આપઘાત:ઝેરી દવા પી લેનાર માતાનું દૂધ પીતા 4 માસની બાળકીનું મોત

રાજકોટએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • બગસરાના માણેકવાડાની મહિલાનો બચાવ
  • બાળકીએ રાજકોટ હોસ્પિટલમાં દમ તોડ્યો

બગસરાના માણેકવાડાની મહિલાએ ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કરતા તેને હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી, મહિલાએ તેની ચાર માસની પુત્રીને પોતાનું દૂધ પીવડાવતા તેમને ઝેરી અસર થતાં બાળકીનું મોત નીપજ્યું હતું. બનાવની મળતી વિગત મુજબ બગસરાના માણેકવાડામાં રહેતી કાજલ અજયભાઇ વાઘેલા (ઉ.વ.20)ને તેના પિયર જવું હતું પરંતુ ખેતરમાં સાંતી હાકવાની હોય પતિએ થોડા દિવસ પછી જવાનું કહેતા તે બાબતનું માઠું લાગી આવતા કાજલે ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો, દરમીયાન જાણ થતાં કાજલને તાત્કાલીક બગસરાની હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી.

હોસ્પિટલના બિછાને રહેલી કાજલને ચાર મહિનાની અસ્મિતા નામની પુત્રી હતી, ગુરુવારે બપોરે અસ્મિતા રડતી હોવાથી કાજલે તેને પોતાનું દૂધ પીવડાવ્યું હતું. કાજલે ઝેરી દવા પી લીધી હોવાથી તેનું ઝેર ભળી ગયું હોવાથી અસ્મિતાને ઝેરી અસર થતાં રાજકોટ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી પરંતુ શુક્રવારે તેનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. અસ્મિતા વાઘેલા દંપતીનું પ્રથમ સંતાન હતું, વહાલસોયી પુત્રીનાં મોતથી વાઘેલા પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું હતું. આ બનાવ અંગે બગસરા પોલીસે ધોરણસરની કાર્યવાહી કરી હતી.

અન્ય સમાચારો પણ છે...