રાજકોટ જિલ્લાના લોધિકા તાલુકાના રાવકી ગામે 66 કે.વી. સબ સ્ટેશનનું લોકાર્પણ સાંસદ, મંત્રી અને ધારાસભ્યોની ઉપસ્થિતિમાં કરાયું હતું. વાહન વ્યવહાર મંત્રી અરવિંદભાઈ રૈયાણીએ જણાવ્યું હતું કે, રાજકોટમાં ઉદ્યોગોનો વ્યાપ અને વિસ્તાર વધ્યો છે. ઉદ્યોગો અને ખેડૂતોની વીજળીની જરૂરિયાતની પૂર્તિ માટે રાવકીના નવનિર્મિત 66 કિલોવોટના વીજ સબ સ્ટેશનનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. જેનાથી આ વિસ્તારના અનેક લોકોની વીજળીની જરૂરિયાત સંતોષાશે. ગામડાંઓમાં પણ શહેર જેવી સુવિધાઓ મળી રહે તે માટે રાજ્ય સરકાર પ્રયત્ન કરી રહી છે, જેથી શહેરીકરણ અટકશે. ઉદ્યોગની સાથે સાથે આસપાસના ગામડાંના લોકોને પણ નવા સબ સ્ટેશનને લીધે શહેરની જેમ જ સાતત્યપૂર્ણ વીજપુરવઠાનો લાભ મળશે.
આ તકે ધારાસભ્ય ગોવિંદભાઇ પટેલે કહ્યું હતું કે, આ વિસ્તારમાં ઉદ્યોગો છે, જેના પગલે ગુણવત્તાયુક્ત વીજપુરવઠાની જરૂરિયાત ઊભી થઇ છે. જેને ધ્યાને રાખી 66 કે.વી. સબ સ્ટેશન રાજ્ય સરકારે રાવકી ગામને ફાળવ્યું છે. જેનાથી ઉદ્યોગગૃહોને લાભ થશે. રાજ્ય સરકાર દ્વારા ‘સૌની’ યોજના, નવા વીજ સબ સ્ટેશન સહિતના વધુને વધુ વિકાસ કામો થઈ રહ્યા છે. મહાનુભાવોએ દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમને ખુલ્લો મુક્યો હતો. બાળકોએ પ્રાર્થના ગીત રજૂ કર્યું હતું. મહાનુભાવોએ સબ સ્ટેશનની તક્તીનું અનાવરણ અને વૃક્ષારોપણ કર્યું હતું. મહાનુભાવોને મગ અને ખાદીના રૂમાલ આપી સન્માનિત કરાયા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.