હિરેન ભટ્ટ
સૌરાષ્ટ્રમાં જમીન કૌભાંડ એ સૌથી મોટો પ્રશ્ન છે તેનુ કારણ એ છે કે સરકારી અધિકારી અને કર્મચારીઓ જ તેમાં મુખ્ય ભુમિકા ભજવે છે અને કૌભાંડીઓને જમીનો હડપ કરવામાં મદદ કરે છે. કૌભાંડીઓ હવે તો એ હદ સુધી પહોંચી ગયા છે કે મૃત વ્યક્તિના નામની જમીનના પણ દસ્તાવેજ કરવા લાગ્યા છે. મોરબીના રવાપરા ગામે સરવે નં. 108ની 5 એકર જમીન કે જેની હાલ બજાર કિંમત આશરે 40 કરોડ જેટલી થાય છે તેના માલિક રવા વસ્તા દલવાડીનું મોત ઘણા સમય પહેલા થયુ છે.
કૌભાંડીઓ હવે મૃત વ્યક્તિના નામની જમીનના દસ્તાવેજ કરવા લાગ્યા
ત્યારબાદ બે વખત આ જમીન બીજા નામે ટ્રાન્સફર કરવા પ્રયત્ન થયા જેમાં મૃતકનું વસિયતનામુ અને વર્ષોજૂના દસ્તાવેજ રજુ કરાયા પણ તેમાં સફળતા ન મળી. આખરે નવેમ્બર 2022માં અચાનક જ રવા વસ્તા નામની વ્યક્તિ મોરબી આવે છે અને આ મિલ્કત વેચી દસ્તાવેજ કરી નાખે છે. તંત્ર અગાઉ મોત થયાની નોંધ પાડ્યા બાદ તે જ વ્યક્તિએ જમીન વેચી તેની નોંધ પણ પાડી દે છે!
માલિક રવા વસ્તા દલવાડીનું મોત ઘણા સમય પહેલા થયુ
નોંધ પડી ગયા બાદ ભાસ્કરને માહિતી મળતા સરવે નંબરને લગતી તમામ વિગતો કાઢી હતી જેમાં જાણવા મળ્યુ હતુ કે રવા વસ્તાનુ મોત થયુ છે અને વસિયતનામાને આધારે એન્ટ્રી પાડવા 2015માં નોંધ હતી. જે સાબિત કરે છે કે હવે આ વ્યક્તિ હયાત નથી. પણ, રાજકોટમાં પીડીએમ કોલેજ પાછળ શિવનગરમાં રહેતા અજયસિંહ ભરતસિંહ જાડેજા અને કોટડાસાંગાણીના બગદડીયા રાજેશ ઉર્ફે રાજુ જેસિંગ જાદવે મોરબીના રવાપરામાં સરવે નં. 108ની જમીન રવા વસ્તા દલવાડી પાસેથી 2.18 કરોડમાં ખરીદ્યાની નોંધ પણ હતી.
જમીન ખરીદવા માટે 2.18 કરોડ રૂપિયાનો સોદો થયો
આ નોંધમાં રવા વસ્તાનુ સરનામુ કચ્છના અંજારમાં મેઘપર કુંભારડીમાં મહાવીરનગર પ્લોટ નંબર 412 હતું. આ સ્થળે ચકાસણી કરતા પ્લોટ 412 પર કોઇ મકાન જ ન હોવાની ખરાઈ કરી હતી. દસ્તાવેજમાં પુરા સરનામા ઉપરાંત ફોન નંબર પણ હતો અને તે ફોન નંબર રવા વસ્તાનો નહિ પણ અન્ય કોઇ મહિલાના નામે છે તેમજ આ નંબર અજયસિંહ જાડેજાના નંબર જેવો જ છે ફક્ત એક જ અંકનો તફાવત છે. જમીન ખરીદવા માટે 2.18 કરોડ રૂપિયાનો સોદો થયો હતો અને દસ્તાવેજમાં આ રકમની ચૂકવણી એક એક દિવસના અંતરે અપાયેલા 5 ચેકથી કરાઈ છે.
આ વખતે રેવન્યુ તલાટી મારફત કામગીરી કરાઈ
આ તમામ બાબતો એ જ ઈશારો કરે છે કે જમીન માલિક રવા વસ્તા દલાવડી કે જેનુ મોત 2010ની આસપાસ થયેલુ છે અને જમીન પડતર પડી છે. તેને હજમ કરવા માટે ભળતા નામ વાળી વ્યક્તિના આધાર કાર્ડ અને અન્ય પુરાવામાં ફેરફાર કરીને ડમી રવા વસ્તા દલવાડી બનાવી દસ્તાવેજ કરી દેવાયા છે. એટલુ જ નહિ આ જમીન મેળવવા માટે અગાઉ બે જૂથે હવાતિયા માર્યા હતા પણ ફાવ્યા ન હતા તે બંનેમાં તલાટી કમ મંત્રી અને સર્કલ ઓફિસરનો અભિપ્રાય હતો. ત્રીજુ જૂથ ફાવ્યુ પણ અલગ એ હતુ કે આ વખતે રેવન્યુ તલાટી મારફત કામગીરી કરાઈ છે.
પુરાવો | જન્મની તારીખ મુજબ તો 14 વર્ષની ઉંમરે જમીન ખરીદાઈ
કૌભાંડ કરનારાઓએ રવા વસ્તા દલવાડીનું આધારકાર્ડ બનાવ્યુ અને તેમાં જન્મતારીખ 1 જાન્યુઆરી 1947 નોંધી હતી. આ તારીખ પણ શંકાસ્પદ લાગતા માલિક રવા વસ્તાએ ખરેખર આ જમીન ક્યારે લીધી તે ચકાસણી કરતા 1961માં ખરીદ કર્યાની નોંધ મળી છે. જો 1947 જન્મતારીખ ગણાય તો તો માત્ર 14 વર્ષ એટલે કે સગીરના નામે દસ્તાવેજ 1961માં થયો ગણાય જે શક્ય નથી. આ મહત્વનો પુરાવો કૌભાંડની પૂર્તિ કરે છે. જો 1961માં જમીન ખરીદતી વખતે રવા વસ્તાની ઉંમર 19 વર્ષ ગણાય તો 2022 સુધીમાં તેઓ ઓછામાં ઓછા 80 વર્ષના હોવા જોઈએ પણ આધારકાર્ડ અને દસ્તાવેજમાં આધેડ વયની જ વ્યક્તિ છે.
અગાઉ બે વખત જમીન હડપ કરવા આ રીતે થયો હતો કારસો
જશવંતસિંહ હઠીસિંહ જાડેજા
રવા વસ્તા દલવાડીના મૃત્યુ બાદ જશવંતસિંહ હઠીસિંહ જાડેજા નામની વ્યક્તિએ 19-01-2015ના દાવો કર્યો હતો કે, રવા વસ્તા દલવાડીએ તેમની હૈયાતીમાં પોતાની તરફેણમાં નોટરી પી.એન. સોનેજી સમક્ષ વસિયતનામુ બનાવી દીધુ હતું. વસિયત 12-3-1990ના થઈ હતી જેને રજુ કરતા નામફેરની નોંધ લેવામાં આવી. જો કે આ મામલે તત્કાલિન મામલતદાર કે.વી. બાટીએ દાવો નામંજૂર કર્યો હતો.
આદમ હબીબ સંધી
આદમ હબીબ નામની વ્યક્તિએ 06-03-2021ના દાવો કર્યો હતો કે રવા વસ્તા દલવાડીએ દસ્તાવેજ નંબર:- 239 તારીખ:- 11-10-1963થી રૂ. 200માં વેચાણ આપી હતી. આ દસ્તાવેજ રજુ કરાતા તેના ખાતે નોંધ કરવામાં આવી. આ કાચી નોંધ પડતા હક્કપત્રમાં ફેરફાર માટે 135-ડીની નોટિસ મોકલાઈ હતી. જો કે વેચનારને મોકલેલી નોટિસ બજવ્યા વગર જ પરત ફરી હતી(વેચનાર મળ્યા જ નહિ). તેથી આ નોંધ પણ રદ કરાઈ હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.