સુજલામ-સુફલામ જળસંગ્રહ અભિયાન:વીંછિયા તાલુકામાં 4 તળાવોને ઊંડા ઉતારવાની કામગીરી પૂર ઝડપે, પાણી વિતરણ માટે 28 માઈક્રો ઈરિગેશન યોજનાઓ અને 8 કેનાલ કાર્યરત

રાજકોટ2 દિવસ પહેલા
  • કૉપી લિંક

રાજકોટ જિલ્લાના વીંછિયા તાલુકાની જમીન કઠણ અને પથરાળ હોવાથી પાણીનો સંગ્રહ ઓછો થઈ શકે છે. આ વિસ્તારમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના નેતૃત્વ અને સિંચાઈ મંત્રી કુંવરજી બાવળિયાના માર્ગદર્શન હેઠળ પાણી પુરવઠા વિભાગના યાંત્રિક વિભાગ દ્વારા વિવિધ જગ્યાઓએ તળાવોને ઊંડા કરવા તેમજ પાળાઓ મજબૂત કરવાનું કામ ઝડપથી કરવામાં આવી રહ્યુ છે. તેમજ વીંછિયા તાલુકામાં 4 તળાવો ઊંડા ઉતારવાની કામગીરી પૂર ઝડપે ચાલી રહી છે. જસદણ-વીંછિયા વિસ્તારમાં કુલ 28 જેટલી માઈક્રો ઈરીગેશન યોજનાઓ કાર્યરત છે અને 8 જેટલી કેનાલ થકી આ વિસ્તારોમાં પાણી પુરુ પાડવામાં આવે છે.

જનડા ગામના તળાવને ઊંડું ઉતારવાની કામગીરી
વીંછિયાથી લગભગ 9 કિલોમીટરના અંતરે આવેલ જનડા ગામની અંદાજિત વસ્તી 3000ની છે. આ ગામના બસ સ્ટેશનમાં આવેલ તળાવને ઊંડા કરવાનું કામ છેલ્લા 1 મહિનાથી સતત ચાલુ છે. અહીં નાના તળાવને વિસ્તારીત કરીને ઊંડાઈ વધારવાનું કામ કરવામાં આવી રહ્યુ છે. લગભગ 5 ફૂટ જેટલી પાળ બંધાયેલ હતી. તેના ઉપર માટી નાંખીને પાળને લગભગ 13થી 15 ફૂટ ઊંચી કરવામાં આવી રહી છે. આ પાળ લગભગ 10 ફૂટ જેટલી પહોળાઇ સાથે મજબૂત રીતે પાણીને રોકી શકે તેવી છે. તળાવની કેપેસિટી 0.71 એમસીએફટી હતી, જે આ કામ પૂર્ણ થયે લગભગ ત્રણ ગણી એટલે કે 2.10 એમસીએફટી થશે.

35-40 વર્ષ જૂના આ તળાવને ઊંડુ ઉતારવાની કામગીરી
જનડા ગામના સરપંચ સંજયભાઇ બાવળિયા જણાવે છે કે, લગભગ 35-40 વર્ષ જૂના આ તળાવને ઊંડુ કરવાની અને પાળ મોટી કરવાની કામગીરી પ્રથમવાર કરવામાં આવી રહી છે. ખોદકામથી નીકળતી માટી સરકારી મશીનરી દ્વારા ખેડૂતોને મફતમાં ભરી આપવામાં આવે છે. ખેડૂતો સ્વખર્ચે દરરોજ લગભગ 200 ફેરા ટ્રેક્ટરના કરીને આ અમૂલ્ય માટી તેમના ખેતરમાં પાથરવા માટે લઈ જાય છે. બે વર્ષથી આ વિસ્તારમાં ટપક પદ્ધતિથી વૃક્ષો ઉછેરી રહ્યા છે. ચોમાસામાં તળાવ ભરાતાં વર્ષે ઉનાળું પાક પણ લઈ શકાશે અને તળાવના પાણીને લીધે તળ ઊંચા આવતાં પીવાના પાણીમાં પણ લાભ થશે. હાથસણી, અમરાપુર, દેવળિયા વગેરે આસપાસના ગામોના લગભગ 250 જેટલા ખેડૂતોને આનાથી ફાયદો થશે.

તળાવ ખોદવાની કામગીરીથી અમને ખૂબ ફાયદો થયો
જનડા ગામના ખેડૂત મનસુખભાઇ જણાવે છે કે, તળાવ ખોદવાની કામગીરીથી અમને ખૂબ ફાયદો થયો છે. સરકારી ખોદકામના મશીનોથી અમને દરરોજના 30 ટ્રેક્ટરથી 200 ફેરા જેટલી માટી મળે છે. જે હું મારી 7-8 વીઘા જમીનમાં પાથરૂં છું. માટી મને કોઇ પણ જાતના ખર્ચા વગર મને મળી શકી છે, જેનાથી મારી જમીનની ગુણવત્તા સુધરશે અને પાણી મળવાથી ઊપજ અને આવકમાં વધારો થશે.

ખેતરોની ફળદ્રુપતામાં વધારો થઈ શકે
દરેક જગ્યાએ બે બુલડોઝર અને બે ટ્રક તેમજ અન્ય જરૂરી મશીનરી દ્વારા સમગ્ર દિવસ દરમિયાન આ કામ કરવામાં આવી રહ્યું છે. તળાવોમાંથી નીકળતો ફળદ્રુપ કાંપ ગામના ટ્રેક્ટરો વિનામૂલ્યે ભરી દઈને ખેતરમાં ભરવા માટે ખેડૂતોને આપવામાં આવી રહ્યો છે, જેથી તેમના ખેતરોની ફળદ્રુપતામાં વધારો થઈ શકે. જનડા, પીપરડી, રેવાણીયા ખાતેના તળાવોને ઊંડા કરવા તેમજ માટીપાળાનું મરામત કામ થઈ રહ્યુ છે.

પીપરડીમાં 15 દિવસથી તળાવમાં કામગીરી ચાલુ
પીપરડી ગામમાં અંદાજિત 9000ની વસ્તી ધરાવે છે અને વીંછિયાથી લગભગ 10 કિલોમીટરના અંતરે આવેલ છે. પીપરડી ગામ પાસે આવેલ તળાવ આખા ગામની ખેતી માટે પાણીનો મોટો સ્ત્રોત છે. આ તળાવને ઊંડું અને વિસ્તારીત કરવામાં આવી રહ્યું છે તેમજ તે માટે તળાવની બાજુમાંથી પસાર થતી ઇલેક્ટ્રિક લાઇનને સ્થળાંતરિત કરીને થાંભલાની જગ્યાએ નવું ખોદકામ કરીને તળાવને વિશાળ બનાવવામાં આવી રહ્યું છે. લગભગ 15 દિવસથી આ તળાવ ખાતે કામગીરી ચાલુ છે. તળાવની કેપેસિટી 1.06 એમસીએફટી હતી, જે આ કામ પૂર્ણ થયે 1.85 એમસીએફટી થશે.

20-25 હેક્ટર જમીનનાં ભૂગર્ભ જળનાં તળ ઊંચા આવશે
આ તળાવોથી ખેડૂતોને પીવાનાં અને સિંચાઈનાં પાણી માટે સીધો લાભ થશે. તેમજ વરસાદની ઋતુમાં સારો વરસાદ થતાં આ તળાવોમાં પાણી ભરાવાથી તળાવની આસપાસની આશરે 20-25 હેક્ટર જમીનનાં ભૂગર્ભ જળનાં તળ ઊંચા આવશે અને ખેડૂતો વર્ષમાં એકથી વધુ પાક લઈ શકશે. ખેડૂતો ઉપરાંત ગ્રામજનોને પણ આડકતરી રીતે આ કાર્ય લાભ કરે છે. જગના તાતને પાણી પુરૂ પાડીને સિંચાઇની સમસ્યાઓ દૂર કરીને વીંછિયા તાલુકાની ધરતીને સુજલામ સુફલામ કરવાના શુભ ઉદેશ સાથે આ કામગીરી શરૂ કરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...