યુનિવર્સિટીમાં ભરતીની લહેર:ડિગ્રી, અનુભવ, રિસર્ચના અભાવે પ્રોફેસરની 29, એસોસિએટની 34, આસિસ્ટન્ટની 50 અરજી રદ!

રાજકોટ10 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • 2019માં મગાવેલી 423 અરજીમાંથી 295 લાયક

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં છેલ્લા ઘણા વર્ષથી કાયમી પ્રોફેસરોની ભરતી ટલ્લે ચઢી હતી પરંતુ 2019માં જ્યારે યુનિવર્સિટીમાં પ્રોફેસર, એસોસિએટ પ્રોફેસર અને આસિસ્ટન્ટ પ્રોફેસરની કાયમી જગ્યા ભરવા માટે અરજીઓ મગાવવામાં આવી હતી પરંતુ કોઈ કારણોસર ભરતી થઇ શકી ન હતી પરંતુ હવે આ તમામ અરજીઓનું સ્ક્રૂટીની કરીને તેનું લિસ્ટ વેબસાઈટ પર જાહેર કરી દેવાયું છે. જેમાં પ્રોફેસરની પોસ્ટ માટે માત્ર 5 જ ઉમેદવાર લાયક ઠર્યા હતા જ્યારે 29 અરજીઓ રિજેક્ટ કરી દેવામાં આવી હતી.

એસોસિએટ પ્રોફેસરમાં પણ માત્ર 5 અરજી માન્ય રહી હતી 34 અરજી રિજેક્ટ થઇ હતી જયારે આસિસ્ટન્ટ પ્રોફેસરમાં 285 ઉમેદવાર લાયક રહ્યા હતા જયારે 50 ઉમેદવારો ગેરલાયક ઠર્યા હતા. આ ઉપરાંત રિસર્ચ ઓફિસરની પણ 15 અરજી રિજેક્ટ કરવામાં આવી હતી. આમ કુલ 295 અરજીઓ માન્ય રહી છે અને 128 અરજી અમાન્ય રહી છે. ડિગ્રી, અનુભવ અને રિસર્ચ પેપરના અભાવે મોટાભાગના ઉમેદવારોની અરજી અમાન્ય રહી છે. આ અંગે કુલપતિ ડૉ. ભીમાણીએ જણાવ્યું હતું કે સમગ્ર ભરતી પ્રક્રિયા પારદર્શિત રીતે થાય તેવા પ્રયાસો કરીશું.

એજ્યુકેશન ભવનનું લિસ્ટ નહીં મુકાતા અચરજ!
ભવનોમાં પ્રોફેસર, એસોસિએટ, આસિસ્ટન્ટની માન્ય અને અમાન્ય અરજીઓનું લિસ્ટ મુકાયું છે પરંતુ આ લિસ્ટમાં એજ્યુકેશન ડિપાર્ટમેન્ટનું માન્ય કે અમાન્ય ઉમેદવારનું લિસ્ટ નહીં મુકાતા અનેક સવાલો થઇ રહ્યા છે. કારણ કે આ ભવનની અરજીઓની સ્ક્રૂટિની થઇ ચુકી છે. યુનિવર્સિટી દ્વારા ભૂલથી લિસ્ટ મુકાયું નથી કે ફરી કોઈ ભરતી વિવાદ ઉભો થશે તે જોવું રહ્યું.

ટીચિંગમાં જૂની અરજીઓના આધારે ભરતી, નોન ટીચિંગ-રજિસ્ટ્રાર માટે નવી મંગાવી હતી
2019માં જાહેરાત બહાર પાડવામાં આવી હતી અને હાલ ત્રણ વર્ષ બાદ પણ જે-તે સમયે આવેલી અરજીઓના આધારે જ ભરતી પ્રક્રિયા થઇ રહી છે જ્યારે બીજી બાજુ નોન ટીચિંગમાં નવેસરથી અરજીઓ મંગાવવામાં આવી હતી. આ ઉપરાંત યુનિવર્સિટીના રજિસ્ટ્રાર અને પરીક્ષા નિયામકની પોસ્ટ માટે પણ જે-તે સમયે જાહેરાત આપ્યા બાદ પણ નવેસરથી અરજીઓ મંગાવી હતી.

અન્ય સમાચારો પણ છે...