વિરોધ:સૌરાષ્ટ્ર યુનિ.ની સેનેટની ચૂંટણી જાહેર કરવામાં વિલંબ, યુથ કોંગ્રેસ અને NSUIએ રજિસ્ટ્રાર ચેમ્બરમાં રામધૂન બોલાવી તેના રાજીનામાની માગ કરી

રાજકોટ3 મહિનો પહેલા
યુથ કોંગ્રેસ અને NSUIના કાર્યકરોએ રજિસ્ટ્રાર ચેમ્બરમાં રામધૂન બોલાવી વિરોધ નોંધાવ્યો
  • સેનેટની ચૂંટણીનું જાહેરનામું બહાર પાડવા ઉગ્ર રજુઆત કરી

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં કોઈ કારણોસર સેનેટ ચૂંટણી જાહેર કરવામાં વિલંબ થતા કુલપતિ સામે ભાજપ-કોંગ્રેસના સભ્યોએ મોરચો માંડ્યો છે. જો નિયત સમયમાં ચૂંટણીનું જાહેરનામું પ્રસિદ્ધ ન થાય તો બંને પક્ષના સભ્યોનું સિન્ડિકેટ પદ જોખમમાં મુકાઈ તેમ છે. આથી બંને પક્ષના આગેવાનો ધમપછાડા કરી રહ્યા છે. આજે ફરી યુથ કોંગ્રેસ અને NSUIએ ચૂંટણી જાહેરનામું પ્રસિદ્ધ કરવા ઉગ્ર રજુઆત કરી હતી. તેમજ રજિસ્ટ્રાર ચેમ્બરમાં રામધૂન બોલાવી રજિસ્ટ્રારના રાજીનામાની માગ કરી હતી.

23 મેના રોજ સેનેટની ટર્મ પૂર્ણ થાય છે
આગામી 23 મેં 2022ના રોજ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની સેનેટની ટર્મ પૂર્ણ થઇ રહી છે, ત્યારે ટર્મ પૂરી થતાના 50 દિવસ પહેલા ચૂંટણી અંગે જાહેરનામું પ્રસિદ્ધ કરવાનું ફરજીયાત રહેતું હોય છે. જોકે મતદાર યાદી કે ચૂંટણી અંગે જાહેરનામું હજુ સુધી પ્રસિદ્ધ ન થતા રાજકોટ શહેર યુથ કોંગ્રેસ અને NSUI દ્વારા આજે ફરી એક વખત સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ખાતે ઉગ્ર રજુઆત કરવામાં આવી હતી. અગાઉ થોડા દિવસ પહેલા મળેલી સેનેટની સભામાં પણ કોંગ્રેસ વિરોધ નોંધાવી ચૂંટણી જાહેર કરવા માગ કરી હતી. એ સમયે કુલપતિએ નિયત સમયમાં જાહેરાત કરવામાં આવશે તેવું જણાવ્યું હતું. જોકે જાહેરાત ન થતા આજે ફરી રજિસ્ટ્રાર ચેમ્બરમાં NSUIના કાર્યકર્તા અને આગેવાનોએ રામધૂન બોલાવી સરકાર વિરુદ્ધ ઉગ્ર સુત્રોચ્ચાર કર્યા હતા.

રજિસ્ટ્રાર અવારનવાર ગોળ ગોળ જવાબ આપે છે
રાજકોટ NSUIના પ્રમુખ નરેન્દ્ર સોલંકીએ જણાવ્યું હતું કે, 23 મેના રોજ સેનેટ ટર્મ પૂર્ણ થઇ રહી છે, આમ છતાં ચૂંટણી અંગે જાહેરનામું કે મતદાર યાદી પ્રસિદ્ધ કરવામાં આવી નથી. આમ છતાં શા કારણે વિલંબ કરવામાં આવી રહ્યો છે તે સમજી શકાતું નથી. રજિસ્ટ્રાર દ્વારા અવારનવાર ગોળ ગોળ જવાબ આપવામાં આવી રહ્યા છે. જો રજિસ્ટ્રાર ભાજપને પૂછ્યા વગર કોઈ કામ કરી ન શકતા હોય તો રાજીનામું આપી દે એવી અમારી માગ છે. અથવા ચૂંટણી તારીખ જાહેર કરે નહીં તો આવતા દિવસોમાં ઉગ્ર વિરોધ કરવામાં આવશે.

સેનેટની ચૂંટણીમાં 43 બેઠક
ઉલ્લેખનીય છે કે યુનિવર્સિટીમાં ચૂંટણી લડી શકાય એવી 43 સીટ છે. જેમાંથી 5 વર્ષ પહેલાની ચૂંટણીમાં ભાગબટાઈથી 37 સીટ ભાજપે રાખી તો 8 કોંગ્રેસના ફાળે ગઈ છે. ત્યારે આ વર્ષે પાટીલની નો રિપીટ થિયરીના ખતરાનો પણ ભય ભાજપના સભ્યોને લાગી રહ્યો છે.

અન્ય સમાચારો પણ છે...