ખાદ્યતેલના ભાવ વધતા PMને પત્ર:આયાત પરના નિયંત્રણો ફરી લાગુ કરવા ગુજરાત રાજ્ય ખાદ્યતેલ અને તેલિબીયા એસો.ની માગ

રાજકોટ9 દિવસ પહેલા
  • કૉપી લિંક
ગુજરાત રાજ્ય ઓઇલ એન્ડ ઓઇલ સીડ્સ એસોસિએશનના પ્રમુખ સમીર શાહે વડાપ્રધાનને પત્ર લખ્યો. - Divya Bhaskar
ગુજરાત રાજ્ય ઓઇલ એન્ડ ઓઇલ સીડ્સ એસોસિએશનના પ્રમુખ સમીર શાહે વડાપ્રધાનને પત્ર લખ્યો.
  • ખેડૂતો મગફળી અને રાયડો વધુને વધુ ઉગાડે તે માટે પ્રોત્‍સાહિત કરવા જોઇએ

ગુજરાત રાજ્ય ખાદ્યતેલ અને તેલિબિયા એસોસિએશનના પ્રમુખ સમીર શાહે વડાપ્રધાન મોદીને એક પત્ર લખ્યો છે. જેમાં જણાવ્‍યું છે કે, આપણા ઘર આંગણના તેલિબિયા ઉત્‍પન કરતા ખેડૂતો અને ખાદ્યતેલ ઉત્‍પન કરતા ઉદ્યોગોના સંરક્ષણ માટે ફરીથી ઇમ્‍પાર્ટ નિયંત્રણો લાદવાની જરૂર છે. એટલુ જ નહીં ખેડૂતો મગફળી અને રાયડો વધુને વધુ ઉગાડે તે માટે પ્રોત્‍સાહિત કરવા જોઇએ. જેથી ખાદ્યતેલની આયાતનો પ્રશ્ન જ ન રહે.

ખાદ્યતેલની જરૂરિયાત સંતોષવા આપણે અન્ય દેશો પર નિર્ભર
પત્રમાં તેમણે વધુમાં જણાવ્‍યું છે કે, હાલમાં અનેક કારણોને લીધે આંતરરાષ્‍ટ્રીય બજારમાં ખાદ્યતેલના ભાવો ઘણાં ઉંચા રહ્યા છે. જેને કારણે આપણા દેશમાં પણ બધા ખાદ્યતેલના ભાવો ઉંચા રહ્યા છે. કારણ કે આપણે આપણી ખાદ્યતેલની જરૂરિયાત સંતોષવા અન્‍ય દેશો પર મોટાપાયે નિર્ભર છીએ. ખાદ્યતેલના વધતા ભાવથી ચિંતિત થઇ કેન્‍દ્ર સરકારે ઘણા પગલા લીધા છે. જેવા કે 4થી 5 વખત આયાત ડ્યુટી ઘટાડવી, રિફાઇન્‍ડ પામોલીન તેલ કે જે અત્‍યારસુધી નિયંત્રિત આયાતી કોમોડિટીની કેટેગરીમાં હતું તેને ફ્રી કેટેગરીમાં લીધુ. ખાદ્યતેલ તેલિબીયાના વેપાર પર સ્‍ટોક નિયંત્રણો નાખ્‍યા. પરંતુ કેન્‍દ્ર સરકારનો આ એકપણ પ્રયાસ સફળ થયો નહીં અને આંતરરાષ્‍ટ્રીય બજાર ઉંચા જવાના કારણે આપણે ત્‍યાં પણ ખાદ્યતેલોના ભાવ ઉંચા રહ્યાં.

અછતમાં ઝૂકી જવાને બદલે કડક અને મક્કમ વલણની જરૂર હતી
જેમ આપણે આપણી ખાદ્યતેલની જરૂરિયાત સંતોષવા અમુક દેશો પર નિર્ભર છીએ તેમ તે દેશો પણ પોતાની પાસે રહેલા વધારાના ખાદ્યતેલના જથ્‍થાની નિકાસ કરી, પોતાનું અર્થતંત્ર ટકાવી રાખવા ભારતીય માર્કેટ પર નિર્ભર છે. આથી આવા અછતના સમયમાં તેમની સામે તદન ઝૂકી જવા કરતા થોડું કડક અને મક્કમ વલણ દાખવ્‍યું હોત તો તેઓ પણ મહદઅંશે આપણી શરતો મુજબ સહમત થયા હોત. છેલ્લા પાંચેક દિવસથી મલેશિયાની પામોલીન બજાર અને શિકાગોની સોયાબીન તેલ બજારમાં મોટો ઘટાડો આવ્‍યો છે ત્‍યારે હવે આપણે ત્‍યાં પણ વિવિધ ખાદ્યતેલના ભાવો ઘટ્યા છે.

આપણે આયાત ડ્યુટી વધારવાની જરૂરિયાત છે
આ ‌ઉપરાંત ચાલુ માસના અંત સુધી આપણા બંદરો પર મોટાપાયે સોયાબીન તેલ આવવાનું છે. આ ઉપરાંત ઇન્‍ડોનેશિયાએ પામોલીન તેલની નિકાસ પર મુકેલા નિયંત્રણો હળવા કરવાની અથવા તો સંપૂર્ણપણે ઉઠાવી લેવાની તૈયારીમાં છે અને મલેશિયામાં પામોલીન ઉત્‍પાદનમાં આગામી માસમાં વધારો થવાનો છે તે સમયે આપણો દેશ આયાતી ખાદ્યતેલોના ડમ્‍પિંગ માટેનું મોકળું મેદાન ન બની જાય તે જોવું જરૂરી છે. અત્‍યારસુધી જ્યારે જ્યારે આપણે આયાત ડ્યુટી ઘટાડી ત્‍યારે વિદેશી માર્કેટ વધી અને આપણે ત્‍યાં ખાદ્યતેલોના ભાવો ઘટ્યા નહીં. તેવી જ રીતે હવે જો આપણે આયાત ડ્યુટી વધારીશું તો આપણી માર્કેટના સ્‍તર અનુસાર વિદેશી માર્કેટોએ ઘટવું પડશે.

રશિયા-યુક્રેન યુદ્ધને કારણે સૂર્યમુખીની આયાત બંધ
છેલ્લા ત્રણેક માસથી રશિયા-યુક્રેન યુદ્ધને કારણે સૂર્યમુખીની આયાત બંધ જેવી જ છે. તેમજ છેલ્લા ઘણા મહિનાઓથી ઇન્‍ડોનેશિયા પામોલીન તેલની નિકાસ પર કોઇને કોઇ પ્રકારના નિયંત્રણો મુકતું આવ્‍યું છે અને એપ્રિલ અંતથી તો તેમણે એટલે નિકાસ પર અંત મુક્યો છે. આપણે ત્‍યાં કહેવાતા એનાલીસ્‍ટો અને તજજ્ઞો આપણા દેશમાં ખાદ્યતેલની ભયંકર ખાદ્ય સર્જાશે અને તેના ભાવોમાં અસહ્ય વધારો થશે તેવી આગાહી કરતા હતા, પણ તેવું કંઇ જ થયુ નથી. આજના દિવસે તમામ પ્રકારના ખાદ્યતેલો આપણે ત્‍યાં મળી રહે છે. તેમજ અન્‍ય દેશોની તુલનાએ આપણા દેશમાં ઓછો ભાવ વધારો થયો છે. આનું કારણ આપણે ત્‍યાં મગફળી અને રાયડો જેવા તેલિબીયાનું સારૂ ઉત્‍પાદન છે. આ બંને તેલિબીયામાંથી ઉત્‍પન્‍ન થતા તેલોએ આયત ખાદ્ય પુરી કરી છે તે પરથી સાબિત થાય છે કે આપણે અત્‍યારસુધીમાં આપણી ખાધ કરતા વધુ આયાત કરતા હતા.

આપણા ખેડૂતો પાસે સોયાબીન તથા રાયડો સારા પ્રમાણમાં પડ્યો છે
અત્‍યારે આપણા બંદરો પર સોયાબીન તેલનો મોટો જથ્‍થો આવકમાં છે. આપણા ખેડૂતો પાસે સોયાબીન તથા રાયડો સારા પ્રમાણમાં પડ્યો છે. દેશના ઘણા રાજ્યોમાં ઉનાળુ મગફળીનો પાક વાવવાની તૈયારીમાં છે ને જરૂર પડ્યે ઇન્‍ડોનેશિયા, મલેશિયાથી પામોલીન તેલનો જથ્‍થો ત્‍વરીત મળી શકે તેમ છે. વળી સમસયર અને સારા ચોમાસાની આગાહીને કારણે લોકોના સેન્‍ટીમેન્‍ટ બદલાયા છે. આપણા સ્‍થાનિક તેલિબીયા જેવા કે મગફળી અને રાયડો બંનેમાં તેલની ટકાવારી ઘણી ઉંચી છે. તેમજ તેમાંથી બનતું ખાદ્યતેલ રિફાઇન્‍ડ કર્યા વગર ઉપયોગમાં લઇ શકાય છે અને તે ઉંચી ગુણવત્તાવાળુ છે. માટે આ તેલિબીયાના વાવેતરને જેમ વધુ પ્રોત્‍સાહિત કરીશું તેમ આપણી ખાદ્યતેલની અન્‍ય દેશો પરની નિર્ભરતા ઓછી થતી રહેશે.