કોવિડ ઇફેક્ટ:કોરોનાના દર્દીઓને બચાવવા રોગપ્રતિકારક શક્તિ ઘટાડી તો નાકમાં ફુગ જામી, મ્યુકર માઈક્રોસીસ થયું

રાજકોટ10 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મ્યુકર માઈક્રોસીસને કારણે રાજકોટમાં 3 મોત, 10 કેસ આવ્યા જે તમામ ડાયાબિટીસના દર્દી : ડો. મિસ્ત્રી

કોરોનાની સારવાર દરમિયાન મ્યુકર માઈક્રોસીસ નામની નવી બીમારી આવી હોવાની ચર્ચા જાગી છે પણ આ નવી નહિ પણ પહેલાથી જ થતું ફંગલ ઈન્ફેક્શન છે. રાજકોટમાં આવા 10થી વધુ કેસ આવ્યા છે જેમાંથી 3નાં મોત નીપજ્યા છે. મેડિસિન વિભાગના ડો. મેઘલ અનડકટ જણાવે છે કે, કોરોનાનો ચેપ વધુ ફેલાય તો શરીરની રોગપ્રતિકારક શક્તિ હાઈપર એક્ટિવ બને છે. આ કારણે સાઇકોટિક સ્ટોર્મની સ્થિતિ સર્જાય છે જેથી ફેફસાંમાં લોહી જામી જતા દર્દીનું મોત નીપજે છે. આવી સ્થિતિ ન થાય તે માટે રોગપ્રતિકારક શક્તિ દબાવવા માટે સ્ટિરોઈડ અપાય છે.

ડાયાબિટીસના દર્દીઓની રોગપ્રતિકારક શક્તિ ઓછી હોય છે અને સ્ટિરોઈડ અપાતા વધુ ઘટાડો આવે છે. આ કારણે હવા મારફત કે કોઇ રીતે નાક સુધી ફુગ પહોંચે છે અને ત્યાં યોગ્ય વાતાવરણ અને ભેજ મળતા ફુગ ફેલાવા લાગે છે. નાકમાં ફુગ જામી જતા ઈએનટી સર્જનને સર્જરી કરી આ ફુગ કાઢવી પડે છે નહીંતર તે મગજ સુધી પહોંચે તો અંધાપો અને મોત થઈ શકે છે. ઈએનટી વિભાગના ડો. સેજલ મિસ્ત્રી કહે છે કે, ડો. પરેશ ખાંગડુ, ડો. મોનિલ પરસાણા અને ડો. ઉર્વશી ગોહિલ સહિતની ટીમ સતત કાર્યશીલ છે કારણ કે આ નવો રોગ નથી પણ પહેલાથી થતો આવ્યો છે.

ડાયાબિટીસના દર્દીઓમાં ફંગલ ઈન્ફેક્શન થતું હોય છે પહેલા 3 મહિને એકાદ દર્દી આવતા હતા પણ હાલ એક જ મહિનામાં 7 દર્દી આવ્યા છે. કોરોનાને કારણે દર્દીઓની સૂંઘવાની શક્તિ ઓછી થઈ જાય છે તેથી તેઓને નાકમાં રસી કે પાણી ભરાયાનો ખ્યાલ રહેતો નથી અને આ રસી પર ફંગસ લાગે ત્યાં સુધી દર્દીને ખ્યાલ રહેતો નથી. મ્યુકર માઈક્રોસીસ નામની આ ફુગ ખૂબ જ સક્રિય હોય છે અને સતત આગળ વધે છે તે હાડકાં સુધી પહોંચી તેને પણ ક્ષીણ કરી શકે છે. જો મગજ સુધી પહોંચે તો સીધું મોત નિપજાવી શકે છે. રાજકોટમાં જે 10 કેસ સામે આવ્યા તેમાં 3નાં મોત નીપજ્યા છે.

મ્યુકર માઇક્રોસીસના લક્ષણો અને સારવાર
તબીબોના જણાવ્યા અનુસાર નાકમાં સોજો આવવો, ચામડી કાળી થવી, શ્વાસમાં તકલીફ એ બધા મ્યુકર માઈક્રોસીસના લક્ષણો છે. જે લોકો ડાયાબિટિક છે તેમણે પર્સનલ હાઈજિન એટલે કે કાન, નાકની સફાઈ રાખવી જોઈએ જો આ રોગ લાગુ પડે તો સર્જરી કરીને ફુગ કાઢવી પડે છે અને ઈન્જેક્શન આપવા પડે છે. 3 મહિના સુધી એન્ટિ ફંગલ દવાઓનો કોર્સ પણ કરવો પડે છે.

અન્ય સમાચારો પણ છે...