રણજી ટ્રોફીમાં સૌરાષ્ટ્રનો દબદબો:દિલ્હીનો ધબડકો, પ્રથમ ઓવરમાં હેટ્રિક લેનાર પ્રથમ બોલર બની જયદેવ ઉનડકટે કર્યો રેકોર્ડ

રાજકોટએક મહિનો પહેલા
  • કૉપી લિંક
સૌરાષ્ટ્ર-દિલ્હી વચ્ચે રણજી ટ્રોફીનો મુકાબલો શરૂ થયો છે - Divya Bhaskar
સૌરાષ્ટ્ર-દિલ્હી વચ્ચે રણજી ટ્રોફીનો મુકાબલો શરૂ થયો છે

રાજકોટ જામનગર રોડ પર આવેલ ખંઢેરી ખાતે સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમ પર આજથી સૌરાષ્ટ્ર-દિલ્હી વચ્ચે રણજી ટ્રોફીનો મુકાબલો શરૂ થયો છે. જેમાં દિલ્હીએ ટોસ જીતી પ્રથમ બેટિંગ કરવા નિર્ણય કર્યો હતો. જો કે મેદાન પર ઉતરતાની સાથે જ દિલ્હીનો ધબડકો થયો હોય તેવી રીતે તેણે માત્ર 16 રનમાં જ સાત વિકેટ ગુમાવી દીધી હતી. સૌરાષ્ટ્ર વતી કેપ્ટન જયદેવ ઉનડકટે મેચની પ્રથમ ઓવરમાં જ હેટ્રિક મેળવી દિલ્હીની હાલત ખરાબ કરી દીધી હતી. જયદેવે હેટ્રિકની સાથે જ કુલ 8 વિકેટ મેળવી લીધી છે અને એક રેકોર્ડ સ્થાપિત કર્યો છે.

ઉનડકટ સામે આઉટ થઈ ગયા
દિલ્હી વતી ઈનિંગની શરૂઆત ધ્રુવ શૌર્ય-આયુષ બદોનીએ કરી હતી. જો કે ધ્રુવ શૌર્ય માત્ર ત્રણ બોલનો સામનો કરીને જ ખાતું ખોલાવ્યા વગર જયદેવ ઉનડકટનો શિકાર થયો હતો. આ પછી આયુષ બદોની કે જે આઈપીએલમાં લખનઉ સુપરજાયન્ટસનો મહત્ત્વનો બેટર છે તે પણ ત્રણ બોલનો સામનો કરીને 0 રને ચિરાગ જાનીની બોલિંગમાં આઉટ થયો હતો. આ પછી વૈભવ રાવલ અને કેપ્ટન યશ ધુલ પહેલાં જ બોલે જયદેવ ઉનડકટ સામે આઉટ થઈ ગયા હતા.

પેવેલિયન પરત ફર્યા
ત્યારબાદ જયદેવ ઉનડકટે જોન્ટી સંધુને ચાર રને તો આઈપીએલમાં દિલ્હી કેપિટલ્સ વતી રમતા લલિત યાદવને 0 રને આઉટ કર્યા હતા. આ પછી તેણે પોતાની છઠ્ઠી વિકેટ લક્ષ્ય યાદવને આઉટ કરીને મેળવી હતી. એકંદરે દિલ્હીએ 16 રનમાં જ સાત વિકેટ ગુમાવી દેતાં તેની હાલત ખરાબ થઈ જવા પામી હતી કારણ કે તેના મહત્ત્વના બેટ્સમેન બે આંકડાનો સ્કોર પણ બનાવી શક્યા ન હતા. ઉલ્લેખનીય છે કે દિલ્હીના પાંચ બેટ્સમેન જયદેવ ઉનડકટની આગઝરતી બોલિંગ સામે ખાતું પણ ખોલાવી શક્યા નહોતા અને પેવેલિયન પરત ફર્યા હતા.

1 સિક્સ ફટકારવામાં આવી
બોલિંગમાં સૌરાષ્ટ્ર વતી જયદેવ ઉનડકટે 12 ઓવરમાં 39 રન આપીને 8 તો ચિરાગ જાનીએ 6 ઓવરમાં 14 રન આપી 1 વિકેટ મેળવી છે. દિલ્હીના કુલ સ્કોરમાંથી પાંચ રન લેગબાયના રૂપમાં મળ્યા છે. દિલ્હી દ્વારા કુલ 35 ઓવરમાં 131 રન કરવામાં આવ્યા જેની સામે સૌરાષ્ટ્રએ 4 વાગ્યા સુધીમાં 33 ઓવરની અંદર 1 વિકેટ ગુમાવી 132 રન કર્યા છે. જેમાં કુલ 19 બાઉન્ડરી અને 1 સિક્સ ફટકારવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...