નિર્ણય:રાંદરડામાં દાયકાથી થયેલું દબાણ તંત્ર સીધી રીતે દૂર ન કરી શક્યું માટે હવે ત્યાં નવી ટીપી સ્કીમની જાહેરાત કરી

રાજકોટ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
સેટેલાઈટ ઈમેજથી જુઓ તળાવ પર દબાણની અસર- 2013 - Divya Bhaskar
સેટેલાઈટ ઈમેજથી જુઓ તળાવ પર દબાણની અસર- 2013
  • 7 વર્ષ પહેલા લેક રિડેવલપમેન્ટના નામે વૃક્ષારોપણ કરવા 40 લાખનો ખર્ચ મંજૂર થયો, જતન ન કરાયું, બે વર્ષ પહેલા તળાવ જ મનપાને સોંપી દેવાયું હતું
  • 2013થી તળાવમાં ભરતી ભરીને ગેરકાયદે મકાનો, કારખાના ખડકી દેવાનું કૌભાંડ ચાલી રહ્યું છે તેના પર આવશે લગામ

શહેરના ઈસ્ટ ઝોનમા આવેલા લાલપરી અને રાંદરડા તળાવ ભલે શહેર માટે પાણીના મહત્ત્વના સ્ત્રોત ન હોય પણ તે ઐતિહાસિક મહત્ત્વ ધરાવે છે. આ બંને તળાવ કાંઠે પ્રદ્યુમ્નપાર્ક ઝૂ આવેલું છે તેનાથી સ્થળ લોકપ્રિય છે આ જ કારણે 7 વર્ષ પહેલા જ રાંદરડા રિડેવલપમેન્ટ પ્રોજેક્ટ મુકાયો હતો પણ અત્યાર સુધીમાં ત્યાં પૈસાના આંધણ સિવાય કશું જ નથી. બીજી તરફ ભરતી નાખી તળાવને બૂરીને દબાણ કરવાના કૌભાંડને કારણે કુદરતી ઓળખ છીનવાઈ રહી છે. તેથી હવે ત્યાં ટી.પી. સ્કીમ લાગુ કરીને બધી સમસ્યાઓને એકસાથે દૂર કરવાનો વિચાર કરાયો છે.

સેટેલાઈટ ઈમેજથી જુઓ તળાવ પર દબાણની અસર - 2021
સેટેલાઈટ ઈમેજથી જુઓ તળાવ પર દબાણની અસર - 2021

રાંદરડા અને લાલપરી તળાવ માટે 10 વર્ષ પહેલા વિચાર મુકાયો હતો. 7 વર્ષ પહેલા સ્ટેન્ડિંગ કમિટીએ ત્યાં વૃક્ષારોપણ તેમજ વોક વે બનાવવા માટે 40 લાખ રૂપિયાનો ખર્ચ મંજૂર કર્યો હતો. વૃક્ષારોપણ કરાયું પણ જાળવણીના અભાવે અમુક જ છોડ ઉછરી શક્યા હતા અને હજુ પણ ત્યાં તૂટેલા પાઈપ અને તારનો ભંગાર પડ્યો છે. બે વર્ષ પહેલા સરકારમાંથી મનપાએ ખાસ મંજૂરી લઈને લાલપરી તળાવનો પણ કબજો મેળવી ફરીથી કામ ચાલુ કર્યું હતું પણ દબાણ સૌથી મોટો પ્રશ્ન હતો. આખરે હવે ત્યાં ટી.પી. માટે વિચારણા થઈ છે જેનાથી એક નહિ પણ અનેક અસર થશે. મ્યુનિસિપલ કમિશનર અમિત અરોરાએ રાંદરડા તળાવની મુલાકાત લીધી હતી અને તેઓએ ટી.પી. શાખાને ત્યાં ટી.પી. સ્કીમ માટે સરવે ચાલુ કરવા સૂચના આપી છે અને તે રીતે 10 વર્ષ જૂના ટ્વિન લેક ડેવલપમેન્ટને આગળ વધારવા આદેશ કર્યો છે. રાંદરડા તળાવ પાસે સરકારી સિવાયની જમીન નથી આમ છતાં ટી.પી. સ્કીમ શા માટે લાગુ કરાઈ રહી છે તે પ્રશ્ન અચાનક જ બધાને મનમા ઉઠ્યો હતો.

હકીકત એ છે કે ટી.પી. સ્કીમ જમીન માટે નહિ પણ દબાણ દૂર કરવા માટે છે, હાલ ત્યાં ટી.પી. સ્કીમ લાગુ કરીને તળાવનો જે હિસ્સો છે તેને નેશનલ વોટર વે જેવા ખાસ ઝોનમાં મૂકી દેવાશે તેથી મનપા સરળતાથી દબાણ દૂર કરી શકશે. ટી.પી. પ્લોટ હોવાથી કબજો ગમે તેટલો જૂનો હશે તો પણ ગેરકાયદે જ ગણાશે તેથી બીજી કોઇ ગૂંચ મનપાને નડશે નહિ. આ રીતે મહાનગરપાલિકા ટી.પી. સ્કીમ લાગુ કરીને નવી સ્કીમનો લાભ તો લેશે જ સાથે સાથે દબાણ દૂર કરી દેશે અને તળાવને ખુલ્લું કરી રેસકોર્સ જેવું જ વધુ એક રમણિય સ્થળ વિકસાવવાની તક મળશે.

લાલપરી અને રાંદરડા તળાવના કાંઠાઓમાં છેલ્લા એક દાયકામાં પુષ્કળ દબાણ ઊભા થયા છે. 2013ની સેટેલાઈટ ઈમેજ અને હાલની સેટેલાઈટ ઈમેજને સરખાવીએ તો સ્પષ્ટ દેખાય છે કે કાંઠા પર ભરતી નાખીને ત્યાં ધીરે ધીરે શેડ અને પછી પાકા બાંધકામ થઈ રહ્યા છે આ રીતે તળાવ દબાણમાં ગરકાવ થઈ રહ્યું છે. જો યોગ્ય સમયે પગલાં નહિ લેવાય તો તળાવનું કુદરતી સૌંદર્ય છીનવાઈ જશે.

હાઈવેથી પ્રદ્યુમ્નપાર્ક ઝૂ સુધી નવો એપ્રોચ રોડ બનશે
મ્યુનિસિપલ કમિશનર અમિત અરોરાએ ઝૂ અને તળાવની મુલાકાત લીધા બાદ ઝૂમાં અલાયદો અને આકર્ષક એપ્રોચ રોડની જરૂરિયાત હોવાનું જાણ્યું હતું. જેને લઈને નેશનલ હાઈવેથી પ્રાણી સંગ્રહાલય પહોંચી શકાય તેવો માર્ગ કઈ રીતે બની શકે તે માટે સરવે કરાવવા માટે ઈજનેરોને સૂચના આપી છે.

અન્ય સમાચારો પણ છે...