દર વર્ષે બોર્ડના પરિણામમાં શા માટે સરકારી શાળાનું પરિણામ નીચું જ આવે અને ખાનગી શાળાના પરિણામ હંમેશા ઉંચા જ આવે તેના કારણો દિવ્ય ભાસ્કરે' જાણ્યા. જેમાં કેટલીક મહત્ત્વની બાબતો સામે આવી છે. તાજેતરમાં જ ધોરણ 12 સાયન્સમાં ખાનગી શાળાનું પરિણામ સારું જ્યારે સરકારી શાળાનું કંગાળ પરિણામ આવ્યું છે.
આર્થિક અને સામાજિક પછાત વર્ગના વિદ્યાર્થીઓ સરકારી સ્કૂલમાં ભણતા હોય, વિદ્યાર્થીના ઘરમાં શૈક્ષણિક વાતાવરણ સારું નથી હોતું, આ ઉપરાંત સ્કૂલમાં શિક્ષકોની અછત હોય છે એક જ શિક્ષક બે કે ત્રણ વિષય ભણાવતા હોય છે, એકમ કસોટી અને સત્રાંત પરીક્ષા જ લેવાય છે. ક્યારેક શિક્ષકો પણ વિદ્યાર્થીઓ પાછળ મહેનત નથી કરતા, સરકારી નોકરી હોવાને લીધે બેફિકર રહે છે જેના કારણે સરકારી શાળાનું પરિણામ દર વર્ષે નીચું જ આવે છે જ્યારે ખાનગી સ્કૂલમાં શિક્ષકોને પર્ફોર્મન્સ બતાવવું પડે છે, ખાનગી સ્કૂલના વિદ્યાર્થીઓને રોજ નિયમિત પિરિયડ ઉપરાંત બોર્ડના વિદ્યાર્થીઓને એક્સ્ટ્રા ક્લાસ મળે છે. ખાનગી શાળા વિદ્યાર્થીને પરીક્ષાની પ્રેક્ટિસ કરાવે છે.
આ રહ્યો તફાવત - સરકારીમાં બોર્ડની પરીક્ષાની વિશેષ તૈયારી નહીં, ખાનગીમાં એકાંતરે પેપર પ્રેક્ટિસ
સરકારી સ્કૂલ | ખાનગી સ્કૂલ |
શિક્ષકો ક્વોલિફાઈડ, શિક્ષણ નબળું | તમામ શિક્ષકો ક્વોલિફાઈડ નહીં, શિક્ષણ શ્રેષ્ઠ અપાય |
સરકારી શિક્ષકોની નોકરી સુરક્ષિત | ખાનગી શિક્ષકોની નોકરી સુરક્ષિત નહીં, છૂટા પણ કરી શકે. |
પરિણામ નબળું આવે તો શિક્ષકોને કોઈ ચિંતા નહીં | શ્રેષ્ઠ પરિણામ લાવવાની શિક્ષકોની જવાબદારી, નબળું આવે તો પગાર-નોકરી પર અસર |
દરરોજ 5થી 7 પિરિયડ લેવાય | દરરોજ 8થી વધુ પિરિયડ, બોર્ડના વિદ્યાર્થીઓને એક્સ્ટ્રા ક્લાસ |
દરેક વિષયના નિષ્ણાત નથી, શિક્ષકોની અછત | વિષય નિષ્ણાત જ ભણાવે, શિક્ષકોની કોઈ અછત નથી |
વિદ્યાર્થી આર્થિક નબળા, વાલી પણ અશિક્ષિત | વિદ્યાર્થી આર્થિક માધ્યમ કે સધ્ધર, વાલી મહદંશે શિક્ષિત |
ઇન્ફ્રાસ્ટ્રક્ચર શ્રેષ્ઠ ગુણવત્તાનું, ક્લાસરૂમ મોટા | મોટાભાગે ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રમાણમાં નબળું, ક્લાસરૂમ નાના |
માત્ર એકમ કસોટી અને સત્રાંત પરીક્ષા લેવાય | વર્ષમાં 80થી 100 પરીક્ષા લેવાય, બોર્ડની પરીક્ષા અગાઉ એકાંતરા પ્રેક્ટિસ ટેસ્ટ |
કુવાડવાની સ્કૂલનું ઝીરો ટકા પરિણામ
બાઈસાહેબબા ગર્લ્સ હાઈસ્કૂલઃ 45.83% કમરીબાઈ હાઈસ્કૂલઃ 57.14% સરકારી ઉ.મા. શાળા, કુવાડવાઃ 00.00% સરકારી ઉ.મા. શાળા, વીંછિયાઃ 46.66%
5 વર્ષમાં 30%થી ઓછું પરિણામ લાવતી 749 શાળા વધી, 100% પરિણામ લાવતી 130 શાળા ઘટી!
વર્ષ | 0% | 30%થી ઓછું | 100% પરિણામ |
2016 | 103 | 1090 | 421 |
2017 | 98 | 971 | 451 |
2018 | 127 | 1012 | 368 |
2019 | 63 | 995 | 366 |
2020 | 174 | 1839 | 291 |
એક્સપર્ટ -સરકારીમાં વિદ્યાર્થી અભ્યાસ સાથે મજૂરી કરતા હોય છે, ક્યાંક શિક્ષકો પણ નથી
સરકારી સ્કૂલમાં ભણતો વિદ્યાર્થી આર્થિક રીતે નબળા હોય એટલે જ તે સરકારી શાળામાં ભણતા હોય છે. આ ઉપરાંત કેટલાક વિદ્યાર્થી અભ્યાસની સાથે નોકરી કે મજૂરીકામ પણ કરતા હોય છે, અભ્યાસમાં પણ નબળા હોય છે. માત્ર વિદ્યાર્થીને કારણે જ સરકારી શાળાનું પરિણામ ઓછું આવે એવું નથી ક્યાંક શિક્ષકો પણ ઓછા છે. એક શિક્ષક ત્રણ વિષય ભણાવતા હોય છે તો કેટલાક શિક્ષકો પોતાની જવાબદારી સંપૂર્ણ રીતે નિભાવતા નથી હોતા તેના લીધે પણ પરિણામ ઉપર અસર પડે છે. આ ઉપરાંત શિક્ષકોને અન્ય સરકારી કામગીરી સોંપાતી હોવાથી અસર પડે છે. - સિદ્ધરાજસિંહ ઝાલા, શિક્ષણવિદ
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.