કોરોના ઈફેક્ટ:કોરોનાને હરાવ્યો પરંતુ એક માસમાં 50 દર્દીને મ્યુકર માઈક્રોસીસે ભરડામાં લીધા

રાજકોટ10 મહિનો પહેલા
  • કૉપી લિંક
મ્યુકર માઈક્રોસીસના દર્દીનો એક્સ-રે જેમાં એક તરફ ફૂગનો જમાવડો જોઈ શકાય છે. - Divya Bhaskar
મ્યુકર માઈક્રોસીસના દર્દીનો એક્સ-રે જેમાં એક તરફ ફૂગનો જમાવડો જોઈ શકાય છે.
  • અગાઉ વર્ષે એકાદ બે જ કેસ આવતા હતા, છેલ્લા 45 દિવસમાં 12 સર્જરી કરી છે, ડો. ડેનિશ આરદેશણા
  • રાજકોટમાં કોરોનાને હરાવ્યા બાદ પણ ડાયાબિટીસગ્રસ્ત માથે ઝળુંબતું જોખમ

રાજકોટની સિવિલ હોસ્પિટલમાં કોરોના થયા બાદ મ્યુકર માઈક્રોસીસના 10થી વધુ ઓપરેશન થયા છે. ખાનગી ઈએનટી સર્જનો પાસે તેના કરતા પાંચ ગણા દર્દીઓ આવ્યા છે. શહેરના અગ્રણી સર્જન જ આ પ્રકારની સર્જરી કરે છે તે પૈકી ડો.ડેનિશ આરદેશણા જણાવે છે કે, પહેલા વર્ષે એકાદ બે કેસ માંડ આવતા પણ છેલ્લા 45 દિવસમાં જ 12 દર્દી આવી ગયા છે તેમજ તેમના સંપર્કમાં જે સર્જનો છે તે સહિત એક જ મહિનામાં 50થી વધુ સર્જરીઓ થઈ હોવાનું બહાર આવ્યું છે. મ્યુકર માઈક્રોસીસ એટલે કે ફંગલ ઈન્ફેક્શનની સૌથી વધુ સમસ્યાઓનો શિકાર જે લોકોને વધુ પડતું ડાયાબિટીસ હોય તે છે.

હાલ જે કેસ આવ્યા છે તેમાં 98 ટકા ડાયાબિટિક હોવાનું સર્જન જણાવી રહ્યા છે. એક વખત ફુગ શરીરમાં પ્રવેશી ગઈ એટલે પછી માત્ર સર્જરી જ તેનો વિકલ્પ છે અને ઘણા કિસ્સાઓમાં આખે આખા તાળવા કાઢી નાખવા પડ્યા હોય તેવી સ્થિતિ છે. બીજી તરફ મ્યુકર માઈક્રોસીસમાં મોર્ટાલિટી રેશિયો 20થી 60 ટકા જેટલો ઊંચો હોય છે. ઘણા દર્દીઓ ઓપરેશન પહેલા અને ઓપરેશન પછી મોતને ભેટે છે.

ફંગલ ઈન્ફેક્શનને કારણે તાળવા કાઢી નાખવા પડે તેવી નોબત
આ બે કેસથી સમજો કઈ રીતે દર્દીની સારવાર કરાઈ
કેસ : 1

દીવથી આવેલા 65 વર્ષના વૃદ્ધ રાજકોટ કોરોનાની સારવાર માટે આવ્યા હતા. કોરોના બાદ તેમને ફંગલ ઈન્ફેક્શન ડિટેક્ટ થતા રીફર કરાયા હતા. તેમની આંખ પર સોજો હતો, નાક પણ કાળું પડ્યું હતું. રિપોર્ટ કરાતા ઈન્ફેક્શન તાળવું, નાક અને આંખ બધે જ ફેલાયેલું હતું. નાક અને તાળવામાં એટલી હદે ઈન્ફેક્શન હતું કે બધું એક થઈ ગયું હતું તેથી તાળવું જ કાઢી નાખવું પડ્યું હતું. તાળવું નીકળી જવાથી બીજી પણ સમસ્યાઓ થાય તેથી ટ્રેકોસ્ટોમી કરીને શ્વાસનળી ફિટ કરવી પડી હતી. હાલ તેમના નાકમાંથી પ્લાસ્ટિકની નળી નાખી પેટ સુધી પહોંચાડાઈ છે જેના વાટે ખોરાક લેવાઈ રહ્યો છે. તેઓ 18 દિવસથી દાખલ છે.

કેસ : 2
45 દિવસ પહેલા 58 વર્ષના પુરુષ મોરબીથી સારવાર માટે આવ્યા હતા. તેઓ કોરોનાથી રિકવર થઈ ગયા હતા પણ શ્વાસ લેવામા તકલીફ હતી. રિપોર્ટ કરાતા સાઈનસમાં ફંગલ ઈન્ફેક્શન દેખાયું હતું. દર્દીને સર્જરી માટે ખસેડાયા હતા અને સાયનસમાંથી ફુગગ્રસ્ત ટિશ્યૂ દૂર કરાયા હતા અને સતત 35 દિવસ સુધી એન્ટિ ફંગલ ઈન્જેક્શન અપાયા હતા. હાલ ડિસ્ચાર્જ થયા છે.

ડો.આરદેશણા
ડો.આરદેશણા

મ્યુકર માઈક્રોસીસ લોહીની ઝીણી નસોમાં હુમલો કરે છે
ડો.આરદેશણા જણાવે છે કે, કોરોનામાં જે સારવાર અપાય છે તેમાં અમુક ટ્રીટમેન્ટથી રોગપ્રતિકારક શક્તિ ઘટી જાય છે. ડાયાબિટિક દર્દીની ઈમ્યુનિટી પહેલાથી જ ઓછી હોય છે. આ કારણે નાકમાં રહેલા ભેજ અને રસીને કારણે ફુગ વધવાની શરૂ થાય છે. મ્યુકર માઈક્રોસીસને એન્જિયો ઈન્વેસિવ કહે છે એટલે કે તે ટિશ્યૂની ઝીણી લોહીની નસોમાં ઘૂસી જાય છે અને બ્લોક કરી દે છે. ધીરે ધીરે આ ફુગ નાકમાંથી તાળવું, આંખ અને મગજ સુધી પહોંચી જાય છે. ફુગ લાગે એટલે સર્જરી સિવાય કોઈ વિકલ્પ નથી.

અન્ય સમાચારો પણ છે...