રાજકોટ બન્યું હિલ સ્ટેશન:શહેરમાં ગાઢ ધુમ્મસ છવાયું, સતત બીજા દિવસે વરસાદી છાંટા પડ્યા, ધુમ્મસના કારણે દિલ્હી-રાજકોટ ફલાઇટ લેન્ડ ન થઈ શકી

રાજકોટ14 દિવસ પહેલા
દિવસભર વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું
  • જીરૂ, ચણા, ઘઉં, ધાણા સહિત શિયાળુ પાકને નુકસાન થશે
  • ઠંડો પવન ફૂંકાયો, વિઝીબિલિટી ઘટતા વાહનચાલકોમાં પરેશાની

હવામાન વિભાગ દ્વારા ગઈકાલથી બે દિવસ સુધી રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. આજે સતત બીજા દિવસે રાજકોટમાં વહેલી સવારથી વાદળછાયું વાતાવરણમાં વરસાદી છાંટા પડ્યા હતા. વાદળીયા વાતાવરણમાં ઠંડક સાથે ધીમી ધારે વરસાદ વરસતા રાજકોટીયન્સ મુંજાયા હતા અને સ્વેટરની સીઝનમાં રેઇનકોટ અને છત્રી કાઢ્યાં હતા.

દિલ્હી-રાજકોટ ફલાઇટને અસર થઈ
ઉલ્લેખનીય છે કે ધુમ્મસના કારણે દિલ્હી-રાજકોટ ફલાઇટને અસર થઈ છે. જેને પગલે સ્પાઈસ જેટની દિલ્હી-રાજકોટની ફ્લાઇટ રાજકોટ એરપોર્ટ પર લેન્ડ થઈ શકી નથી. ફ્લાઇટને અમદાવાદ ડાયવર્ટ કરવામાં આવી છે. હજુ સુધી ઇન્ડિગોની દિલ્હી રાજકોટ ફ્લાઇટ ટેક ઓફ થઈ નથી.

શિયાળુ પાકમાં નુકસાનીની ભીતિ
કમોસમી વરસાદથી શિયાળુ પાકમાં નુકસાનીની ભીતિ સેવાતા ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે.વહેલી સવારથી ગાઢ ધુમ્મસ છવાઈ જતા. વિઝીબિલિટી ઘટતા હાઈવે પર પસાર થતા વાહનચાલકોને પરેશાની થઈ હતી અને પોતાના વાહનોની લાઇટ ચાલુ રાખવાની ફરજ પડી હતી. તેમજ સવારમાં ઠંડો પવન ફૂંકાતા લોકોએ પણ ઘરની બહાર નીકળવાનું ટાળ્યું હતું.

ગઈકાલે વરસાદી છાંટા પડતા ઠંડીનું પ્રમાણ વધ્યું.
ગઈકાલે વરસાદી છાંટા પડતા ઠંડીનું પ્રમાણ વધ્યું.

ગઈકાલે વરસાદને કારણે ઠંડીનું જોર વધ્યું
હવામાન વિભાગના જણાવ્યાનુસાર, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પાવરફુલ હોવાને કારણે વાતાવરણમાં પલટો આવ્યો છે. ગઈકાલે શહેરના 150 ફૂટ રિંગ રોડ, જંક્શન, યાજ્ઞીક રોડ, રોસકોર્સ રિંગ રોડ, કાલાવડ રોડ, મોરબી રોડ સહિત તમામ વિસ્તારોમાં છાંટા પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી. આથી ઠંડીનું જોર વધ્યું છે. તેમજ પવન પણ ફૂંકાઈ રહ્યો હોવાથી લોકો ગુલાબી ઠંડીનો અનુભવ કરી રહ્યા છે. રાજકોટ શહેરમાં 15 દિવસમાં બીજીવાર કમોસમી વરસાદ વરસ્યો છે. આજે પણ વરસાદની આગાહી છે ત્યારે ખેડૂતોને જીરૂ, ચણા, ધાણા, ઘઉંના પાકમાં નુકસાન થવાની ભય સતાવી રહ્યો છે.

મગફળી ન પલળે તે માટે યાર્ડનો મહત્વનો નિર્ણય
રાજકોટ માર્કેટ યાર્ડ દ્વારા ખેડૂતોના હિતમાં મહત્વનો નિર્ણય લીધો છે. યાર્ડના સત્તાધિશોએ નિર્ણય કર્યો છે કે, ખેડૂતો ઓનલાઈન રજીસ્ટ્રેશન કરીને જ મગફળી યાર્ડમાં લાવી શકશે. જોકે 150 ખેડૂતોને ટોકન આપવામાં આવ્યા છે. ઓનલાઈન રજીસ્ટ્રેશન બાદ ખેડૂતોને ટોકન આપવામાં આવે છે. જે ખેડૂતને ટોકન આપવામાં આવે તે જ ખેડૂત મગફળી લાવી શકશે. ખેડૂતોની મગફળી ન પલળે તે માટે યાર્ડના સત્તાધિશોએ મહત્વનો નિર્ણય લીધો છે.

અન્ય સમાચારો પણ છે...