દિલ્હી-રાજકોટ-દિલ્હી સ્પાઈસ જેટની સવારની ફલાઈટ આગામી તા. 17 જાન્યુઆરીથી 26 જાન્યુઆરી સુધી કેન્સલ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. જેમાં કુલ 10 દિવસ ફલાઈટ રદ થવાના કારણમાં દિલ્હી ખાતે 26 જાન્યુઆરીની પરેડના રિહર્સલ માટે 10 દિવસ એરપોર્ટ પર ફલાઈટ ઓપરેટ થઈ શકે તેમ નહીં હોવાથી દિલ્હી સેવામાં કાપ લાદવામાં આવ્યો હોવાનું કહેવામાં આવી રહ્યું છે. જેના કારણે આગામી તારીખ 17 થી 26 જાન્યુઆરી સુધી સવારથી બપોર સુધી રાજકોટ એરપોર્ટ સુમસામ બનશે. જયારે બીજી તરફ રાજકોટ થી ગોવા જતી ડેઇલી ફ્લાઇટ પણ આગામી 21 જાન્યુઆરીથી માર્ચ માસ સુધી કેન્સલ કરવામાં આવી છે પરિણામે ગોવા જવા ઈચ્છુક પ્રવાસીઓને અમદાવાદ અથવા મુંબઈ જવુ પડશે.
12મીએ પતંગ મહોત્સવ યોજાશે, દેશ-વિદેશના 99 પતંગબાજો ભાગ લેશે
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આગામી તારીખ 12 જાન્યુઆરીના રોજ સવારે 09:30 કલાકે ધર્મેન્દ્રસિંહજી કોલેજના ગ્રાઉન્ડ ખાતે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ 2023 યોજાશે. જેનું દીપ પ્રાગટ્ય રાજ્યસભાના સાંસદ રામ મોકરીયાનાં હસ્તે કરવામાં આવશે. આ પતંગ મહોત્સવમાં 16 દેશોના 41 કાઈટીસ્ટો જેમકે, ઇન્ડોનેશિયા, મલેશિયા, પોલેન્ડ, નેધરલેન્ડ અને સાઉથ આફ્રિકા જેવા દેશના પતંગબાજો તેમજ ભારતના 7 રાજ્યોમાંથી રાજસ્થાન, સિક્કિમ, મધ્યપ્રદેશ, પોંડીચેરી, તેલંગણા કર્ણાટક અને ઓડીશાના 18 તેમજ રાજકોટ સહીત ગુજરાતના 99 પતંગબાજો ભાગ લેનાર છે. આ સાથે G20 સમિટનો પણ બહોળો પ્રચાર-પ્રસાર કરવામાં આવશે.
એક સપ્તાહમાં રખડતા 235 પશુઓ ડબ્બે પુરાયા
રાજકોટ શહેરમાં જ્યાં જુઓ ત્યાં માર્ગ વચ્ચે અડીંગો જમાવીને બેસતા રઝળતા ઢોરની સમસ્યા વિકટ બનતી હોય છે. અત્ર તત્ર સર્વત્ર ઢોરના અડીંગા વાહન ચાલકો માટે તો અવરોધરૂપ બને છે પણ ચાલીને જતા રાહદારી માટે જોખમરૂપ છે. કયારેક તો બે આખલાની લડાઇનો નિર્દોષ લોકો ભોગ બનતા હોય છે જેથી મનપા તંત્રએ આ ઢોરોને યોગ્ય જગ્યાએ મોકલવાની અને જનતાને ઢોરના ત્રાસમાંથી મુકત કરવાની ઝુંબેશ શરુ કરી છે. જેના ભાગરૂપે એક સપ્તાહમાં રખડતા અને અડચણરૂપ 235 પશુઓને પકડવામાં આવ્યા છે.
આરોગ્યના દરોડા યથાવત,તેલનું સેમ્પલ લેવામાં આવ્યું
રાજકોટ મ્યુનિ. કોર્પોરેશન દ્વારા ખાદ્યતેલના નમુના લેવાનું ચાલુ રાખવામાં આવ્યું છે. જ્યાં આજે ચુનારાવાડ શેરી નં.4માં આવેલ નિતા’સ યુનિટમાંથી સ્વસ્તિક રીફાઇન્ડ કપાસીયા તેલનું સેમ્પલ લઇ પરીક્ષણ માટે મોકલવામાં આવ્યું છે. જયારે નાના મવા રોડ પર 29 ખાણીપીણીના ધંધાર્થીને ત્યાં ચેકીંગ કરવામાં આવ્યું હતું. જે જગ્યાએ લાયસન્સ માટે નોટીસ આપવામાં આવી તેમાં પટેલ સુપર માર્કેટ આશુતોષ દાલ બાટી ખોડિયાર પાન કોલ્ડ્રિંકસ અને જય સીયારામ સીઝન સ્ટોર્સનો સમાવેશ થાય છે. નોંધનીય છે કે મનપા સોલીડ વેસ્ટ શાખા દ્વારા વેસ્ટ ઝોનમાં પ્રતિબંધિત પ્લાસ્ટીક અને ઝબલા જપ્ત કરવા ઝુંબેશ ચાલુ છે. આજે સત્યસાંઇ રોડ, રૈયા રોડ, પંચવટી વગેરે રસ્તા પરની દુકાનોમાં ચેકીંગ કરાતા વધુ 4.50 કિલો પ્લાસ્ટીક જપ્ત થયું હતું જે બદલ 11 વેપારી પાસેથી રૂા. 4500ની વસુલાત કરવામાં આવી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.