તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોનાએ પરિવારનો માળો વીંખ્યો:રાજકોટના ઉમરાળીમાં પિતા-પુત્રનું મોત, બાળકને જન્મ આપ્યાના ચાર દિવસ બાદ પૌત્રીએ દમ તોડ્યો, 3 સભ્યના મોતથી પરિવારમાં માતમ

રાજકોટ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • હેરભા પરિવારની આભ તૂટી પડ્યા જેવી સ્થિતિ, નાના એવા ગામમાં સોંપો પડી ગયો

રાજકોટના સરધાર નજીક ઉમરાળી ગામમાં આહિર પરિવારના ત્રણ-ત્રણ સભ્યોના કોરોનામાં અવસાન થતા પરિવાર પર આભ તૂટી પડ્યું હોય તેવો માહોલ જોવા મળી રહ્યો છે. ગામના દેવરાજભાઈ ભાનુભાઈ હેરભાની પ્રેગનન્ટ દીકરી શીતલબેનને કોરોના થયો હતો. શીતલબેન બાળકને જન્મ આપ્યો અને ચાર દિવસ બાદ તેનું અવસાન થયું હતું. આથી 4 દિવસનો દિકરો માતા વિહોણો બન્યો છે. પૌત્રીના અવસાનથી આઘાતમાં સરી પડેલા દાદા ભાનુભાઈ ગોવિંદભાઈ હેરભાનું પણ નિધન થયું હતું. બાદમાં ભાનુભાઇના નાના દિકરા ભરતનું પણ કોરોનામાં મોત થતા પરિવાર આઘાતમાં સરી પડ્યો છે.

એક અઠવાડિયામાં દાદા-પૌત્રીના મોત
એક અઠવાડીયામાં દાદા-પૌત્રી અને બાદમાં ચાર-પાંચ દિવસમાં પુત્ર ભરતનું કોરોનાના કારણે અવસાન થતા પરિવારે થોડા જ દિવસમાં ત્રણ-ત્રણ સભ્યને ગુમાવવાનો વારો આવ્યો છે. આમ એક જ પરિવારમાં ટૂંકાગાળામાં ત્રણ-ત્રણ સભ્યોના અવસાનથી નાના એવા ઉમરાળી ગામમાં ગમગીની છવાઈ ગઈ છે. ગામમાં વસતા તમામ સમાજના લોકોમાં શોક છવાઈ ગયો છે. જેના સમાચાર સોશિયલ મીડીયાના માધ્યમથી સરધાર પંથકના ગામડાઓમાં પ્રસરતા સમગ્ર સરધાર પંથકનો ગ્રામ્ય વિસ્તારમાં ભયનો માહોલ છે. હેરભા પરિવાર ઉપર આવી પડેલી કોરોનારૂપી આફતમાં કુદરત દુ:ખ સહન કરવાની શક્તિ આપે તેવી લોકો ભગવાન પાસે પ્રાર્થના કરી રહ્યાં છે.

ગોંડલમાં દંપતીને એક દિવસના અંતરે જ મોત.
ગોંડલમાં દંપતીને એક દિવસના અંતરે જ મોત.

ગોંડલમાં દંપતીને એક દિવસના અંતરે કોરોના ભરખી ગયો
ગોંડલ શહેરના જેતપુર રોડ પર મેલડી માતાજીના મંદિર પાસે પાર્થ સ્કૂલ નજીક રહેતા અને સરદાર પાન નામે દુકાન ધરાવતા જિતેન્દ્રભાઈ જેરામભાઇ ઠુંમર (ઉં.વ.45) અને તેમનાં પત્ની વસંતબેન છેલ્લા એક સપ્તાહથી કોરોનાની ઝપટે ચડી ગયાં હતાં. બંનેએ સરકારી-ખાનગી હોસ્પિટલોમાં સારવાર લીધી હતી, પરંતુ તબિયતમાં સુધારો ન થતાં જામનગર સરકારી હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડાયાં હતાં. અહીં શનિવારે વસંતબેનનું નિધન થયું હતું અને જિતેન્દ્રભાઇનું રવિવારના નિધન થતાં પુત્ર-પુત્રીએ માતા-પિતાની છત્રછાયા ગુમાવતાં ઠુંમર પરિવાર શોકમગ્ન બન્યો હતો.

ગોંડલના કોન્સ્ટેબલ, તેના પિતા અને બહેનનું એક જ દિવસે મોત (કોન્સ્ટેબલની ફાઇલ તસવીર).
ગોંડલના કોન્સ્ટેબલ, તેના પિતા અને બહેનનું એક જ દિવસે મોત (કોન્સ્ટેબલની ફાઇલ તસવીર).

કોરોના પિતા, પુત્ર અને પુત્રીને ભરખી ગયો
કાળમુખો અને કાતિલ બનેલો કોરોના અનેક પરિવારોને વેરવિખેર કરી નાખ્યા છે. રાજકોટ જિલ્લાના ગોંડલ શહેરના એસ.આર.પી. કોન્સ્ટેબલ જિતેન્દ્ર સૂર્યવંશી, તેનાં પિતા તથા બહેનનાં કોરોનાને કારણે એક જ દિવસે મોત થયાં છે, જેને પગલે એસઆરપી કેમ્પમાં શોકનું મોજું ફરી વળ્યું હતું. પિતા-પુત્રી અને પુત્રનાં અલગ અલગ રાજ્યમાં મોત થયાં છે. જિતેન્દ્ર સૂર્યવંશીનું તામિલનાડુમાં, જ્યારે તેના પિતા અને બહેનનું મહારાષ્ટ્રમાં મોત થયાં છે. ગોંડલ એસઆરપી ગ્રુપ 8ના કોન્સ્ટેબલ જિતેન્દ્રભાઇ દોલતભાઇ સૂર્યવંશી તામિલનાડુ વિધાનસભાની ચૂંટણીને લઈ ત્યાં ફરજ પર હતા. આ દરમિયાન તેમની તબિયત લથડતાં અને કોરોના પોઝિટિવ આવતાં તામિલનાડુની હોસ્પિટલમાં ખસેડાયા હતા, જ્યાં વહેલી સવારે સારવાર દરમિયાન તેમનું મૃત્યુ થયું હતું.

અન્ય સમાચારો પણ છે...