી કરવામાં આવી છે.
આજે છઠ્ઠા દિવસે પીજીવીસીએલના વીજચોરી પર દરોડા
આજે સતત છઠ્ઠા દિવસે પીજીવીસીએલની 97 ટીમ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. જેમાં પોલીસ અને વીડિયો ગ્રાફરો સાથે રાખી રાજકોટ, સુરેન્દ્રનગર અને જામનગર સર્કલ વિસ્તારમાં વીજચોરી અટકાવવા દરોડા કામગીરી કરવામાં આવી રહી છે. ગઈકાલે મેટોડા બાદ આજે વહેલી સવારથી 34 ટીમે પારડી, કુવાડવા, ત્રંબા ઉપરાંત 17 ગામમાં ચેકિંગ શરૂ કર્યુ છે. આ ઉપરાંત જામનગર સર્કલમાં જામનગર શહેર-રૂરલ નગરસીમ સબ ડિવિઝન ક્ષેત્રમાં 25 ટીમે તો સુરેન્દ્રનગર સર્કલમાં લીંબડી શહેર, રૂરલ, ચુડા, સાયલા, પાણશીણામાં 3 ટીમે દરોડા પાડ્યા છે. ગઈકાલે મેટોડામાં 35 લાખની વીજચોરી ઝડપાઇ હતી અને કુલ 5 દિવસમાં પોણા ત્રણ કરોડની વીજચોરી ઝડપાઇ છે. જેમાં અંદાજે 600થી વધુ કનેક્શનમાં ડાયરેકટ ચોરી પકડાઇ છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.